અગાસિઝ, રોડોલ્ફ લૂઇ

January, 2001

અગાસિઝ, રોડોલ્ફ લૂઇ (. 28 મે 1807 સ્વિટ્ઝર્લૅન્ડ; . 14 ડિસેમ્બર 1873 કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : અમેરિકન પ્રકૃતિવિજ્ઞાની. તેમણે મત્સ્ય અશ્મિ અને હિમયુગ વિશે પાયાનું કામ કરેલું. તે મ્યુનિક યુનિવર્સિટીના તત્વજ્ઞાનના સ્નાતક (1829) અને એર્લાંગેન યુનિવર્સિટીના ઔષધશાસ્ત્રના સ્નાતક હતા. તેમણે પૅરિસમાં જ્યોર્જિસ કુવિયેર સાથે તુલનાત્મક શરીરરચનાશાસ્ત્રમાં કામ કર્યું હતું. 1832માં સ્વિટ્ઝર્લૅન્ડની ન્યુશેમલ કૉલેજમાં તેઓ પ્રાકૃતિક ઇતિહાસના અધ્યાપક બન્યા હતા. અહીં કરેલા સંશોધનની ફલશ્રુતિ રૂપે પાંચ ગ્રંથોની શ્રેણી પ્રગટ થઈ હતી. તેમાં Studies on Fossil Fish (1833–44), 1700 જાતની માછલીની શરીરરચનાનો અભ્યાસ છે. 1830માં તેમણે હિમશિલાનો અભ્યાસ શરૂ કરી ભૂસ્તરવિજ્ઞાનના પુરાવા સાથે બતાવ્યું કે એક સમયે મોટા ભાગનો યુરોપખંડ બરફથી ઢંકાયેલો હતો. 1846માં અગાસિઝ અમેરિકામાં પ્રવચનો આપવા ગયા હતા. ત્યાં હાર્વર્ડમાં અધ્યાપક તરીકે પચીસ વર્ષ રહ્યા. તેમણે પ્રાકૃતિક વૈજ્ઞાનિકોની એક પેઢીને તાલીમ આપી તૈયાર કરી છે. 1859માં હાર્વર્ડમાં તેમણે તુલનાત્મક પ્રાણીશાસ્ત્રનું સંગ્રહસ્થાન સ્થાપ્યું હતું. 1863માં નૅશનલ અકાદમી ઑવ્ સાયન્સીસની સ્થાપનામાં તેમણે મહત્વનો ભાગ ભજવેલો. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતનો વિરોધ કરનારાઓમાં તે અમેરિકાના સૌથી અગત્યના વૈજ્ઞાનિક હતા.

રોડોલ્ફ લૂઇ અગાસિઝ

કૃષ્ણવદન જેટલી