અંતરીક્ષ સંસ્થાઓ — વિવિધ દેશોની

January, 2001

અંતરીક્ષ સંસ્થાઓ વિવિધ દેશોની

શરૂઆતથી જ અંતરીક્ષ પ્રવૃત્તિઓ સાથે રાજકીય પાસું ગાઢ રીતે સંકળાયેલું છે. આનું કારણ એ છે કે જે રાષ્ટ્ર શક્તિશાળી હોય અને જેણે અત્યંત ઉચ્ચ ટૅકનૉલૉજી વિકસિત કરીને હસ્તગત કરી હોય તે જ તેના ઉપગ્રહો જાતે તૈયાર કરીને અંતરીક્ષમાં પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતું હોય છે. ઉપગ્રહ-આધારિત દૂર-સંદેશાવ્યવહાર જેવી ઉચ્ચ ટેક્નૉલોજીનું બજાર અબજો ડૉલર જેટલું હોય છે. આ જ રીતે ઉપગ્રહ-આધારિત હવામાનશાસ્ત્ર અને ભૂ-સંપત્તિના સર્વેક્ષણ માટે દૂર-સંવેદન ટૅકનૉલૉજી જેવાં ક્ષેત્રો દુનિયાના આર્થિક વિકાસમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે. ભવિષ્યમાં અંતરીક્ષની વજનવિહીન પરિસ્થિતિમાં જ કરી શકાતી ઔદ્યોગિક પ્રવૃત્તિઓની આર્થિક અસરો પણ એટલી જ મોટી હશે.

ઉપર્યુક્ત કારણોને લક્ષમાં રાખીને ઘણા દેશોએ અંતરીક્ષ પ્રવૃત્તિઓનું સંકલન (co-ordination) કરવા માટે વિશિષ્ટ દરજ્જાની સંસ્થાઓની સ્થાપના કરી છે. બીજા કેટલાક દેશોએ આ પ્રકારની સંસ્થાઓ ઉપર આધાર રાખ્યા વગર પણ ઘણા અંતરીક્ષ-કાર્યક્રમો શરૂ કર્યા છે, પરંતુ આમાંના કેટલાક દેશોને રાષ્ટ્રીય વિકાસ માટે કાર્ય કરતી કેન્દ્રીય સંસ્થાઓ દ્વારા બધા અંતરીક્ષ-કાર્યક્રમોનું સહ-સંચાલન કરવાની જરૂરિયાત ધ્યાનમાં આવી છે.

આનાથી વિરુદ્ધ બાજુએ, પહેલાં જે દેશોમાં ખાસ  અંતરીક્ષ સંસ્થાઓ હતી ત્યાં એ સંસ્થાઓનું વિકેન્દ્રીકરણ કરવાની જરૂરિયાત પણ ઊભી થઈ છે, જેથી ઉપયોગકર્તા સંસ્થા (user agency) પાસે અંતરીક્ષ સેવાઓનું વધારે નિયંત્રણ રહે; ઉદાહરણ તરીકે, દૂર-સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં કાર્યાન્વિત અંતરીક્ષ કાર્યક્રમોના વ્યાપારીકરણની ખાસ જરૂર લાગી છે. આ કારણથી મોટી  અંતરીક્ષ  સંસ્થાઓના અલગ અલગ નાના વિભાગ પડ્યા છે અને દરેક વિભાગ કોઈ ખાસ ક્ષેત્રની જવાબદારી સંભાળે છે; દા.ત., સમુદ્રી જહાજો માટે દૂર-સંદેશાવ્યવહાર સેવા. આ જાતનાં વ્યવસ્થાતંત્રો દ્વારા ચાલતા જુદા જુદા દેશોના અંતરીક્ષ કાર્યક્રમો અંગે નીચે સંક્ષિપ્તમાં માહિતી આપી છે.

અમેરિકા : અમેરિકાની ‘નૅશનલ એરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ (નાસા) સંસ્થા સૌથી વધારે પ્રતિષ્ઠિત અંતરીક્ષ સંસ્થા ગણાય છે. 4 ઑક્ટોબર, 1957ના રોજ સોવિયેત રશિયાએ તેનો પહેલો કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક અંતરીક્ષમાં પ્રક્ષેપિત કર્યો ત્યારે ઊભા થયેલા પડકારને પહોંચી વળવા માટે 1958ના ઑક્ટોબરની પહેલી તારીખે નાસાની સ્થાપના કરવામાં આવી હતી. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે અંતરીક્ષ સ્પર્ધામાં અમેરિકા સર્વોપરી રહે. એ પહેલાં 1915માં સ્થાપવામાં આવેલી ‘નૅશનલ એડવાઇઝરી કમિટિ ફૉર એરોનૉટિક્સ’(NACA)ની અનુગામી સંસ્થા તરીકે નાસાનું કાર્ય શરૂ થયું હતું. પરંતુ, નાસાની ખાસ વિશિષ્ટતા એ છે કે તેના બંધારણ પ્રમાણે તે ફક્ત નાગરિક અને શાંતિપૂર્ણ અંતરીક્ષ પ્રવૃત્તિઓ માટે જ જવાબદાર છે, જ્યારે બધા લશ્કરી હેતુઓ માટેના અંતરીક્ષ કાર્યક્રમો અમેરિકાના સંરક્ષણ વિભાગના આશ્રય નીચે કરવામાં આવે છે.

નાસા સંસ્થાના અંગરૂપ વિમાનવિદ્યા(aeronautics)નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ છતાં નાસાનો મુખ્ય ઉદ્દેશ અંતરીક્ષસ્થિત તંત્રના વિકાસ અને તેના પ્રાયોગિક નિદર્શન અંગેનો જ રહ્યો છે. તેની જવાબદારીમાં માનવવિહીન ઉપગ્રહ-તંત્ર અને સ-માનવ અંતરીક્ષ ઉડ્ડયન બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સેવાના ઉપગ્રહ-તંત્રોમાં નાસાની ભૂમિકા પ્રમાણમાં ઓછી રહી છે. તેમ છતાં એ ક્ષેત્રમાં શરૂઆતનું મૂળભૂત કાર્ય નાસા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું, જેથી દૂર-સંદેશાવ્યવહાર, હવામાનશાસ્ત્ર અને દૂર-સંવેદન જેવા હેતુ માટે અંતરીક્ષ-તંત્રનો વિકાસ થયો હતો. 1968ની શરૂઆતમાં અમેરિકન સરકારે ઉપગ્રહ દૂર-સંદેશાવ્યવહારના ક્ષેત્રમાં તેનો હિત-સંબંધ જાહેર કરવા માટે ‘કોમ્યૂનિકેશન સૅટેલાઇટ કૉર્પોરેશન’(કોમસેટ)ની સ્થાપના કરી હતી. આ ઉપરાંત, હવે અમેરિકામાં ઘણી ખાનગી કંપનીઓ તેમની માલિકીનાં ઉપગ્રહ દૂર-સંદેશાવ્યવહાર તંત્રો ધરાવે છે.

