અક્કલગરો : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી (Asteraceae) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Anacyclus pyrethrum DC. (સં. आकारकरम्, अकल्लक; હિં. अकरकरा; ગુ. અક્કલગરો; મ. અકલકાલા; બં. અકોરકોરા) છે. ભૃંગરાજ, સૂર્યમુખી, કસુંબી, ડેહલિયા વગેરે પણ આ કુળનાં છે.

આયુષ્ય એક વર્ષ. આશરે 1 મીટર લાંબો ફેલાતો છોડ. પર્ણો સાદાં, રુવાંટી વગરનાં, જેની કિનારી આછી ખાંચ ધરાવે. પુષ્પવિન્યાસ સ્તબક (capitulum). તે પર્ણકક્ષમાં કે ટોચ પર ઊગે. દલપુંજ નીચેના ભાગમાં ખંડવાળું. ફળ ચર્મફળ (achene), પક્ષ વિનાનું, રોમ વગરનું. ભેજ મળતાં ફલાવરણમાંથી ચીકણો પદાર્થ (mucus) ઝરે. આયુર્વેદ અનુસાર નાની ડાળખીઓ અને મૂળ જાતીય રોગોમાં ઉપયોગી.

પેશાવર, ઈરાન, સીરિયા, અલ્જિરિયા તથા સ્પેનમાં વવાય છે.

શોભન વસાણી

સરોજા કોલાપ્પન