અંતર્નિરીક્ષણ : અંતર્મુખ થઈને પોતાના મનમાં ચાલતા વ્યાપારોનું અવલોકન કરવું તે. ચિંતામગ્ન રહેવું, વિચારોમાં ખોવાઈ જવું કે કલ્પનાવિહાર કરવો તે અંતર્નિરીક્ષણ નથી. અંતર્નિરીક્ષણ એટલે તટસ્થ અને ચોકસાઈપૂર્વક પોતાના અંગત મનોવ્યાપારોનું અવલોકન કરવું અને તેને આધારે તેનું યથાતથ નિવેદન કરવું કે નોંધ કરવી. તે મનોવિજ્ઞાનની એક જૂનામાં જૂની પદ્ધતિ છે. અંતર્નિરીક્ષણનો ઉપયોગ માનસશાસ્ત્રીઓ તત્વજ્ઞાનીઓ પાસેથી નથી શીખ્યા, પણ તે ભૌતિકશાસ્ત્ર અને શરીરવિજ્ઞાનની ભેટ છે. ભૌતિકશાસ્ત્રમાં પ્રકાશ અને ધ્વનિના અભ્યાસમાં તેમજ શરીરવિજ્ઞાનમાં જ્ઞાનેન્દ્રિયોના અભ્યાસ માટે આ પદ્ધતિનો ઉપયોગ થતો હતો. ઓગણીસમી સદી દરમિયાન ભૌતિકશાસ્ત્રીઓ, શરીરવિજ્ઞાનીઓ અને ત્યારપછી માનસશાસ્ત્રીઓએ મોટાભાગનાં સંશોધનો આ પદ્ધતિથી કરેલાં હતાં. માનસશાસ્ત્રમાં સૌપ્રથમ વિલ્હેમ વુન્ટે તેની લાઇપ્ઝિગ પ્રયોગશાળામાં અંતર્નિરીક્ષણનો ઉપયોગ કર્યો હતો. વુન્ટના સમયમાં મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન હતું અને તેથી તેમાં મનોવ્યાપારોનો જ અભ્યાસ થતો હતો અને વૈજ્ઞાનિક અંતર્નિરીક્ષણ તેની પ્રમુખ પદ્ધતિ હતી. અંતર્નિરીક્ષણ દ્વારા ચેતનાની રચનાનું જ્ઞાન મેળવવાનો પ્રયાસ થતો હતો.

અંતર્ર્નિરીક્ષણની કેટલીક ખામીઓ છે. તે આત્મલક્ષી (subjective) પદ્ધતિ છે. તે વ્યક્તિનો અંગત અને ખાનગી અનુભવ હોવાથી તેને ચકાસી શકાતો નથી. તેથી તેમાં પૂર્વગ્રહ અને પક્ષપાતની શક્યતા છે. તેમાં હંમેશાં સમાન માહિતી મળતી નથી.

કેટલાક મનોવિજ્ઞાનીઓ કહે છે કે વિચારણા વખતે માનસિક પ્રતિમા હાજર હોય છે, જ્યારે બીજા કેટલાક કહે છે કે માનસિક પ્રતિમા ઉદભવતી નથી. વળી, અંતર્નિરીક્ષણ એક માનસિક ક્રિયા છે અને જેનું અવલોકન કરવાનું હોય છે તે પણ એક માનસિક ક્રિયા છે. આ બંને માનસિક ક્રિયાઓ એકસાથે થઈ શકતી નથી; તેથી વિલિયમ જેમ્સ કહે છે કે અંતર્નિરીક્ષણ એ પશ્ચાત્ નિરીક્ષણ છે.

વીસમી સદીમાં માનસશાસ્ત્રને વધુ વૈજ્ઞાનિક બનાવવા માટે ઘણી બધી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. હવે અંતર્નિરીક્ષણ અગાઉની માફક મનોવિજ્ઞાનની પ્રમુખ પદ્ધતિ રહી નથી. અલબત્ત, પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં હજુ તેનું મહત્વ યથાવત્ છે. અંતર્નિરીક્ષણ-પદ્ધતિને અવૈજ્ઞાનિક ગણી એની ઘણી ટીકાઓ કરવામાં આવી હોવા છતાં મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ જ ભૌતિક વિજ્ઞાનો કરતાં વિશિષ્ટ છે અને તેથી તેની અભ્યાસપદ્ધતિ પણ વિશિષ્ટ હોય એ સ્વાભાવિક છે. અલબત્ત, વૈજ્ઞાનિકપણે અંતર્નિરીક્ષણ કરવા માટે તાલીમ દ્વારા તટસ્થતા અને સાવધાની પ્રાપ્ત કરી શકાય અને તો અંતર્નિરીક્ષણ દ્વારા પણ ચોક્કસ સાચી માહિતી પ્રાપ્ત થઈ શકે.

એસ. ટી. રાજદેવ