અકાર્બનિક ઔષધરસાયણ

(Inorganic Pharmaceutical Chemistry)

ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોનું રસાયણ. અનાદિકાળથી માનવ પોતાનાં તથા તેણે પાળેલાં પ્રાણીઓના રોગો મટાડવા માટે વિવિધ પદાર્થોનો ઔષધ તરીકે ઉપયોગ કરતો આવ્યો છે. આ પદાર્થો બે વિભાગમાં વહેંચી શકાય : અકાર્બનિક (inorganic) અને કાર્બનિક અથવા સેંદ્રિય (organic).

આધુનિક સમયમાં સંશ્લેષિત કાર્બનિક રસાયણનો આશ્ચર્યકારક વિકાસ થયો હોઈ, મોટા પ્રમાણમાં કાર્બનિક ઔષધો મળતાં થયાં છે. આથી અકાર્બનિક ઔષધોનો સીધો ફાળો ઘણો ઓછો થઈ ગયો છે. વિશ્વમાં મળી આવતા વિવિધ પદાર્થોના બંધારણમાં રહેલાં બાણું રાસાયણિક તત્વોમાંથી થોડાંક જ તત્વો તથા તેમનાં સંયોજનો ઔષધ તરીકે ઉપયોગમાં આવે છે. વળી કેટલાંક તત્વો વિષાલુ હોય છે. તેથી ઔષધો કે ખાદ્ય પદાર્થોમાં આ તત્વો તથા તેમનાં સંયોજનો દાખલ ન થઈ જાય તેની કાળજી રાખવી પડે છે. આની ચકાસણી માટે વિશિષ્ટ પૃથક્કરણ-પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે. આ સમગ્ર બાબત અકાર્બનિક ઔષધરસાયણમાં આવરી લેવાય છે. અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્વો (વાયુઓ સિવાયનાં) તથા તેમનાં સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ ચર્ચવામાં આવેલો છે.

વાયુરૂપ તત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને નાઇટ્રોજન પૈકી ઑક્સિજન અને હીલિયમનું 20 : 80 પ્રમાણનું મિશ્રણ ‘કૃત્રિમ હવા’ તરીકે શ્વાસોચ્છ્વાસની ક્રિયાની સરળતા માટે વપરાય છે. નાઇટ્રોજનની જેમ હીલિયમ રક્તમાં દ્રાવ્ય નથી તેથી જળમાં ડૂબકી મારનાર (divers) માટે તે ખાસ ઉપયોગી છે. હીલિયમના બદલે નાઇટ્રોજન વાપરવાથી ઊંડા જળમાંથી બહાર આવતી વખતે રક્તમાં દ્રવેલ નાઇટ્રોજન ચેતાતંત્રને નુકસાન પહોંચાડે છે. ન્યૂમોનિયા, હૃદયશૂળ, દમ, શ્વાસનળીનો સોજો વગેરે દર્દોમાં હવાને બદલે ઑક્સિજન આપવાથી દર્દીને ઘણી રાહત થાય છે. આવર્તકોષ્ટકના પ્રથમ સમૂહનું છેલ્લું તત્વ રેડૉન (વાયુ) કૅન્સરના કોષોનો નાશ કરવા માટે ઉપયોગી છે. આ કાર્ય તેમાંથી નીકળતા કિરણો કરે છે. હાઇડ્રોજન અને ઑક્સિજન સંયોજાઈને બે સંયોજનો, પાણી અને હાઇડ્રોજન પેરૉક્સાઇડ આપે છે. હાઇડ્રોજન પેરૉક્સાઇડનું ત્વરિત વિઘટન થતાં નીકળતા ઑક્સિજનને કારણે તે જીવાણુનાશક તરીકે ઉપયોગી છે. શરીરમાં ગ્લુકોઝ, સોડિયમ ક્લોરાઇડ તથા કેટલાંય ઔષધો ઇંજેક્શન મારફત દાખલ કરવા માટેનું દ્રાવક, પાણી છે. આ ઉપયોગ માટે પાયરોજનમુક્ત પાણી મોટા પ્રમાણમાં મેળવવાનું ઔષધરસાયણના વિકાસથી શક્ય બન્યું છે. નાઇટ્રોજન વાયુ નિષ્ક્રિય છે. ખાદ્ય પદાર્થો તથા ઔષધોના પરિરક્ષણ (preservation) માટે ડબ્બા કે બાટલીઓમાં હવાને બદલે નાઇટ્રોજન ભરાય છે. નાઇટ્રોજનનાં વિવિધ સંયોજનો ઔષધશાસ્ત્રમાં ઉપયોગી છે. નાઇટ્રસ ઑક્સાઇડ સામાન્ય નિશ્ર્ચેતક (anaesthetic) તરીકે; સોડિયમ નાઇટ્રાઇટ સાયનાઇડના પ્રતિવિષ તરીકે; પોટૅશિયમ નાઇટ્રેટ મૂત્રલ તરીકે; બિસ્મથ નાઇટ્રેટ કષાય (astringent), શોષક અને રક્ષણાત્મક તરીકે અને સિલ્વર નાઇટ્રેટ કષાય તથા જીવાણુનાશક તરીકે ઉપયોગી છે. નાઇટ્રાઇટ આયન રક્તના હીમોગ્લોબિન સાથે પ્રક્રિયા કરી વિષાલુ અસર કરે છે. આંતરડામાં નાઇટ્રેટનું નાઇટ્રાઇટમાં રૂપાંતર થાય છે.

લિથિયમ, સોડિયમ, પોટૅશિયમ અને એમોનિયમ સંયોજનોમાં લિથિયમ સંયોજનો આગવા ઔષધીય ગુણો ધરાવે છે. લિથિયમ બ્રોમાઇડ, કાર્બોનેટ અને સાઇટ્રેટ નજલા (ગાંઠિયો વા, gout) માટે વપરાતાં હતાં. પણ તેમની આડઅસરોને લીધે હાલમાં તે આ રોગોમાં વપરાતાં નથી. લિથિયમ કાર્બોનેટ માનસિક રોગોમાં સારા પ્રમાણમાં વપરાય છે. સોડિયમ ક્લોરાઇડ વિદ્યુતવિભાજ્ય પુન:પૂરક (electrolyte replenisher) તરીકે અને શરીરમાં રહેલ પ્રવાહીઓનાં સમરસાકર્ષી (isotonic) દ્રાવણો અને ઇંજેક્શનો માટે વપરાય છે. સોડિયમ ક્ષારો પાણીને સંગ્રહી રાખવાનો ગુણ ધરાવતા હોઈ, રુધિરાભિસરણ અંગેની તથા મૂત્રપિંડની બીમારીવાળી વ્યક્તિઓએ તેમના ઉપયોગ બાબત કાળજી રાખવી પડે છે. સોડિયમ તથા પોટૅશિયમના બાયકાર્બોનેટ, સાઇટ્રેટ, એસેટેટ જેવા ક્ષારો ઍસિડ-આલ્કલી સંતુલન જાળવવા તથા શરીરમાંનો પાણીનો જથ્થો નિયમિત કરવા માટે વપરાય છે. સોડિયમ સલ્ફેટ રેચક ગુણો ધરાવે છે. પોટૅશિયમ બ્રોમાઇડ નિદ્રાપ્રેરક છે. ઘણાં કાર્બનિક ઔષધો તેમની જલદ્રાવ્યતા વધારવા માટે સોડિયમ/પોટૅશિયમ ક્ષારોના રૂપમાં વપરાય છે. દા.ત., સોડિયમ ફિનોબાર્બિટલ, પોટૅશિયમ બેન્ઝાઇલ પેનિસિલિન. કુદરત સામાન્ય સંજોગોમાં Li/K/Naનું અમુક ચોક્કસ પ્રમાણ શરીરમાં જાળવી રાખે છે. અમુક રોગોમાં તથા અમુક ઔષધોનો ઉપયોગ કરવાથી આ સંતુલનમાં ખલેલ પહોંચે છે. દા.ત., મૂત્રલ (duretic) હાઇડ્રોક્લોરોથાયાઝાઇડના ઉપયોગથી પોટૅશિયમ વધુ પ્રમાણમાં બહાર ફેંકાઈ જતું હોવાથી, સાથે સાથે પોટૅશિયમ ક્ષારો લેવા જરૂરી બને છે. રેડિયમ કૅન્સર કોષોનો નાશ કરવા માટે તેમાંથી નીકળતાં -કિરણોને કારણે ઉપયોગી છે. Co—60 અને Cs —137 રેડિયમની સરખામણીમાં ઘણાં સોંઘાં હોઈ હાલમાં વપરાય છે. એમોનિયમ સંયોજનો, ઉપરનાં આલ્કલી સંયોજનો સાથે સામ્ય ધરાવે છે. એમોનિયાનું મંદ દ્રાવણ આલ્કલીકારક તરીકે અને તેનો કાર્બોનેટ પરાવર્તક (reflex) ઉત્તેજક તરીકે (બેભાન વ્યક્તિને સૂંઘાડવા માટે), બ્રોમાઇડ નિદ્રાપ્રેરક તરીકે તથા ક્લોરાઇડ અને કાર્બોનેટ કફ છૂટો પાડનાર તરીકે વપરાય છે.

તાંબું (કૉપર), ચાંદી (સિલ્વર) અને સુવર્ણનાં સંયોજનો પૈકી કૉપર સલ્ફેટ ફૂગનાશક (fungicide) તરીકે ચામડીનાં દર્દોમાં ઉપયોગી છે. ફૉસ્ફરસના ઝેરમાં પ્રતિવિષ તરીકે તે વપરાય છે. શરીરમાં લોહના શોષણમાં કૉપર ઉપયોગી છે. પેશાબમાં ગ્લુકોઝનું પ્રમાણ કૉપરના ટાર્ટરિક ઍસિડ/સાઇટ્રિક ઍસિડ સાથેના સંકીર્ણ વડે માપી શકાય છે. ચાંદી(silver)નાં સંયોજનો નાઇટ્રેટ અને પ્રોટાલ્બેટ તેમના કષાય (astringent) તથા જીવાણુનાશક ગુણોને લીધે આંખના તથા શ્ર્લેષ્મ-ત્વચાના અમુક રોગો માટે એક સમયે વપરાતાં હતાં. હાલમાં દાઝી ગયેલી ચામડીની સારવારમાં ચાંદીનાં સલ્ફાડ્રગનાં સંયોજનો વિશાળ પ્રમાણમાં વપરાય છે. કલિલ (colloid) રૂપમાં તથા સંયોજનો રૂપે સુવર્ણ (gold) ચામડીનાં ઘારાં (lupus erythematosus) રૂઝવવા માટે અને સંધિવા(osteoarthritis)માં ઉપયોગી છે. વધુ પ્રમાણમાં સુવર્ણ વિષાલુ છે : પ્રતિવિષ તરીકે BAL (British Antilewisite) અથવા ડાયમર્કેપ્રોલ ઉપયોગી છે. સંધિવામાં હાલમાં કૉર્ટિઝોનનાં વ્યુત્પન્નો (derivatives) તથા એ.સી.ટી.એચ. ઉપયોગમાં આવ્યાં છે.

મૅગ્નેશિયમ, કૅલ્શિયમ અને બેરિયમ પૈકી મૅગ્નેશિયમનાં સંયોજનો જેવાં કે ઑક્સાઇડ, હાઇડ્રૉક્સાઇડ, કાર્બોનેટ, ફૉસ્ફેટ અને ટ્રાયસિલિકેટ અમ્લતાનાશક તરીકે; હાઇડ્રૉક્સાઇડ અને સલ્ફેટ રેચક તરીકે તથા સલ્ફેટ ઇંજેક્શનરૂપમાં આંચકી કે તાણશામક તરીકે વપરાય છે. મૅગ્નેશિયમ સલ્ફેટનું વધુ સાંદ્રતાવાળું દ્રાવણ સોજા ઉતારવા માટે પણ વપરાય છે. મૅગ્નેશિયમના દ્રાવ્ય ક્ષારોની ઔષધીય અસરનું કારણ તેનાથી થતા રસાકર્ષણ દબાણ(osmotic pressure)ના ફેરફારો છે. મૅગ્નેશિયમની વિષાલુ અસર ક્વચિત્ દેખાય છે. આધુનિક સંશોધને સાબિત કર્યું છે કે મૅગ્નેશિયમ કૅલ્શિયમ ચૅનલ બ્લૉકર(channel blocker) તરીકે કામ કરી હૃદય અને ધમનીઓનાં (cardio-vascular) દર્દોમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. કૅલ્શિયમ ગ્લુકોનેટ મૅગ્નેશિયમની વિષાલુ અસર સામે પ્રતિવિષ છે. કૅલ્શિયમ હાડકાંમાં 40 % જેટલું હોય છે. ઉપરાંત રક્તના સ્કંદન(coagulation)માં તેમજ હૃદયની તથા ચેતાતંત્રની કામગીરીમાં કૅલ્શિયમ અગત્યનો ભાગ ભજવે છે. આ રીતે કૅલ્શિયમ અકાર્બનિક તત્ત્વોમાં જીવન માટે ઘણું અગત્યનું ગણાય. કૅલ્શિયમ કાર્બોનેટ અને કૅલ્શિયમ ટ્રાયબેઝિક ફૉસ્ફેટ અમ્લતાનાશક તરીકે, કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ કષાય તરીકે, કૅલ્શિયમ ક્લોરાઇડ અને કૅલ્શિયમ ડાયબેઝિક ફૉસ્ફેટ આયન પુન:પૂરક (ion-replenisher) તરીકે વપરાય છે. કૅલ્શિયમ ગ્લિસરોફૉસ્ફેટ, કૅલ્શિયમ લેક્ટેટ વગેરે કૅલ્શિયમપૂરકો તરીકે અગત્યનાં છે. બેરિયમનાં સંયોજનો વિષાલુ છે. તેના પ્રતિવિષ તરીકે મૅગ્નેશિયમ સલ્ફેટ વપરાય છે. બેરિયમ સલ્ફેટ અતિશય અદ્રાવ્ય હોઈ તેમજ તેમાંથી X-કિરણો પસાર થઈ શકતાં ન હોવાથી તે અન્નમાર્ગના અવયવોની X-કિરણો વડે તપાસ કરવામાં ઉપયોગી છે.

જસત (zinc) અને પારા (mercury) પૈકી જસતનાં સંયોજનો શરીરના કોઈ ભાગ ઉપર બાહ્ય ઉપચાર માટે મલમ, લોશન અને ચૂર્ણ (powder) તરીકે વપરાય છે. ઝિંક ઑક્સાઇડ કષાય અને રક્ષણાત્મક (protectant) છે. ઝિંક ક્લોરાઇડ કષાય અને પ્રતિસંવેદક (desensitiser), ઝિંક સલ્ફેટ કષાય (આંખ માટે) અને ઝિંક પેરૉક્સાઇડ જીવાણુનાશક ગુણો ધરાવે છે. ઘા રૂઝવવામાં તથા શસ્ત્રક્રિયા બાદ રૂઝ લાવવામાં ઝિંક સલ્ફેટ ખૂબ જ અસરકારક સાબિત થયું છે. પારો (mercury) અને તેનાં સંયોજનો પ્રાચીન સમયથી ઔષધીય ઉપયોગો માટે જાણીતાં છે. મર્ક્યુરસ ક્લોરાઇડ (Calomel) રેચક તરીકે અને મર્ક્યુરિક ક્લોરાઇડ જીવાણુનાશક તરીકે એક સમયે વ્યાપક રીતે વપરાતાં હતાં. મર્ક્યુરી (બાષ્પ રૂપે શ્વાસ મારફત અથવા ત્વચા મારફત) તથા તેનાં દ્રાવ્ય સંયોજનો અતિશય વિષાલુ હોઈ તેમનો ઉપયોગ નહિવત્ છે. વધુ સલામત ઔષધોની શોધે આનો ઉપયોગ ઘટાડવામાં સારો એવો ફાળો આપ્યો છે. મર્ક્યુરીનાં કાર્બનિક સંયોજનો મર્ક્યુરોક્રૉમ (જીવાણુનાશક) અને મેરાલ્યુરાઇડ (મૂત્રલ) વપરાય છે. એમોનિયેટેડ મર્ક્યુરી જીવાણુનાશક ગુણો ધરાવે છે. મર્ક્યુરીના પ્રતિવિષ તરીકે સોડિયમ ફૉર્માલ્ડિહાઇડસલ્ફોક્સિલેટ ઉપયોગી છે.

