ચંબા : હિમાચલ પ્રદેશનો પર્વતીય વિસ્તાર અને જિલ્લો. ભૌગોલિક સ્થાન : 32° 34’ ઉ. અ. અને 76° 08’ પૂ. રે.. આઝાદી પૂર્વે તે એક દેશી રાજ્ય હતું. તેની પશ્ચિમે કાશ્મીર, પૂર્વમાં લદ્દાખ અને લાહુલ તથા દક્ષિણમાં કાંગડા જિલ્લો અને પશ્ચિમે પંજાબ રાજ્યનો ગુરુદાસપુર જિલ્લો આવેલા છે. આ જિલ્લો હિમાચલ પ્રદેશના ચંબા, ભરમૌર, ચુરાહ, ભટિયાત તથા પાંગી તાલુકાનો બનેલો છે. હિમાચલ અને શિવાલિક પર્વતમાળાની વચ્ચે તથા રાવી અને ચંદ્રભાગા નદીઓની ખીણમાં આ પ્રદેશ આવેલો છે. આ પ્રદેશ અત્યંત દુર્ગમ તથા ગીચ જંગલોથી સભર છે. પ્રદેશનું કુલ ક્ષેત્રફળ 6528 ચોકિમી. તથા વસ્તી 5,18,844 (2011) છે. સમુદ્રસપાટી કરતાં આ વિસ્તારની લઘુતમ ઊંચાઈ 609 મી. અને મહત્તમ ઊંચાઈ 6398 મી. છે. 6093 મી.ની ઊંચાઈ સુધી માનવ-વસવાટ જોવા મળે છે. પહાડી પ્રદેશ અને ભરપૂર સૃષ્ટિસૌંદર્યના કારણે દેશવિદેશના સહેલાણીઓ માટે તે આકર્ષણનો પ્રદેશ રહ્યો છે. પર્યટનવિસ્તાર તરીકે તેનો વિકાસ કરવા માટે હિમાચલ રાજ્યની સરકારે ઘણાં પગલાં લીધાં છે. હિમપાતની ઋતુમાં ત્યાં દર વર્ષે બરફ પરની રમતોનો મહોત્સવ યોજાય છે.

ચંબા નામની નગરી રાવી તથા સાલ નદીઓના સંગમ પર વસેલી છે, જે આ જિલ્લાનું વહીવટી મથક છે. રાવી નદીના તટ પર ચંબાનરેશ ઉમેરસિંગ (1748–64) દ્વારા બંધાયેલો રંગમહેલ આ નગરીમાં છે. તેમાંનાં ભીંતચિત્રો પહાડી શૈલીનાં છે અને તેમાં રામાયણ, મહાભારત, ભાગવત, દુર્ગાસપ્તશતીમાંના પૌરાણિક અને ધાર્મિક પ્રસંગો આલેખાયેલા છે. ચંબા વિસ્તારના શિલ્પમાં ઉત્તરગુપ્ત શૈલીનાં દર્શન થાય છે. ચંબા નગરમાં ઘણાં પ્રાચીન ભવ્ય મંદિરો આવેલાં છે, તેમાંનું સૌથી જૂનું લક્ષ્મીનારાયણનું મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની અપ્રતિમ કલાવાળી આરસપહાણની મૂર્તિ છે. સાહિલ્લવર્મા નામક રાજાની પુત્રી ચંપાવતીના નામ પરથી આ સ્થળે બંધાયેલું ચંપેશ્વરીનું મંદિર પણ પ્રેક્ષણીય છે. આ વિસ્તારનું ચંબા નામ પણ ચંપા કે ચંપકા નામ પરથી પાડવામાં આવ્યું છે.

આ પ્રદેશમાં 6 બોલીઓ પ્રચલિત છે : ચુરાહી, પંગવાલી, ચંબાલાહુલી, ભટિયાલી, ભરમૌરી અથવા ગદ્દી અને ચંબિયાલી. માત્ર ચંબિયાલી બોલી લિપિવાળી છે. જૂના વખતમાં આ રાજભાષા હતી. એક જમાનામાં ચંબા પ્રદેશમાં બ્રાહ્મી તથા ખરોષ્ટી લિપિ એકસાથે પ્રચલિત હતી. કાંગડા જિલ્લામાં પઢિયાર તથા કહિયારા આ બે સ્થળે ઈ. પૂ.ના બે શિલાલેખ સાંપડ્યા છે, જે બ્રાહ્મી તથા ખરોષ્ટીમાં લખાયેલા છે.

શિલાલેખો તથા રાજાઓની વંશાવલી પરથી જણાય છે કે છઠ્ઠી સદીમાં આ પ્રદેશ પર મૂશણ નામક વંશનું રાજ્ય હતું. ઈ. સ. 750માં અજિતવર્માનું ત્યાં શાસન હતું. હાલ ચંબાથી આશરે 40 કિમી. પર બ્રહ્મોર નામક જે સ્થળ છે તે જ જૂના વખતનું બ્રહ્મપુર. અજિતવર્માના શાસનકાળ દરમિયાન તે રાજ્યનું પાટનગર હતું. ત્યારપછીના રાજવીઓએ ચંપકા નામની નગરી વસાવી જે આજે ચંબા નામથી ઓળખાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે