અંગુલાંત વિપાક (whitlow) : અંગૂઠા કે આંગળીના ટેરવામાં લાગેલો ચેપ. ટેરવું લાલ થઈ સૂજી જાય છે અને લબકારા મારતી પીડા થાય છે. ટાંકણી, સોય, કાંટો કે ફાંસ વાગ્યા પછી ત્યાં જમા થતા જીવાણુઓ (bacteria) આ ચેપ લગાડે છે. વખત જતાં તેમાં પરુ જમા થાય છે. શરીરનાં અન્ય ગૂમડાં (abscesses) કરતાં આને જુદું નામ આપવાનું કારણ તેની વિશિષ્ટ સારવારપદ્ધતિ છે. શરીરમાં અન્યત્ર ફોલ્લો પાકે  ત્યાં સુધી શસ્ત્રક્રિયા કરતાં પહેલાં રાહ જોવામાં આવે છે, જેથી વધુ પડતું લોહી વહી ન જાય અને વિપાક વધે નહિ.

(1) આંગળીના છેલ્લા વેઢાની રચના : (અ) મૃદુ પેશીના પડદાઓ (septa) તથા ઘણા નાના વિભાગો, (આ) હાડકું, (ઇ) નખ, (2) (ઈ) વેઢામાં પરુનું ગડ અથવા અંગુલાંત વિપાક, (3) પરુ દૂર કરવા મુકાતો છેદ.

આંગળીમાં ચેપ લાગે ત્યારે પરુ થવાની રાહ જોવાતી નથી. પરુ થાય તો તે ટેરવાના હાડકાના લોહીને લઈ જતી શિરા પર દબાણ થતાં ત્યાંના રુધિરાભિસરણ પર અસર પહોંચે છે. પરિણામે હાડકું મરી જાય છે. પછી આંગળીનું ટેરવું કાપીને કાઢી નાખવું પડે છે. આમ થતું અટકાવવા તરત શસ્ત્રક્રિયા જરૂરી બને છે. ઍન્ટિબાયૉટિક ઔષધો વાપરવાથી ચેપ મટતો નથી તેમજ પોટીસ (poultice) બાંધવાથી કે શેક કરવાથી તે પાકી જાય છે, પરંતુ સંપૂર્ણ મટતો નથી.

અમરીશ જ. પરીખ