બૉરૉન તથા ઍલ્યુમિનિયમનાં સંયોજનો પૈકી બૉરિક ઍસિડ અને બૉરેક્સ મંદ જીવાણુનાશક ગુણો ધરાવે છે. સામાન્ય રીતે આંખો ધોવા માટે તથા શૃંગાર-પ્રસાધનોમાં બૉરિક ઍસિડ વપરાય છે. આ સંયોજનો મુખમાર્ગે લેવામાં વિષાલુ અસર કરે છે. ઈજા પામેલ ત્વચા મારફત પણ આ પદાર્થ શરીરમાં શોષાય છે. આધુનિક સંશોધન ઉપરથી કહી શકાય કે બૉરૉનનાં સંયોજનો આનુવંશિક વિકૃતિ (teratogenic) ઉપજાવે છે. અનાજ તથા કઠોળની સાચવણીમાં બૉરિક ઍસિડ/બૉરેક્સનો ઉપયોગ હિતાવહ નથી. બૉરિક ઍસિડ/બૉરેક્સનો અસરકારક પ્રતિવિષ જાણીતો નથી. ઍલ્યુમિનિયમ હાઇડ્રૉક્સાઇડ/ફૉસ્ફેટ જઠરના ઍસિડને દૂર કરવા માટે (gastric antacid) ઉપયોગી છે. ફટકડી કષાય ગુણ ધરાવે છે. હાઇડ્રેટેડ ઍલ્યુમિનિયમ સિલિકેટ(કેઓલિન, ચિનાઈ માટી)માં પ્રસ્વેદશોષક અને ચામડીને સુંવાળી રાખવાના (demulcent, શામક) ગુણો છે. બેઝિક ઍલ્યુમિનયમ ક્લોરાઇડ કષાય, પ્રસ્વેદનાશક અને ગંધહર (deodorant) હોઈ શૃંગાર-પ્રસાધનોમાં વપરાય છે. બેન્ટોનાઇટ (એક પ્રકારની માટી) ઔષધો માટેના અવલમ્બક (suspending agent) તરીકે ઉપયોગી છે.

કાર્બન, સિલિકન, કલાઈ (ટિન) અને સીસાનાં સંયોજનો : કાર્બન ડાયૉક્સાઇડ (5થી 7.5 %) શ્વસન-ઉત્તેજક (respiratory stimulant) તરીકે કાર્ય કરે છે. કાર્બોનિક ઍસિડના કાર્બોનેટ અને બાયકાર્બોનેટ ક્ષારો ઔષધ તરીકે ઉપયોગી છે. સિલિકનનાં સંયોજનોમાં મૅગ્નેશિયમ ટ્રાયસિલિકેટ જઠરની અમ્લતા દૂર કરવા માટે ઉપયોગી છે. જઠરમાંના હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે પ્રક્રિયા થતાં ઉત્પન્ન થતો કલિલરૂપ સિલિસિક ઍસિડ હોજરીના આળા ભાગ ઉપર રક્ષણાત્મક આવરણ બનાવે છે. કેઓલીન અને બેન્ટોનાઇટ કુદરતમાં મળતાં સિલિકેટો છે. કેઓલીન શોષક ગુણો ધરાવે છે અને ત્વચાને સુંવાળપ બક્ષે છે તેથી શૃંગાર-પ્રસાધનોમાં ઉપયોગી છે. બેન્ટોનાઇટ અવલમ્બક પાઉડર તરીકે ઔષધીય બનાવટોમાં વપરાય છે. શંખજીરું (talc) પાઉડર તરીકે છાંટવા માટે ઉપયોગી છે. પ્યુમિસ એ ફીણયુક્ત થીજેલ લાવારસ છે. તે અપઘર્ષક (abrasive) તરીકે દંતમંજનમાં ઉમેરાય છે. સિલિકા જેલ ભેજશોષક હોઈ, ઔષધોને ભેજની અસરથી બચાવવા છિદ્રાળુ કોથળીમાં પૅક કરીને બાટલીમાં મુકાય છે. કલાઈ(tin)નાં સંયોજનોમાં સ્ટેનસ ફ્લોરાઇડ દાંતના રક્ષણ માટે અને સ્ટેનસ ઑક્સાઇડ જીવાણુનાશક તરીકે ઉપયોગી છે. સીસા(lead)નાં સંયોજનો પ્રાચીન સમયથી ઔષધ તરીકે વપરાતાં આવ્યાં છે. લેડ સંચયી (cumulative) વિષ હોઈ હાલમાં ફક્ત બાહ્ય ઉપયોગ માટે જ તેના ક્ષારો વપરાય છે. લેડનાં દ્રાવ્ય લવણો કષાય ગુણ ધરાવતાં હોઈ ત્વચાના રોગમાં તથા દાઝ્યા ઉપર ઉપયોગી છે. લેડ તથા તેનાં સંયોજનો સાથે સંપર્ક રાખનાર વ્યક્તિઓ(કંપોઝિટર, પ્લમ્બર તથા ધોળવાનું કામ કરનાર)ને લાંબા ગાળે તેની વિષાલુ અસર દેખાય છે. આથી કોઈ પણ આંતરિક ઉપયોગના ઔષધની નિર્માણ-પ્રવિધિમાં લેડ નથી તેની ખાતરી કરવા માટે લેડને અતિસૂક્ષ્મ પ્રમાણમાં પણ પારખી શકાય તેવી વિશિષ્ટ કસોટીઓ વિકસાવવામાં આવી છે. ટાઇટેનિયમ ઑક્સાઇડનો વક્રીભવનાંક વધુ છે, તેથી તેની અપારદર્શકતા ઘણી ઊંચી છે, જેને કારણે તેની આચ્છાદનશક્તિ (covering capacity) બીજા સફેદ વર્ણકોની સરખામણીમાં સૌથી વધુ છે. આથી સૂર્યના પ્રકાશથી ત્વચાને રક્ષણ આપવા માટે લોશન તથા ક્રીમમાં તે અગત્યના ઘટક તરીકે વપરાય છે.

