અખિલ ભારત શાળાકીય રમતોત્સવ

January, 2001

અખિલ ભારત શાળાકીય રમતોત્સવ (સ્થાપના 1955) : અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ(School Games Federation of India)ની સ્થાપના થઈ ત્યારથી તેના નેજા હેઠળ વિવિધ રમતોની શાળાકીય સ્પર્ધાઓનું આયોજન જે તે રાજ્યોના સાથ અને સહકારથી રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે. અત્યારે આ મહામંડળ દ્વારા નીચેની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવે છે.

1.          અખિલ ભારત શાળાકીય શરદ રમતોત્સવ ભાગ-1
        બાસ્કેટ બૉલ, હૅન્ડબૉલ, ટેબલટેનિસ અને તરણ (ભાઈઓ તથા બહેનો માટે).
2.         અખિલ ભારત શાળાકીય શરદ રમતોત્સવ ભાગ-2
        કબડ્ડી અને ખોખો (ભાઈઓ તથા બહેનો માટે); ફૂટબૉલ (ફક્ત ભાઈઓ માટે),
3.         અખિલ ભારત શાળાકીય શિયાળુ રમતોત્સવ ભાગ-1
        હૉકી, વૉલીબૉલ અને બૅડમિંટન (ભાઈઓ તથા બહેનો માટે); જૂડો (ફક્ત ભાઈઓ માટે)
4.         અખિલ ભારત શાળાકીય શિયાળુ રમતોત્સવ ભાગ-2
       ઍથ્લેટિક્સ, જિમ્નેસ્ટિક્સ (ભાઈઓ તથા બહેનો માટે); કુસ્તી (ફક્ત ભાઈઓ માટે)
5.      અખિલ ભારત શાળાકીય સી. કે. નાયડુ ક્રિકેટ સ્પર્ધા
6.      અખિલ ભારત શાળાકીય વિનુ માંકડ જુનિયર ક્રિકેટ સ્પર્ધા
7.      અખિલ ભારત શાળાકીય ટેનિસ સ્પર્ધા
8.      અખિલ ભારત શાળાકીય બાળ રમતોત્સવ
        કબડ્ડી, ખોખો, ટેબલટેનિસ, જિમ્નેસ્ટિક્સ, બૅડમિંટન, બાસ્કેટ બૉલ, હૉકી, વૉલીબૉલ અને ઍથ્લેટિક્સ (ભાઈઓ તથા બહેનો માટે); ફૂટબૉલ (ફક્ત ભાઈઓ માટે)

આમાંની ક્રમ 6 અને 8 સિવાયની સ્પર્ધાઓમાં જે તે વર્ષની 31મી ડિસેમ્બરે જેની ઉંમર 19 વર્ષ સુધીની હોય તેવાં ખેલાડી ભાઈ-બહેનો ભાગ લઈ શકે છે. ક્રમ 6ની સ્પર્ધા માટે જે તે વર્ષની 31મી ડિસેમ્બરે જેમની ઉંમર 15 વર્ષ સુધીની હોય તેઓ ભાગ લઈ શકે છે. ક્રમ 8ની સ્પર્ધામાં જેમની ઉંમર જે તે વર્ષની 31મી ડિસેમ્બરે 11થી 14 વર્ષ સુધીની હોય તેઓ જ ભાગ લઈ શકે છે.

રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જતાં પહેલાં જે તે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ પોતપોતાના રાજ્ય કે પ્રદેશમાં પહેલાં તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન હાથ ધરે છે. રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાંથી પસંદ કરવામાં આવેલ જે તે રમતોના ખેલાડીઓને પ્રશિક્ષણ આપ્યા બાદ રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા મોકલાય છે.

અખિલ ભારત શાળાકીય રમત મહામંડળનાં સર્વ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સભ્યો છે. આમ સભ્ય હોવાને નાતે સામાન્ય રીતે વિવિધ સ્પર્ધાઓમાં તેઓ ભાગ લે છે અને પોતપોતાના રાજ્ય અને પ્રદેશના પ્રતિભાશાળી ખેલાડીઓને રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટેની મોકળાશ કરી આપે છે.

કાન્તિભાઈ રા. પટેલ