અમેરિકન સરકારની ‘નૅશનલ ઑશનિક ઍન્ડ ઍટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન’ (નોઆ) સંસ્થા હવામાન ઉપગ્રહોની જવાબદારી સંભાળે છે, જેનો ઉપયોગ હવામાનની આગાહી માટે કરવામાં આવે છે. કાર્યાન્વિત કક્ષાના ઉપગ્રહોના પ્રક્ષેપન તથા ભવિષ્યની પેઢીના નાગરિક ઉપગ્રહો અંગે સંશોધનકાર્યની જવાબદારી નાસા સંભાળે છે. જેમ જેમ અંતરીક્ષની પ્રવૃત્તિઓ અને કાર્યાન્વિત ઉપગ્રહોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ, મુક્ત સાહસ અને બજારમાં શ્રેષ્ઠતમ ગણાતી અમેરિકન સરકારે ખાનગી ક્ષેત્રની કંપનીઓને અંતરીક્ષ કાર્યક્રમોમાં સહભાગી થવા માટે ઉત્તેજન આપ્યું છે. અત્યાર સુધી મોટેભાગે ઉપગ્રહ દૂર-સંદેશાવ્યવહાર જેવા લાભદાયી ક્ષેત્રમાં જ ખાનગી કંપનીઓએ ભાગ લીધો છે. ભૂ-અવલોકન ઉપગ્રહો દ્વારા મળતાં પરિણામોના ખાનગીકરણ અને ઉપયોગ માટે એક કાયદો ઘડવામાં આવ્યો છે અને અને તેના ફળસ્વરૂપે અર્થ ઑબ્ઝર્વેશન કૉર્પોરેશન (Eosat) નામની કંપની હવે ભૂ-અવલોકન ઉપગ્રહો અંગેની બધી પ્રવૃત્તિઓની જવાબદારી સંભાળે છે, જેનું કાર્ય અગાઉ નાસા અને ત્યાર પછી નોઆ દ્વારા થતું હતું. અમેરિકાની ઘણી ખાનગી કંપનીઓ હવે અંતરીક્ષની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.

યુ. એસ. એસ. આર. (સોવિયેત સંઘ) : સોવિયેત સંઘે તેના અંતરીક્ષ-કાર્યક્રમોના વ્યવસ્થાતંત્ર વિશે કદી કોઈ વિગતો બહાર પાડી નથી. દેખીતી રીતે ત્યાંની ‘એકૅડેમી ઑવ્ સાયંસિસ’ નાગરિક અંતરીક્ષ-કાર્યક્રમોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, અને તે (એકૅડેમી) સોવિયેત મંત્રી-મંડળને જવાબદાર હોવાથી સોવિયેત દરજ્જા પ્રમાણે મહત્વનું સ્થાન ભોગવે છે. એકૅડેમીની હાર્દ સમાન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પેસ રિસર્ચ ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય કાર્ય કરે છે. કેટલીક અન્ય સંસ્થાઓ, ખાસ કરીને વર્નાસ્કી ઇન્સ્ટિટ્યૂટ ગ્રહીય અભ્યાસ માટે પ્રયોગશાળા ધરાવે છે અને એકૅડેમી સાથે સહકારથી કાર્ય કરે છે. એકૅડેમી ઑવ્ સાયંસિસ દ્વારા ‘કાઉન્સિલ ફૉર ઇન્ટરનૅશનલ કોઑપરેશન ઇન ધ સ્ટડી ઍન્ડ યૂટિલાઇઝેશન ઑવ્ સ્પેસ(ઇન્ટરકૉસ્મૉસ)ની રચના કરવામાં આવી છે, જે પશ્ચિમ યુરોપ સાથે સહકાર સ્થાપવા માટે કાર્ય કરે છે.

સોવિયેત સરકારનાં કેટલાંક મંત્રાલયો (ministries) પણ અંતરીક્ષના ઉપયોગમાં રસ ધરાવે છે. વેપારી જહાજોની બાબત સંભાળતા મંત્રાલય દ્વારા Morsviazsputnik નામની સંસ્થા શરૂ કરવામાં આવી છે, જે સમુદ્રી જહાજો માટે ઉપગ્રહ દૂર-સંદેશા-વ્યવહારની જવાબદારી સંભાળે છે, અને એ રીતે આંતરરાષ્ટ્રીય સંસ્થા  ‘International Maritime Satellite Communication’- (INMARSAT)ના ભાગ તરીકે કાર્ય કરે છે.

સોવિયેત રશિયાની અંતરીક્ષ પ્રવૃત્તિઓના વ્યાપારીકરણ માટે Glavkosmos નામના વ્યવસ્થાતંત્રની સ્થાપના કરવામાં આવી છે. અંતરીક્ષ બાબતો અંગે ગ્લાવકૉસ્મૉસ સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકે છે અને સોવિયેત રશિયાને જે દેશ સાથે સહકાર સ્થાપવાની ઇચ્છા હોય તે દેશ અને સોવિયેત ઔદ્યોગિક સંસ્થાઓ વતી પ્રવક્તા તરીકે કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય સંબંધમાં લવચીકતા લાવવાના નવા અભિગમના મુખ્ય ઉદ્દેશથી ગ્લાવકૉસ્મૉસની સ્થાપના કરવામાં આવી હતી. 1991માં સોવિયેત સંઘના ભાગલા પડ્યા પછી કાઉન્સિલ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (CIS) અસ્તિત્વમાં આવી હતી. એ નવા સંદર્ભમાં CISના દેશો માટે નાણા-ભંડોળની અછત હોવાથી એ દેશો આંતરરાષ્ટ્રીય સહકાર પર મુખ્ય આધાર રાખીને તેમની અંતરીક્ષ-પ્રવૃત્તિઓ ચલાવે છે.

જાપાન : જાપાનની અંતરીક્ષ-પ્રવૃત્તિઓનું સંચાલન કરવાના હેતુથી 1968માં સ્પેસ ઍક્ટિવિટીઝ કમિશન સ્થાપવામાં આવ્યું હતું. અંતરીક્ષ-કાર્યક્રમો માટેનું સર્વોચ્ચ દરજ્જાનું આ નિગમ જાપાનના વડા પ્રધાનના કાર્યાલય સાથે સંલગ્ન હતું અને અંતરીક્ષ-પ્રવૃત્તિ, વિકાસકાર્ય નાણાભંડોળ અને નીતિવિષયક ભલામણો કરવા માટે સક્ષમ હતું. અંતરીક્ષના વ્યાવહારિક ઉપયોગ અંગેની જવાબદારી સંભાળવા માટે ઑક્ટોબર 1969માં નૅશનલ સ્પેસ ડેવલપમેન્ટ એજન્સી(નાસડા)ની સ્થાપના કરવામાં આવી હતી. નાસડા મુખ્યત્વે સંદેશાવ્યવહાર, સીધા પ્રસારણ (direct broadcast) અને ભૂ-અવલોકન હેતુઓ માટે ઉપગ્રહોના વિકાસ અને તેનાં પ્રમોચન-વાહનો અંગેની જવાબદારી સંભાળે છે. આ ઉપરાંત, તેની અન્ય જવાબદારીઓમાં ઉપગ્રહોનું પ્રક્ષેપન, પથ-શોધન (tracking), કક્ષામાં નિયંત્રણ, દૂર-સંવેદન ઉપગ્રહોના આંકડા(data)નું વિશ્લેષણ (processing) તથા અંતરીક્ષમાં વૈજ્ઞાનિક પ્રયોગોને પ્રોત્સાહન આપવું વગેરે છે. ટોકિયો વિશ્વવિદ્યાલય દ્વારા અંતરીક્ષવિજ્ઞાનના ક્ષેત્રમાં પહેલાં જે કાર્ય કરવામાં આવતું હતું તે કાર્ય માટે એપ્રિલ 1981માં જાપાનિસ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પેસ ઍન્ડ એસ્ટ્રોનૉટિકલ સાયન્સ(ISAS)ની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થા વૈજ્ઞાનિક ઉપગ્રહો તથા પ્રમોચન-વાહનો અંગે સંશોધન અને વિકાસના કાર્ય સાથે સંબંધિત છે. ISAS સાથે સંકળાયેલી અન્ય સંસ્થા નૅશનલ સ્પેસ લૅબોરેટરી (NSL) અંતરીક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં મૂળભૂત સંશોધન હાથ ધરે છે. ઉપગ્રહ સંદેશાવ્યવહારની જવાબદારી પહેલાં જાપાનિસ સરકારના પોસ્ટ્સ ઍન્ડ ટેલિકોમ્યૂનિકેશન્સ પાસે હતી. પરંતુ હવે જાપાનની ઘણી ઔદ્યોગિક કંપનીઓ સંદેશાવ્યવહાર ઉપગ્રહો બનાવે છે અને કેટલીક ખાનગી કંપનીઓ આ ઉપગ્રહોનું સંચાલન કરે છે. આ ઉપરાંત, અંતરીક્ષની અલ્પ ગુરુત્વાકર્ષણની પરિસ્થિતિમાં જ થઈ શકતી વિશિષ્ટ પ્રક્રિયાઓના ક્ષેત્રમાં જાપાનના ઉદ્યોગો રસ લે એ માટે પ્રયત્નો ચાલે છે. છેલ્લી માહિતી પ્રમાણે જાપાનની 4-5 મોટી ઔદ્યોગિક કંપનીઓ અંતરીક્ષની વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે.

ચીન : અંતરીક્ષના વિવિધ કાર્યક્રમો અને ખાસ કરીને પ્રમોચન વાહનના ક્ષેત્રમાં ચીને નોંધપાત્ર પ્રગતિ કરી છે. ચીનની સરકારનું વૈમાનિકીને લગતું ખાતું મોટાભાગની અંતરીક્ષ પ્રવૃત્તિઓ અને ખાસ કરીને ‘લૉન્ગ માર્ચ’ શ્રેણીના રૉકેટના વિકાસ માટે જવાબદારી સંભાળે છે. અંતરીક્ષ પ્રવૃત્તિઓને લગતું આયોજનકાર્ય સંભાળતી સંસ્થાઓ અને એ પ્રવૃત્તિઓના અમલ(ટૅકનિકલ કાર્ય)નું કાર્ય કરતી સંસ્થાઓ વચ્ચે કોઈ સ્પષ્ટ તફાવત જાણવા મળ્યો નથી, તેમ છતાં ચીનના ઘણા ઔદ્યોગિક એકમો અંતરીક્ષ પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. ચીન અન્ય દેશોના ઉપગ્રહો વ્યાપારી ધોરણે પ્રક્ષેપિત કરી આપે છે. ઈ. સ. 2000 પછી સ-માનવ અંતરીક્ષ ઉડ્ડયનના નવા ક્ષેત્રમાં ચીન શરૂઆત કરવાનું છે.

ભારત : વિકાસશીલ દેશોમાં ભારતે રાષ્ટ્રીય વિકાસમાં ફાળો આપી શકે તેવી ટૅકનૉલૉજીનો બહુ સુચારુ રૂપે ઉપયોગ કરીને એક આદર્શ અંતરીક્ષ-કાર્યક્રમનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. 1962માં ભારતના અંતરીક્ષ-કાર્યક્રમની વ્યવસ્થા કરવા માટે અણુશક્તિ વિભાગ દ્વારા ઇન્ડિયન નૅશનલ કમિટી ફૉર સ્પેસ રિસર્ચ(ઇનકોસ્પાર)ની સ્થાપના કરવામાં આવી હતી. 1969માં ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી(ઇન્સા)ના આશ્રય નીચે ફક્ત એક સલાહકારી મંડળ તરીકે ઇનકોસ્પારની પુનર્રચના કરવામાં આવી હતી અંતરીક્ષ સંશોધન તથા તેના શાંતિમય ઉપયોગો અંગેના કાર્યક્રમોનું સંચાલન કરવા માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન(ઇસરો)ની સ્થાપના કરવામાં આવી હતી. 1972માં ભારત સરકારે અંતરીક્ષ વિભાગ (ડીપાર્ટમેન્ટ ઑવ્ સ્પેસ) તથા અંતરીક્ષ આયોગ(સ્પેસ કમિશન)ની સ્થાપના કરી હતી અને ભારતના અંતરીક્ષ-કાર્યક્રમોના સંચાલનની જવાબદારી અંતરીક્ષ વિભાગ અને તેના આશ્રય નીચે કાર્ય કરતી સંસ્થા ઇસરોને સોંપવામાં આવી હતી.

રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થાય એ પ્રકારની અંતરીક્ષ ટૅકનૉલૉજીના ઉપયોગમાં સ્વાવલંબન પ્રાપ્ત કરવાના હેતુને લક્ષમાં રાખીને ભારતના અંતરીક્ષ-કાર્યક્રમો ઘડવામાં આવ્યા છે, જેના મુખ્ય ઉદ્દેશો નીચે પ્રમાણે છે :

(1) જુદા જુદા હેતુ માટે ઉપગ્રહ-આધારિત દૂર-સંદેશાવ્યવહાર પદ્ધતિનો વિકાસ કરવો; (2) રાષ્ટ્રની નૈસર્ગિક ભૂ-સંપત્તિનું સર્વેક્ષણ, આયોજન, પર્યાવરણનું પરિવીક્ષણ તથા હવામાન-સેવાના હેતુઓ માટે ઉપગ્રહ-આધારિત દૂર-સંવેદન પદ્ધતિનો ઉપયોગ કરવા માટે જરૂરી ટૅકનૉલૉજીનો વિકાસ કરવો તથા (3) ઉપર્યુક્ત અંતરીક્ષ ટૅકનૉલૉજી આધારિત સેવા ઉપલબ્ધ કરવા માટે દેશમાં એ પ્રકારના ઉપગ્રહોનું નિર્માણ કરવું તથા એ ઉપગ્રહોના પ્રક્ષેપન માટે જરૂરી પ્રમોચન વાહનો વિકસાવવાં.

ઉપરના ઉદ્દેશો પરિપૂર્ણ કરવા માટે દેશમાં ઇસરોનાં વિવિધ કેન્દ્રો અને એકમો સ્થાપવામાં આવ્યાં છે.

1962થી 1999 સુધીનાં સાડત્રીસ વર્ષોમાં ભારતના અંતરીક્ષ-કાર્યક્રમો દ્વારા જુદી જુદી ક્ષમતા ધરાવતાં પરિજ્ઞાપી રૉકેટો અને ઉપગ્રહ પ્રમોચન-વાહનો વિકસાવવામાં આવ્યાં છે. દૂર-સંદેશાવ્યવહાર, ટેલિવિઝનના દેશવ્યાપી પ્રસારણ તથા હવામાન-સેવા માટે કાર્યાન્વિત કક્ષાના ઇનસેટ ઉપગ્રહોની શ્રેણી તથા ભૂ-અવલોકન માટે આઇ.આર.એસ. શ્રેણીના ઉપગ્રહોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભારતના અંતરીક્ષ-કાર્યક્રમોમાં ખાનગી અને જાહેર ક્ષેત્રના ઔદ્યોગિક એકમો પણ ભાગ લે છે. 1992માં અંતરીક્ષ કૉર્પોરેશન નામની કંપની શરૂ કરવામાં આવી છે, જે સંપૂર્ણ રીતે ભારત સરકારની માલિકીની છે. આ કંપની અંતરીક્ષ-કાર્યક્રમો અંગે વ્યાપારી ધોરણે સેવા અને સાધનોનું વેચાણ કરે છે. ઉપગ્રહ-પ્રક્ષેપનનું કાર્ય તથા ભૂ-અવલોકન ઉપગ્રહો દ્વારા મળતી તસવીરોનું વેચાણ અંતરીક્ષ કૉર્પોરેશન સંભાળે છે. ભારત અન્ય દેશો સાથે સહકારી ધોરણે અંતરીક્ષ-કાર્યક્રમોનું આયોજન પણ કરે છે.

યુરોપ : ઈ. 1975માં પશ્ચિમ યુરોપના અગિયાર દેશોએ સાથે મળીને યુરોપિયન સ્પેસ એજન્સી(ESA)ની સ્થાપના કરી હતી. તે પહેલાં  1964માં એ પ્રકારની બે સંસ્થાઓ અસ્તિત્વમાં હતી : એક, યુરોપિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ESRO) અને બીજી યુરોપિયન લૉન્ચર ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (ELDO). ESA સૌથી મોટી આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સંસ્થા છે, જે અંતરીક્ષ-વિજ્ઞાન અને અંતરીક્ષ-ટૅકનૉલૉજી બંનેની જવાબદારી સંભાળે છે. ESAના સભ્ય દેશોએ વિકસાવેલા લાંબા ગાળાના અંતરીક્ષ કાર્યક્રમોને લીધે દુનિયાની અંતરીક્ષ સંસ્થાઓમાં યુરોપે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાંતિપૂર્ણ અંતરીક્ષકાર્યક્રમો માટે સભ્ય દેશો વચ્ચે સહકારથી કાર્ય કરવું એ ESAનો મુખ્ય ઉદ્દેશ છે. અંતરીક્ષ-સંશોધન અને વિકાસની સાથે સાથે કાર્યાન્વિત કક્ષાના અંતરીક્ષ-તંત્રોની પણ સ્થાપના કરવામાં આવી છે; જેમાં Eutelsat, Eumetsat અને Arianespace નામની સંસ્થાઓ નોંધપાત્ર છે.

યુરોપિયન ટેલિકોમ્યૂનિકેશન સૅટેલાઇટ ઑર્ગેનાઇઝેશન (Eutelsat) સંસ્થા યુરોપના 26 દેશોની દૂર-સંદેશાવ્યવહાર સેવાને સાંકળે છે તથા યુરોપિયન કોમ્યૂનિકેશન સૅટેલાઇટ્સ (ECS) તંત્રની દેખરેખ રાખે છે અને સંદેશાવ્યવહાર તથા ઉપગ્રહ-આધારિત ટેલિવિઝન-પ્રસારણ બંનેની જવાબદારી સંભાળે છે.

યુરોપિયન મીટિયોરોલૉજિકલ સૅટેલાઇટ ઑર્ગેનાઇઝેશન (Eumetsat) સંસ્થા યુરોપના 15 દેશોની હવામાન સેવાને સાંકળે છે તથા ESA દ્વારા નિર્માણ કરાયેલા કાર્યાન્વિત હવામાન ઉપગ્રહ-તંત્ર ‘મીટિયોસેટ’ની દેખરેખ રાખે છે.

‘એરિયાનસ્પેસ’ એક ખાનગી ફ્રેન્ચ કંપની છે, જે ‘એરિયાન’ (Arian) નામનાં પ્રમોચન-વાહનો બનાવવાની જવાબદારી સંભાળે છે. ESA દ્વારા વિકસાવવામાં આવેલા ઉપગ્રહ પ્રમોચન-વાહનોના નિર્માણ અને વેચાણના કાર્યની જવાબદારી ‘એરિયાનસ્પેસ’ સંભાળે છે. પ્રમોચન-વાહનોના ક્ષેત્રમાં ‘એરિયાનસ્પેસ’ પ્રથમ ખાનગી કંપની છે.

આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ : આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, વૈશ્વિક કે પ્રાદેશિક પરિપ્રેક્ષ્યમાં, સામાન્ય રીતે અંતરીક્ષ-ઉદ્યોગના અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલી હોય છે. આવી સંસ્થાઓ નિયંત્રણાત્મક (regulatory) ભૂમિકા ભજવે છે અથવા અંતરીક્ષના એક જ ક્ષેત્ર દા.ત., ઉપગ્રહ દૂર-સંદેશાવ્યવહાર, સાથે સંકળાયેલી હોય છે.

અંતરીક્ષ-યુગના પ્રારંભમાં જ સંયુક્ત રાષ્ટ્રો દ્વારા U. N. Committee for Peaceful Uses of Outer Space-copuos)ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં 60 જેટલા દેશો સભ્યપદ ધરાવે છે. આ સમિતિની દર વર્ષે એક બેઠક યોજાય છે. COPUOS નીચે બે ઉપસમિતિઓ કામ કરે છે, જેમાંની એક કાયદાકીય બાબતો માટે અને બીજી વૈજ્ઞાનિક બાબતો માટે કાર્ય કરે છે. COPUOS દ્વારા આંતરરાષ્ટ્રીય સંધિઓ થઈ શકી છે. વિશ્વ-સ્તરે થયેલું આ કાયદાકીય કાર્ય સંયુક્ત રાષ્ટ્રોની સૌથી મોટી ઉપલબ્ધિ છે.

