અજગર (Python) : એશિયા, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે ખંડોના દેશોમાં મળી આવતો સૌથી મોટો બિનઝેરી સર્પ. ઉપસમુદાય પૃષ્ઠવંશી, વર્ગ સરીસૃપ. શ્રેણી : સ્ક્વૅમાય, ઉપશ્રેણી ઓફિડિયા, કુળ બોઇડે, પ્રજાતિ પાયથૉન. અજગર અંગેની સૌપ્રથમ જાણકારી સેબાએ 1734માં આપી. ભારતમાં બે જાતિના અજગર વસે છે : પી. રેટિક્યુલેટસ અને પી. મૉલ્યુરસ. રેટિક્યુલેટસ આશરે 6થી 8 મીટર લાંબો અને વજનમાં 110 કિલોગ્રામ જેટલો હોય છે, જ્યારે મૉલ્યુરસ કદમાં સહેજ નાનો એટલે કે લંબાઈમાં 4થી 5 મીટર લાંબો અને વજનમાં 90 કિગ્રા. જેટલો હોય છે.

અજગર

અજગરની પિછાણ વિભિન્ન ભીંગડાંઓ પરથી થઈ શકે છે. અવસારણી-દ્વાર પાસે 45 મિમી. લંબાઈના અને 20 મિમી. જાડાઈના બે નહોર જેવા પ્રવર્ધ (spurs), અવશિષ્ટ ઉપાંગો રૂપે જોવા મળે છે. સમુદ્ર સિવાય, તે જળાશયોની નિકટ ખડકાળ પ્રદેશોમાં, જંગલોમાં દર કે પોલાણોમાં રહે છે. તે વૃક્ષારોહી હોવા છતાં પાણીમાં સરળતાથી તરવાની તેમજ અગિયાર મિનિટ સુધી પાણી નીચે રહેવાની ક્ષમતા ધરાવે છે. મોટા અજગર સ્થૂળતાને લીધે નિશ્ચિત સીમામાં જ રહે છે. ખોરાકમાં પક્ષીઓ, ઉંદરો, સસલાં, શિયાળ, હરણ વગેરેનું ગ્રસન કરે છે. અમેરિકાના વૉન લિર્ન્સ્ટાવ અજગરના ભક્ષ્ય તરીકે વાઘને પણ ગણે છે. તેની માનવભક્ષી પ્રકૃતિ અંગે હજુ સુધી આધારભૂત સમર્થન મળ્યું નથી. સંવેદનશીલ પૂંછડી વડે તે વૃક્ષની શાખાને વીંટળાઈ ઊંધા સ્તંભની જેમ લટકી શિકારને જોતાવેંત વીજળીવેગે ત્રાટકી ભક્ષ્યને વીંટળાઈ તેની શ્વસનક્રિયા તેમજ હૃદયનાં સ્પંદનોને સીમિત કરી દે છે. તેની પાચનક્રિયા ઘણાં સપ્તાહો સુધી ચાલે છે. વળી અજગરે બે વર્ષના ઉપવાસ કર્યાની નોંધ પણ ઉપલબ્ધ છે. ફિપ્સનના મત અનુસાર ડિસેમ્બરથી ફેબ્રુઆરીમાં યુગલ એકસાથે શીતસમાધિમાં રહી, ખોરાક લેવાનું બંધ કરી મૈથુન દ્વારા માદાને ગર્ભવતી બનાવે છે. માર્ચથી જૂન દરમ્યાન માદા આશરે 90 મિમી. વ્યાસના ચર્મીય કવચવાળા 8થી 107 ફલિતાંંડો સુરક્ષિત સ્થળે મૂકી 6 અઠવાડિયાં સુધી સેવી શિશુપાલન કરે છે. 30 મિમી. લંબાઈનું નવજાત શિશુ કાંચળી ઉતારવાની ક્રિયા દ્વારા, દર વર્ષે આશરે 150 મિમી. વૃદ્ધિના દરે પુખ્તતા પ્રાપ્ત કરે છે. નર અને માદા અનુક્રમે 1.725 મી. અને 2.5 મી.ની લંબાઈએ પહોંચી પુખ્ત બને છે. અજગરના આયુષ્ય અંગે અમેરિકાના પ્રાણીસંગ્રહાલયના ઈ. એસ. શૉર્રોક 34 વર્ષ જેટલો સમય દર્શાવે છે. ભારતમાં દર વર્ષે અંદાજે 25 ટકા જેટલો અન્નવ્યય કરતા ઉંદરોનો તે નાશ કરે છે. તેમની સુંવાળી ચામડીની પરદેશમાં ખૂબ માંગ રહે છે. 1967–68 દરમ્યાન 3,58,413 કિગ્રા. અજગર તેમજ અન્ય સર્પોનાં ચામડાંની નિકાસ દ્વારા ભારતને રૂ. 1,07,65,188નું હૂંડિયામણ પ્રાપ્ત થયું હતું. તે પછી નિકાસ પર પ્રતિબંધ મુકાયેલ છે.

તામિલનાડુ અને આંધ્રપ્રદેશના ઈરુલાઝ જાતિના આદિવાસી લગભગ પાંચ પેઢીઓથી સર્પનાં ચામડાંના વ્યવસાય સાથે સંકળાયેલા છે. કેરળ તેમજ તામિલનાડુના પોલિયાર લોકોમાં અને મ્યાનમારમાં તેમનું માંસ ખવાય છે. અજગરની ચરબી ઔષધીય અગત્ય ધરાવે છે. ભારત સરકારે 1972માં તેમના શિકાર ઉપર પ્રતિબંધ જાહેર કરી તેમને સંરક્ષણ બક્ષ્યું છે.

ઈબ્રાહીમ આદમભાઈ માસ્ટર