પારેખ, આશા (. 2 ઑક્ટોબર 1942, મુંબઈ) : હિન્દી ચલચિત્રોમાં અભિનય કરતાં ગુજરાતી અભિનેત્રી. પિતા બચુભાઈને શાળાશિક્ષણની સાથે નૃત્ય અને અભિનયમાં પણ રસ હતો, તેથી નૃત્યશિક્ષણ લીધું. પ્રસિદ્ધ નૃત્યવિદ મોહનલાલ પાંડે તેમના નૃત્યગુરુ હતા. ડૉક્ટર બનવાની ઇચ્છા હતી, પરંતુ નૃત્ય-અભિનયની આવડતને કારણે અભિનયના ક્ષેત્રમાં આગળ વધ્યાં. 1954માં 12 વર્ષની વયે બાળકલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરવું શરૂ કર્યું. 1954થી 1956નાં વર્ષોમાં પાંચેક જેટલી ફિલ્મોમાં બાળ-કલાકાર તરીકે અભિનય કર્યો. વિજય ભટ્ટ નિર્મિત ‘ગૂંજ ઉઠી શહનાઈ’માં પ્રધાન નાયિકા તરીકે પસંદ થયાં, પરંતુ પાછળથી તે ભૂમિકા અમિતાને મળી ગઈ.

આશા પારેખ

નિરાશ થયા સિવાય 1959માં તેમણે ‘દિલ દે કે દેખો’માં મુખ્ય ભૂમિકા કરી અને એ તેમની સર્વપ્રથમ ફિલ્મ ખૂબ સફળ નીવડી. નૃત્ય અને અભિનયની સબળતાને કારણે આશાની એક પછી એક ફિલ્મ યાદગાર બનતી ગઈ. નિર્દેશક નાસિર હુસેને તેમના અભિનયનું હીર પારખીને ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘ફિર વહી દિલ લાયા હૂં’, ‘બહારોં કે સપને’, ‘પ્યાર કા મૌસમ’, ‘કારવાં’, ‘મંઝિલ મંઝિલ’ વગેરે જેવી કેટલીક રોમૅન્ટિક ફિલ્મો બનાવી. આ ફિલ્મોએ બહોળા પ્રેક્ષકવર્ગને આકર્ષ્યો અને નાસિર-આશા પારેખના રોમૅન્ટિક સંબંધોની ચર્ચાએ પણ આકર્ષણ જગાવ્યું. શમ્મી કપૂર જોડે ‘દિલ દે કે દેખો’, ‘તીસરી મંઝિલ’, ‘પગલા કહીં કા’ અને ‘જવાં મહોબત’માં મુખ્ય અભિનેત્રી તરીકે પ્રાણવાન અભિનય આપ્યો. દેવ આનંદ સાથે ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘કહીં ઔર ચલ’ અને ‘મહલ’ માં પણ સબળ અભિનય આપ્યો. રાજ કપૂર સાથે ‘ચોર મંડલી’ ફિલ્મમાં કામ કર્યું, પણ ફિલ્મ રજૂ ન થઈ. 1959થી 1977 દરમિયાન લગભગ 44 જેટલી ફિલ્મોમાં આશા પારેખે અભિનેત્રી તરીકે મુખ્ય ભૂમિકા કરી. આ ઉપરાંત વિશેષ પાઠ ભજવનાર અભિનેત્રી તરીકે 28 જેટલી ફિલ્મોમાં માતા-ભાભીની ભૂમિકાઓ પણ ભજવી. ગુજરાતી ફિલ્મક્ષેત્રમાં પણ ‘અખંડ સૌભાગ્યવતી’, ‘કુળવધૂ’ અને ‘માનાં આંસુ’માં અભિનય આપ્યો. ‘અખંડ સૌભાગ્યવતી’ તેમની નામાંકિત સામાજિક ગુજરાતી ફિલ્મ બની રહી. ફિલ્મ-અભિનય ઉપરાંત ‘ચૌલાદેવી’ અને ‘અનારકલી’ જેવી સુપ્રસિદ્ધ નૃત્યનાટિકાઓનું નિર્માણ પણ કર્યું. ઇંગ્લૅન્ડ, જર્મની, ફ્રાંસ, હોલૅન્ડ, અમેરિકા અને કૅનેડામાં ભજવાયેલી આ નૃત્યનાટિકાઓમાં તેમનાં અભિનય તથા નૃત્ય પ્રશંસાપાત્ર રહ્યાં. ‘કટી પતંગ’, ‘મૈં તુલસી તેરે આંગન કી’, ‘ચિરાગ’, ‘દો બદન’ વગેરે તેમના અભિનયની યાદગાર ફિલ્મો હતી. ‘કટી પતંગ’ની ભૂમિકા માટે ‘ફિલ્મફેર’ ઍવૉર્ડ પણ તેમને 1970માં મળ્યો. તેમણે ફિલ્મવિતરકની ભાગીદારીનો વ્યવસાય પણ કર્યો. ટેલિવિઝનના નાના પડદા પર પણ ‘જીવનસંધ્યા’ શ્રેણીમાં અભિનય કર્યો. ‘જ્યોતિ’, ‘પલાશ કે ફૂલ’ અને ‘બાજે પાયલ’ શ્રેણીઓનાં નિર્માણ-દિગ્દર્શનમાં યોગદાન આપ્યું. અપરિણીત રહીને, સામાજિક સેવાનાં વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરી. હિન્દી ફિલ્મજગતમાં સ્થાન પામેલી ગુજરાતી અભિનેત્રીઓમાં તેમની સિદ્ધિ નોંધપાત્ર છે. સિને આર્ટિસ્ટ ઍસોસિયેશનનાં પ્રમુખ તરીકે પણ તેમણે કામગીરી બજાવી છે.

