અજબકુમારી : ત્રિઅંકી ગુજરાતી નાટક. લે. મૂળશંકર મૂલાણી. રજૂઆત : શ્રી મુંબઈ ગુજરાતી નાટકમંડળી, 30-9-1889; પ્રકાશન; 1955.

અજબકુમારી ચંદ્રાવતીના સેનાપતિ રણધીરને ચાહે છે. ચંદ્રાવતીની રાજકુંવરી ચંદ્રિકા પણ તેને ચાહે છે. રાણી ધારા રાજ્યલોભમાં તેને ચંદ્રાવતીના ગર્વિષ્ઠ રાજકુમાર અર્જુનદેવ સાથે પરણાવવા મથે છે. રાજા પુત્રીને લઈ જંગલમાં આવે છે. અર્જુનદેવ અને ધારા કપટથી અજબને ઉપાડી જાય છે. રણધીર અજબને છોડાવવા જાય છે. ચંદ્રિકા અજબનો વેશ લઈ રણધીરને પરણી જાય છે. અંતે ચંદ્રિકા અને અજબ ઝેર ખાઈ આપઘાત કરે છે.

એ જમાનામાં ઉર્દૂ રંગભૂમિએ પ્રચારમાં આણેલી બેતબાજીથી અળગા રહીને કવિએ આ નાટકમાં શુદ્ધ સંસ્કૃત છંદોમાં વાર્તાલાપ યોજી રસપોષક વાતાવરણ જમાવ્યું હતું. પાત્રોના ક્રમિક વિકાસ તરફ સારું ધ્યાન આપ્યું છે. નાટકમાં ઉચ્ચ આદર્શને ચરિતાર્થ કરવાનો પ્રયાસ છે. લોકરુચિ અને ધંધાદારી દૃષ્ટિને નવીન વળાંક મળે એવું નાટક એ જમાનામાં ગણાયું હતું. તેમાંના નાટ્ય અને સાહિત્યતત્ત્વને કારણે આ નાટક સાહિત્યકૃતિ તરીકે અને રંગભૂમિના શિષ્ટ પ્રયોગ તરીકે આદર પામેલું. 1889માં પ્રથમ વાર ભજવાયું ત્યારે નિષ્ફળ ગયેલું. પરંતુ 1912–13માં મુંબઈ ગુજરાતી નાટકમંડળીમાં કાઠિયાવાડી કંપની ભળી ગયા પછી તેની રજૂઆત થતાં તે લોકાદર પામ્યું હતું.

દિનકર ભોજક