અંધારિયા, રસિકલાલ

February, 2001

અંધારિયા, રસિકલાલ (જ. 13 ઑક્ટોબર 1931, ભાવનગર; અ. 19 જુલાઈ 1984, લંડન) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતને ગુજરાતના નકશા ઉપર સ્થાન અપાવનાર સમર્થ ગાયક. સંગીતનો વારસો તેમના પિતા અને દાદા પાસેથી મળેલો. દાદા ભાવનગરના રાજા ભાવસિંહજીના દરબારના રાજગવૈયા હતા. તેમને કોઈ પરંપરાપ્રાપ્ત ગુરુ નહોતા. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે સંગીતજ્ઞ પિતા ગોવિંદભાઈ તથા મોટા ભાઈ બાબુભાઈ અંધારિયા પાસેથી મેળવી હતી. ઈશ્વરદત્ત ઘેરો રણકારયુક્ત અવાજ, સંગીત પ્રત્યેની અનન્ય લગન અને રિયાઝનો કઠોર પરિશ્રમ – આ ત્રિવેણીસંગમ તેમનામાં થયો હોવાથી અત્યંત યુવાન વયે તેમણે શાસ્ત્રીય સંગીતમાં નિપુણતા મેળવીને તેઓ કિરાના ઘરાનાના ખ્યાતનામ કલાકાર બન્યા. કિરાના ઘરાનાના બે ધુરંધર ગાયકો અબ્દુલ કરીમખાન સાહેબ અને ઉસ્તાદ અમીરખાન સાહેબ ઉપરાંત ગુજરાતના બે ખ્યાતનામ સંગીતકારો પં. બળવંતભાઈ ભટ્ટ અને પં. યશવંત પુરોહિતની ગાયકીથી પણ તેમની ગાયકી પ્રભાવિત થઈ હતી. છતાં આ સ્વયંશિક્ષિત કલાકારે ગાવાની પોતાની એક આગવી શૈલી ઊભી કરી હતી. સૌપ્રથમ 1956માં રાજકોટ કેન્દ્રના આકાશવાણી કલાકાર બન્યા બાદ તેમણે અનેક આકાશવાણી કાર્યક્રમો, દૂરદર્શન કાર્યક્રમો, અખિલ ભારતીય સંગીત સમારોહના કાર્યક્રમો વગેરે આપ્યા હતા. હિઝ માસ્ટર્સ વૉઇસ દ્વારા તેમની લૉંગ પ્લે રેકર્ડ પણ બહાર પડી ચૂકી છે. 1980માં ગુજરાત રાજ્ય તરફથી તેમને ગૌરવ પુરસ્કાર એનાયત થયો હતો. ગુજરાત સંગીત, નૃત્ય, નાટ્ય અકાદમીના તેઓ સભ્ય હતા. તેમનાં અનેક શિષ્યોમાંનાં પ્રદીપ્તા ગાંગુલી અમદાવાદ આકાશવાણીનાં ખ્યાતનામ કલાકાર છે.

મુદ્રિકા જાની