અંકુર : રાષ્ટ્રીય પારિતોષિક-વિજેતા હિન્દી ચલચિત્ર (1974). કથા-દિગ્દર્શન : શ્યામ બેનેગલ. નિર્માતા : મોહન બિજલાની અને ફ્રેની વરિઆવા. મુખ્ય કલાકારો : શબાના આઝમી, અનંત નાગ, સાધુ મહેર, પ્રિયા તેંડુલકર.

સામંતશાહી શોષણ અને અત્યાચારો સામે વિદ્રોહની આ કથા છે. શહેરમાં વકીલાત કરતા એક જમીનદાર પોતાના પુત્ર સૂર્યાને સારા માર્ગે દોરવાના હેતુથી પોતાની જમીનદારી સાચવવાના બહાના હેઠળ ગામડામાં રહેવાની ફરજ પાડે છે. સૂર્યાનાં લગ્ન તેની ઇચ્છાવિરુદ્ધ પરંપરાગત પ્રથા મુજબ થયેલાં હોય છે, જેની સામે તેનો વિદ્રોહ હોય છે. માનસિક રીતે સંતપ્ત સૂર્યા ગામડાની એકલતા તથા શુષ્ક જીવનથી વધુ પીડાય છે. દરમિયાન તેના ખેતર પર મજૂરી કરતા બહેરા અને મૂંગા કિષ્ટાયાની સુંદર પત્ની લક્ષ્મીના પ્રેમમાં તે પડે છે. કિષ્ટાયાને  ગામમાંથી ભગાડી મૂકવા માટે સૂર્યા તેના પર ખોટા આક્ષેપ મૂકી અત્યાચાર ગુજારે છે. કિષ્ટાયા ગામ છોડી ભાગી જાય છે. એકલી પડેલી નિ:સહાય લક્ષ્મી સૂર્યાની પ્રેમચેષ્ટાઓની શિકાર બને છે અને સગર્ભા થાય છે. સૂર્યાની પરણેતર પતિગૃહે આવે છે ત્યારે તેને લક્ષ્મી સાથેના સૂર્યાના આડા સંબંધોનો ખ્યાલ આવે છે. સૂર્યા લક્ષ્મી પર ગર્ભપાત કરાવવા દબાણ કરે છે. લક્ષ્મી તેનો અસ્વીકાર કરે છે. એક દિવસ લક્ષ્મીનો પતિ આકસ્મિક રીતે પાછો આવે છે અને સૂર્યા પાસે કામ આપવા માગણી કરે છે. તેનાથી રોષે ભરાયેલો સૂર્યા આ બેકાર મજૂરને ચાબખાથી સખત મારે છે. પતિ પર ગુજારવામાં આવતો આ અત્યાચાર જોઈને લક્ષ્મી જાહેરમાં સૂર્યાને અપશબ્દોથી ધિક્કારે છે. ગભરાયેલો સૂર્યા પોતાના મકાનના દરવાજા બંધ કરી સંતાઈ જાય છે. ચલચિત્રના છેલ્લા દૃશ્યમાં એક મજૂર-બાળક જમીનદારના મકાનની કાચની બારી પર પથ્થર ફેંકે છે, જે સામંતશાહી વ્યવસ્થા સામેના વિરોધનો સંકેત દર્શાવે છે.

ભારતીય ચલચિત્રોમાં વર્ગવિગ્રહનું તાદૃશ ચિત્રણ કરતું નવી તરેહ(new wave)નું આ પ્રથમ ચલચિત્ર હતું તેમ તદ્વિદોનું માનવું છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે