અંધારી ગલીમાં સફેદ ટપકાં

February, 2001

અંધારી ગલીમાં સફેદ ટપકાં (1992) : હિમાંશી શેલતના પ્રથમ વાર્તાસંગ્રહ ‘અન્તરાલ’ પછીનો બીજો, હરિ: ૐ આશ્રમપ્રેરિત નર્મદ ગ્રંથમાળામાં પ્રકાશિત, કેન્દ્રીય સાહિત્ય અકાદમી દિલ્હીનો 1996નો પુરસ્કાર મેળવનાર વાર્તાસંગ્રહ. તેમાં 23 વાર્તાઓ છે. એ પૈકી ‘સુવર્ણફળ’, ‘ઠેકાણું’, ‘અજાણ્યો’, ‘એક માણસનું મૃત્યુ’, ‘સ્થિત્યંતર’, ‘કાલ સુધી તો’, ‘બળતરાંના બીજ’, ‘છત્રીસમે વર્ષે ઘટનાની પ્રતીક્ષા’ અને વાર્તાસંગ્રહનું શીર્ષક બનેલી ‘અંધારી ગલીમાં સફેદ ટપકાં’ વાર્તાઓ વાચક તેમજ વિવેચકની પ્રશંસા પામી છે.

‘મારી સહુથી નિકટની મિત્ર’ – એવો પરિચય આપીને વાર્તાકારે આ સંગ્રહ એમનાં બાને અર્પણ કરતાં નોંધ્યું છે : ‘‘જેમની વેદના સમજતાં અને પામતાં હું બીજા કેટલાંયની વેદના સુધી પહોંચી શકી.’’ આ અર્પણનોંધ દ્વારા પ્રગટ થતી વાર્તાકારની મનુષ્ય માત્ર સાથેની નિસબત એમની આ વાર્તાસૃષ્ટિની બુનિયાદ છે. આ વાર્તાઓમાં મધ્યમવર્ગીય પાત્રોની વૈયક્તિક તેમજ કૌટુંબિક સામાજિક વિટંબણા, સમસ્યાઓનું પાંચ-છ પાનાંના અત્યંત સીમિત ફલકમાં લાઘવભર્યું છતાં વાર્તાના અંતે વાચકમન પાત્રોની સમસ્યાનું નિરાકરણ શોધવા સંલગ્ન બની રહે એવું હૃદયસ્પર્શી આલેખન છે.

