અજંતા (જ. 2 મે 1929, કેસાનાકુરુ ગામ, જિ. પશ્ચિમ ગોદાવરી, તેલંગાણા (જૂનું આંધ્રપ્રદેશ); અ. 25 ડિસેમ્બર 1998.) : વિખ્યાત તેલુગુ કવિ, ચિત્રકાર અને પત્રકાર. તેમનું મૂળ નામ પેનુમર્તી વિશ્વનાથ શાસ્ત્રી. અજંતા તેમણે ગ્રહણ કરેલું તખલ્લુસ હતું.

નાર્સાપુરમ ગામમાં તેમણે પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તે પછી તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની પદવી મેળવી હતી. એ પછી તેમણે તેલુગુ અઠવાડિક મૅગેઝિન આંનદવાણીના સંપાદક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. ત્યારબાદ તેલુગુ સામયિક જયભારતમાં થોડો સમય કામ કર્યા, પછી તેઓ વિજયવાડા ખાતે જાણીતા તેલુગુ આંધ્રપ્રભા દૈનિક અખબારમાં જોડાયા, અને પૂરાં 25 વર્ષ સુધી કામગીરી કરી સહસંપાદક (ચીફ/સબ-એડિટર) તરીકે નિવૃત્ત થયા હતા.

તેમણે 1948માં તેલુગુ ભાષામાં કાવ્યલેખન શરૂ કર્યું હતું; તેલુગુ કવિ તથા ફિલ્મકાર શ્રીરંગમ શ્રીનિવાસ રાવના પ્રભાવ હેઠળ કાવ્યરચનાઓ કરી, જેની કુલ સંખ્યા ઓગણત્રીસ (29) છે. તે તમામ કાવ્યરચનાઓ સમાવતા ગ્રંથ સ્વપ્નલિપિ માટે મદ્રાસ તેલુગુ અકાદમીએ તેમને સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી નવાજ્યા હતા. તેમનાં કાવ્યો આલંકારિક ભાષા, સ્પષ્ટ રજૂઆત, આધ્યાત્મિક સૂક્ષ્મતા, લાગણીનું ઊંડાણ અને વ્યક્તિત્વવાદી અભિગમ ધરાવતા હતા.

બળદેવભાઈ કનીજિયા