ફૉસ્ફરસનાં સંયોજનોમાં ટ્રાયબેઝિક કૅલ્શિયમ ફૉસ્ફેટ, મૅગ્નેશિયમ ફૉસ્ફેટ અને ઍલ્યુમિનિયમ ફૉસ્ફેટ જઠરમાં અમ્લતારોધી તરીકે ઉપયોગી છે. ડાયબેઝિક સોડિયમ ફૉસ્ફેટ રેચક ઔષધોમાં અસરકારક ઘટક છે. મૂત્રની અમ્લતામાં વધારો કરવા માટે મૉનોબેઝિક આલ્કલી ફૉસ્ફેટ વપરાય છે. ફૉસ્ફેટનો બહોળો ઉપયોગ બફર દ્રાવણો બનાવવામાં થાય છે. હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કૅલ્શિયમ ફૉસ્ફેટ છે. જીવરાસાયણિક ક્રિયાઓમાં ફૉસ્ફેટ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. ગ્લિસરો-ફૉસ્ફેટ અગત્યનાં ઔષધો છે.

આર્સેનિક, ઍન્ટિમની, બિસ્મથ અને ટૅન્ટલમ પૈકી આર્સેનિકનાં સંયોજનો અતિશય વિષાલુ છે, તેથી ફક્ત કાર્બ-આર્સેનિક સંયોજનો જ આંતરિક ઔષધો તરીકે વપરાય છે. આર્સેનિક હોજરીમાં હોય તો પ્રતિવિષ તરીકે અવક્ષિપ્ત ફેરિક હાઇડ્રૉક્સાઇડ અને મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ વપરાય છે. જો આર્સેનિક રક્તમાં ફેલાઈ ગયું હોય તો ડાયમર્કેપ્રોલ પ્રતિવિષ તરીકે વપરાય છે. ઍન્ટિમની, સલ્ફાઇડ રૂપે (સુરમો) પ્રાચીન સમયથી આંખના અંજન તરીકે ઘણા દેશોમાં વપરાતું આવ્યું છે. બિસ્મથનાં સંયોજનો કષાય, જીવાણુનાશક અને અમ્લતાવિરોધી તરીકે ઉપયોગી છે. બાહ્ય ઉપચાર તરીકે લોશન કે પાઉડરના રૂપે તે વપરાય છે. બિસ્મથના પ્રતિવિષ તરીકે ડાયમર્કેપ્રોલ વપરાય છે. ટૅન્ટલમ ધાતુને શરીર સ્વીકારે છે. તેના ઉપર શરીરનાં રસાયણોની અસર થતી નથી અને શરીરની પેશીઓ તેને હાડકાં તરીકે સ્વીકારે છે, જેથી ભાંગેલાં હાડકાંનાં તેની સાથેનાં જોડાણો યથાવત્ રહે છે. ટૅન્ટલમનો ઑક્સાઇડ છાંટવાના પાઉડર તરીકે વપરાય છે.

ગંધક અને ફૉસ્ફરસ પૈકી ગંધક (sulphur) વિવિધ ઔષધીય બનાવટોમાં વપરાય છે, જેવાં કે મલમ, ક્રીમ, લોશન, છાંટવાનો પાઉડર વગેરે. તેનું મુખ્ય કાર્ય જીવાણુનાશક, ફૂગનાશક તથા ત્વક્લયક (keratolytic) તરીકેનું છે. સલ્ફરનાં સલ્ફાઇડ અને પૉલિસલ્ફાઇડ સંયોજનો ત્વચાના રોગોમાં જીવાણુનાશક તરીકે; ઝિંક સલ્ફાઇડ સફેદ લોશનના રૂપમાં કષાય તરીકે અને રક્ષણાત્મક અસર માટે વપરાય છે. સેલેનિયમનું એકમાત્ર સંયોજન, સેલેનિયમ સલ્ફાઇડ ખોડો મટાડવાના ગુણને કારણે ઔષધ તરીકે માથાનો ખોડો દૂર કરનાર (antiseborrheic) લોશન, શૅમ્પૂ વગેરેમાં વપરાય છે. સોડિયમ બાયસલ્ફાઇટ, મેટાબાયસલ્ફાઇટ અને થાયોસલ્ફેટ ઉપચયરોધી (anti-oxidant) તરીકે વપરાય છે. સોડિયમ થાયોસલ્ફેટ, આયોડીન અને બ્રોમીન સાથે પ્રક્રિયા કરે છે, જેથી તેમને દૂર કરવામાં ઉપયોગી છે. વળી તે ચામડીના અમુક રોગોમાં વપરાય છે. ગોલ્ડ સોડિયમ થાયોસલ્ફેટ, ઇંજેક્શન રૂપે સંધિવાના દુખાવામાં વપરાય છે. સોડિયમ સલ્ફેટ રેચક છે.

ફ્લોરીન, ક્લોરીન, બ્રોમીન અને આયોડીન પૈકી ફલોરીન જીવરસાયણની ર્દષ્ટિએ અગત્યનું તત્વ છે. હાડકાં અને દાંતના ઇનૅમલમાં તે કૅલ્શિયમ ફ્લોરાઇડ અને કૅલ્શિયમ ફૉસ્ફેટનાં સંકીર્ણ સંયોજન રૂપે રહેલ છે. દાંતના સડાને રોકવા તેનાં સોડિયમ અને સ્ટેનસ સંયોજનો દંતમંજન વગેરેમાં વપરાય છે. ક્લોરીનનું ઔષધ-રસાયણમાં ઘણું જ મહત્વ છે. હાઇડ્રોક્લોરિક ઍસિડ જઠરમાં ખોરાકના પાચનમાં તથા સોડિયમ ક્લોરાઇડ શરીરના તરલ(fluid)ના એક ઘટક તરીકે અગત્યનાં છે. નાઇટ્રોજનયુક્ત બેઝિક ગુણો ધરાવતાં ઔષધોને પાણીમાં દ્રાવ્ય બનાવવા તથા તેમની સ્થાયિતા વધારવા માટે તેમને હાઇડ્રોક્લોરાઇડ ક્ષારમાં રૂપાંતરિત કરાય છે. દા.ત., ઇફેડ્રિન હાઇડ્રોક્લોરાઇડ, ઇફેડ્રિન બેઝની સરખામણીમાં વધુ જલદ્રાવ્ય અને સ્થાયી છે. જઠરના હાઇડ્રોક્લોરિક ઍસિડની ઊણપ દૂર કરવા મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ મુખ દ્વારા અપાય છે. ડકિનના દ્રાવણ (Dakin’s solution) તરીકે ઓળખાતું સોડિયમ હાઇપોક્લોરાઇટનું દ્રાવણ જીવાણુનાશક તરીકે ઘાની સાફસૂફીમાં ઉપયોગી છે. આયનપૂરક તરીકે સોડિયમ અને પોટૅશિયમ શરીરમાં દ્રાવ્ય સ્વરૂપમાં દાખલ કરવા માટે તેમના ક્લોરાઇડ રૂપમાં વપરાય છે. બ્રોમીનનાં સંયોજનોમાં સોડિયમ, પોટૅશિયમ અને એમોનિયમ બ્રોમાઇડ નિદ્રાપ્રેરક ગુણો ધરાવે છે. આ ગુણ તેમાંના બ્રોમાઇડ આયનને કારણે છે. આના દીર્ઘ સમયના વપરાશથી વિષાલુ અસર થાય છે. આનાં લક્ષણોમાં ત્વચા લાલ થવી, ફાટી જવી, માથું દુખવું તથા થાક લાગવો વગેરે છે. બ્રોમીન તત્ત્વ તરીકે જીવાણુનાશક છે પણ ત્વચા ઉપર તેની ઘણી દાહક અસર થતી હોઈ અને તેની બાષ્પ આંખ, નાક તથા ગળાની શ્ર્લેષ્મત્વચા ઉપર માઠી અસર કરતી હોઈ તેનો જીવાણુનાશક તરીકે ઉપયોગ થતો નથી. આયોડીનનું આલ્કોહૉલમાં 2થી 5 ટકાનું દ્રાવણ (ટિંક્ચર ઑવ્ આયોડીન) ખૂબ જ અસરકારક જીવાણુ અને ફૂગનાશક છે, પણ તે દાહક છે. બિનઆયોનિક સર્ફેક્ટન્ટ તથા પૉલિવાઇનિલ પાયરોલિડોનમાં ઓગાળેલ આયોડીન દાહક અસર કરતું નથી. થાયરૉઇડ ગ્રંથિમાં થાયરૉક્સીન રૂપે આયોડીન સંગ્રહાય છે. થાયરૉક્સીન અગત્યનું અંત:સ્રાવી રસાયણ છે. ખોરાકમાંથી આયોડીન ન મળતાં ગલગંડ (goitre) નામનો રોગ થાય છે. પર્વતીય પ્રદેશોમાં રહેતી જાતિઓમાં આ રોગ જોવા મળે છે. આ ઊણપ દૂર કરવાના એક ઉપાય તરીકે ઘરવપરાશના મીઠામાં આયોડીન ઉમેરી દેવામાં આવે છે. આયોડાઇડ આયન કફ છૂટો પાડવામાં મદદ કરે છે. આયોડીનનું વધુ પ્રમાણ વિષાલુ છે. સોડિયમ થાયોસલ્ફેટ અને મકાઈનો સ્ટાર્ચ તેનાં પ્રતિવિષ છે. મૅંગેનીઝનું અગત્યનું સંયોજન પોટૅશિયમ પરમગેનેટ જીવાણુનાશક, કષાય, વિશુદ્ધિકારક અને ગંધનાશક તરીકેના ગુણો ધરાવે છે. આલ્કેલૉઇડના પ્રતિવિષ તરીકે તે ઉપયોગી છે. મગેનીઝ અતિ અલ્પ માત્રામાં વનસ્પતિ તેમજ પ્રાણીના વિકાસ માટે જરૂરી છે પણ વધુ માત્રામાં તે વિષાલુ અસર કરે છે.