Himanshi Shelat

હિમાંશી શેલત

સૌ. "Himanshi Shelat" | CC BY-SA 4.0

વાર્તાસામગ્રી રૂપે પાત્રોના સ્થૂળ–બાહ્ય જીવનપ્રસંગોનો માત્ર નજીવો આધાર લઈને, એ અંગેની પાત્રોની ચૈતસિક ઊથલપાથલ અને તજ્જન્ય માનસિકતાનું અન્તર્સંવાદનું પ્રતીતિકર નિરૂપણ થયું છે. પાત્રોના આવા મનોભાવોમાં પ્રૌઢ સ્ત્રીનાં પ્રેમ-પરિણય અને તેની અવિવાહિત મોટી બહેનનાં એ અંગેના ઈર્ષા-દ્વેષ હોય કે આધુનિક વાણોતર સમા કથાનાયકની અથક ટાંટિયાતોડ પછી મોટા સાહેબ સાથે ફોટો પડાવવાની વણસંતોષાતી મહેચ્છા હોય; સંમોહક પતિ દ્વારા ટાઢીબોળ પ્રતિક્રિયા પામતી પત્નીની ક્ષુબ્ધતા હોય કે કરફ્યૂ દરમિયાન બહાર થતાં તોફાનો અને ગોળીબારમાં ઘવાયેલા માણસને પાણી પાવા ન જઈ શકતા માણસની, કરફ્યૂમાં મળેલી બે કલાકની છૂટ દરમિયાન શાકભાજી-રેશન લઈ આવવા કુટુંબીજનોએ આપેલા આદેશની સામે ‘હવે આજે જઈને શું કરવાનું ? કાલે જવાયું હોત તો કંઈ વાત હતી’ – એવો વેદનાભર્યો અફસોસ હોય, ઘેર ઘેર ફરીને સાબુ વેચતા કિશોર કથાનાયકની પૈસાદાર અને નોંધારા એવા બે છેડાના મિત્રો સંમુખ પલટાતી, આશ્વાસક મનોદશા હોય, પતિથી છૂટાછેડા લઈ રાહતનો શ્વાસ લેતી નાયિકાની દાંપત્યદુ:ખમુક્તિ અને દાંપત્યની અતૃપ્ત ઝંખના વચ્ચેની લાપરવાવસ્થા હોય કે લકવાગ્રસ્ત થઈ જતાં ઘરવહીવટમાંથી કેન્દ્રચ્યુત થયેલી પ્રૌઢ સ્ત્રીની અકળામણ હોય; ઘરમાં ઢગલો પૈસા કમાઈ લાવતા નાના ભાઈના સામ્રાજ્યથી ખૂણામાં ધકેલાતા જતા મોટાભાઈની નાના એવા પણ પોતાના સ્વતંત્ર ઘરમાં રહેવા જવાની એકમાત્ર આશા જેના પર ટકી છે એ પુત્ર પણ ધનિક કાકાની નિશ્રામાં જીવવા લલચાઈ જતાં છવાઈ જતી હતાશા હોય; અનિચ્છાએ પરણેલા પતિ દ્વારા થતી સતત ઉપેક્ષા દરમિયાન બે દીકરા ઉપર જન્મેલી વણજોઈતી દીકરીને, સ્નેહાળ માતાના અવસાન પછી અનુભવાતી નિરાધારતા હોય કે ચાર વૃદ્ધો વચ્ચે જીવતી ભવિષ્યવિહોણી અપરિણીત યુવતીની જીવનજન્મ સ્થગિતતા હોય કે પછી વૃંદાવનધામમાંના વિધવાઆશ્રમમાં નવી નવી દાખલ થયેલી યુવાન વિધવાઓનું સ્થળ-સમયના પ્રભાવ તળે થઈ રહેલું અકલ્પ્ય માનસ પરિવર્તન હોય – વાર્તાકારે એ કથાસામગ્રીને, નદી તરતા વાઘની લક્ષ્યગામી સીધી ગતિએ, રસાળ રીતે વાર્તારૂપ આપ્યું છે. આમ થયું હોઈને, સુરેશ જોશીયુગીન ગુજરાતી ટૂંકી વાર્તાઓના વાચનસમયે વાચકને, ‘આ વાર્તા મને સમજાશે કે નહીં ?’ એવો દહેશતભર્યો જે ફફડાટ અનુભવાતો હતો તે આ વાર્તાઓના વાચન સમયે અનુભવાતો નથી. એટલું જ નહિ, આ વાર્તાઓ અથથી ઇતિ લગી માંડીને કહેવાઈ નથી એટલે વાચક-ભાવકને, વાર્તાકથન દરમિયાન વાર્તાકારે ખાલી છોડેલી જગ્યાઓને પોતાની આગવી રીતે ભરી લેવાનો આનંદ પણ સાંપડે છે.

વાર્તાવાચન રસાળ બને છે તેમાં જેમ, પાત્રોની અવળસવળ ચાલતી ચિત્તવૃત્તિનું નિરૂપણ તેની સામાજિક માનસિક સ્થિતિ અનુસાર તેમજ પરિવર્તન પામતી નિરૂપણ-ભંગિમાઓથી થયું છે તેની મદદ મળે છે. તે જ રીતે વાર્તાકારની, કથ્યવિષય અને તેનાં પાત્રોને સ્થળ-સમયની માંગ મુજબ ઢાળતી ભાષાપ્રવણતા ભરપૂર ખપ લાગી છે. પાત્રોની ગતિસ્થિતિના કથનવર્ણનો અહીં ચિત્રાત્મક શૈલીએ થયાં હોઈને તે તાર્દશ થઈ રહે છે.

આ વાર્તાઓને સુખાંત કે દુ:ખાન્ત એવા વર્ગોમાં ન વહેંચીએ તોપણ તેમાં બહુધા એનાં પ્રમુખ પાત્રોની વ્યથાકથા નિરૂપાઈ છે. આ મેઘધનુષી મનાતા સંસારમાં કલાકારને વ્યથા-વિષાદનો રંગ જ કેમ નજરે ચડે છે ? એ શું દરેક કલાકારની અફર નિયતિ હશે ? એવો પ્રશ્ન આ વાર્તાઓ વાંચતાં ભાવકચિત્તમાં અનુરણે છે.

રમેશ ર. દવે