સંયુક્ત રાષ્ટ્રોના કાર્યાલય સાથે અંતરીક્ષ વિભાગ જોડાયેલો છે, જેની જવાબદારી અંતરીક્ષ ટૅકનૉલૉજીમાં વિકાસ સાધતા દેશોને મદદ કરવાની છે. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્રો નીચે કેટલીક ખાસ સંસ્થાઓ છે, જે અંતરીક્ષની બાબતો સાથે સંકળાયેલી છે. The International Telecommunication Union (ITU) નામની સંસ્થા સંદેશા-વ્યવહાર ઉપગ્રહો દ્વારા ઉપયોગમાં લેવાતી રેડિયો-આવૃત્તિ(radio frequency)નું સહસંકલન કરે છે, જેથી સંદેશાવ્યવહારમાં કોઈ અડચણ પેદા ન થાય તથા સીધું પ્રસારણ (Direct Broadcasting) કરતા ભૂ-સ્થાયી કક્ષામાંના ઉપગ્રહોનું ભૌગોલિક સ્થાન નિયંત્રિત કરે છે. The World Meteorological Organisation (WMO) નામની સંસ્થા હવામાન ઉપગ્રહોના ઉપયોગને ઉત્તેજન આપવાની જવાબદારી સંભાળે છે તથા Food and Agriculture Organisation (FAO) અનાજનું ઉત્પાદન, જળસંપત્તિ તથા હવામાનની પરિસ્થિતિ અંગે અંતરીક્ષ ટૅકનૉલૉજી દ્વારા આગાહી કરવાના કાર્યને ઉત્તેજન આપે છે.

પહેલો દૂર-સંદેશાવ્યવહાર ઉપગ્રહ પ્રક્ષેપિત થયો તે પછી એ કાર્યના સહ-સંકલન માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાની આવશ્યકતા ઊભી થઈ હતી. 1973માં ઉત્તર અમેરિકા અને પશ્ચિમ યુરોપ દ્વારા International Telecommunication Satellite Organisation (INTELSAT) નામની સંસ્થા સ્થાપવામાં આવી હતી; જેનો જાહેર કરાયેલો ઉદ્દેશ હતો : બધા દેશોને, કોઈ ભેદભાવ વગર, વ્યાપારી ધોરણે વિશ્વસનીય અને ઉચ્ચ ગુણવત્તા ધરાવતી દૂર-સંદેશાવ્યવહારની જાહેર અંતરીક્ષ-સેવા પૂરી પાડવી.

1971માં સોવિયેત સંઘ અને પૂર્વ યુરોપના દેશોએ Intersputnik નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જેનો મૂળભૂત ઉદ્દેશ Intelsat જેવો જ છે. આ સંસ્થાના 20 દેશોની દૂર-સંદેશાવ્યવહાર સેવા સોવિયેત સંઘના ‘મોલ્નીયા’ ઉપગ્રહો દ્વારા સંકળાયેલી છે.

સમુદ્રી સંદેશાવ્યવહારની સુધારણા માટે Inmarsat નામની સંસ્થા સ્થાપવામાં આવી છે. આ સંસ્થા અંતરીક્ષ ટૅક્નૉલૉજી દ્વારા વહાણ અને કિનારા વચ્ચે તથા વહાણથી વહાણ વચ્ચે દૂર-સંદેશાવ્યવહાર સેવા પૂરી પાડે છે. આ સંસ્થાનું મૂળ સંયુક્ત રાષ્ટ્રોની International Maritime Satellite Organisation સંસ્થામાં છે, જેમાં દુનિયાની મુખ્ય સમુદ્રી સત્તાઓ (maritime powers) સભ્ય છે.

પરંતપ પાઠક