1995થી આશા પારેખે અભિનય કરવો બંધ કર્યો અને ટેલિવિઝન માટે સિરિયલો પ્રૉડ્યુસ કરવી શરૂ કરી. તેમણે સ્થાપેલી ટેલિવિઝન પ્રૉડક્શન કંપની ‘આકૃતિ’ હેઠળ ગુજરાતી સિરિયલ ‘જ્યોતિ’ અને હિન્દી કૉમેડી સિરિયલ ‘દાલમેં કાલા’ લોકપ્રિય નીવડી. ઉપરાંત હિંદી સિરિયલો ‘કોરા કાગઝ’, ‘બાજે પાયલ’ અને ‘પલાશ કે ફૂલ’ પણ નોંધપાત્ર બની.

1998થી 2001 સુધી પારેખ ‘સેન્ટ્રલ બૉર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન’ના ચૅરપર્સન હતાં અને આ પદ પર બિરાજનાર પ્રથમ મહિલા હતા.

આશા પારેખને 2002માં ‘ફિલ્મફેર’ લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ મળ્યો, 2006માં ‘ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ઍવૉર્ડ’, 2007માં ‘પુણે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઍવૉર્ડ’ અને ‘નાઈન્થ એન્યુઅલ બોલીવૂડ ઍવૉર્ડ’ તથા ‘ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)’ તરફથી ‘લીવીંગ લીજન્ડ’ ઍવૉર્ડ મળ્યો.

આજીવન અપરિણીત રહેનાર આશા પારેખે લખેલી આત્મકથા ‘ધ હીટ ગર્લ’ 2007માં પ્રકાશિત થઈ. તેમાં તેમણે જણાવ્યું છે કે, ‘ડાયરેક્ટર નાસીર હુસેન સાથે પારસ્પરિક ધોરણે પ્રેમાંકુર ફૂટ્યાં હતાં અને પાંગર્યાં હતાં, જોકે, નાસીરનાં પત્ની હયાત હોવાથી નાસીર સાથે લગ્ન કરવાનું ટાળ્યું. જોકે, તેમનો પ્રેમસંબંધ થોડા વર્ષો સુધી સળંગ ચાલુ રહ્યો હતો.’

હાલમાં આશા પારેખ મુંબઈ ખાતે નૃત્યશિક્ષણની અકાદમી (સંસ્થા) ચલાવી રહ્યાં છે અને મુંબઈના સાન્તા ક્રૂઝ વિસ્તારમાં ‘આશા પારેખ હૉસ્પિટલ’ના સંચાલનમાં ધ્યાન આપે છે.

હરીશ રઘુવંશી

અમિતાભ મડિયા