લોહ(iron)નાં ફેરસ સલ્ફેટ, ફેરસ ગ્લૂકોનેટ અને ફેરસ ફ્યુમરેટ ઔષધીય રસાયણમાં ઉપયોગી સંયોજનો છે. શરીરની તંદુરસ્તી માટે લોહ જરૂરી છે. તેની ખામી પાંડુરોગ (anaemia) તરીકે જાણીતી છે. આ ખામી દૂર કરવા ઉપરનાં સંયોજનો વપરાય છે. આયર્નના કાર્બનિક ક્ષારો ફેરસ સલ્ફેટની સરખામણીમાં પાચનક્રિયામાં ઓછી તકલીફ કરે છે, તેથી વધુ વપરાય છે. ફેરિક ક્ષારો, દા.ત., ફેરિક ક્લોરાઇડ, કષાય ગુણો ધરાવે છે. આયર્નના ઑક્સાઇડ અને હાઇડ્રૉક્સાઇડ તેમના રંગના કારણે શૃંગાર-પ્રસાધનોમાં વપરાય છે.

કોબાલ્ટ અતિ અલ્પ માત્રામાં પણ અતિ જરૂરી તત્ત્વ છે. વિટામિન B12 ના અણુમાં કોબાલ્ટ એક ઘટક છે. લોહતત્વના શોષણમાં અલ્પ પ્રમાણમાં કોબાલ્ટ જરૂરી છે. પાંડુરોગમાં આયર્નના ક્ષારો સાથે અલ્પ માત્રામાં કોબાલ્ટના ક્ષારો ઉમેરવામાં આવે છે. કૅન્સરની સારવારમાં કોબાલ્ટનો સમસ્થાનિક Co-60 ઉપયોગી છે. તેમાંથી નીકળતાં કિરણો કૅન્સરના કોષોનો નાશ કરે છે. Co-60નું અર્ધઆયુષ્ય 5.3 વર્ષ હોઈ ધીમે ધીમે તેના બદલે સિઝિયમ—137, જેનું અર્ધઆયુષ્ય 30 વર્ષ છે, તે વપરાશમાં આવી રહ્યું છે.

ડોલરરાય દામજીભાઈ ભાલારા