કૅસીની, જાન ડોમેનિકો (જ. 8 જૂન 1625, નીસની પાસે પેરિનાલ્દો; અ. 14 સપ્ટેમ્બર 1712, પૅરિસ) : ચાર પેઢી સુધી પૅરિસની વેધશાળાના નિયામકપદે રહેનાર કૅસીની કુળના પહેલા ખગોળવેત્તા, જિનોઆની જેસ્યુઇટ કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ 1650માં ઇટાલીની બોલોન્યા યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા હતા. 1657માં પોપ ઍલેક્ઝાન્ડર સાતમાએ તેમને કિલ્લેબંધી(fortification)ના ઇન્સ્પેક્ટર બનાવ્યા. 1669માં પૅરિસની સાયન્સ એકૅડેમીના એક હંગામી નવા સભ્ય તરીકે પૅરિસ જવાનું આમંત્રણ સ્વીકાર્યું. પરંતુ પછી પૅરિસમાં નવી બંધાયેલી વેધશાળાના ડિરેક્ટર તરીકેની ફરજો તેમણે અદા કરી અને જીવનપર્યંત ડિરેક્ટર તરીકે રહ્યા.
1650થી 1669 સુધી તેમણે મંગળના ગ્રહ ઉપર ઋતુઓમાં થતા ફેરફારોનું અવલોકન કર્યું. ગુરુના ગ્રહ પર જણાતા પટ્ટા (bands) અને ધાબાં(spots)નું સચોટ વર્ણન કર્યું અને ગુરુના ઉપગ્રહોની ગતિ માટે એક સારણી પ્રસિદ્ધ કરી. વળી તેમણે મંગળ તેમજ ગુરુના ગ્રહનો ભ્રમણકાળ પણ નક્કી કર્યો. શનિના ગ્રહના ચાર ઉપગ્રહો શોધ્યા અને તેના વલયોના વિભાજનની શોધ કરી, જે આજે પણ કૅસીનીના નામથી ઓળખાય છે. તેમણે ચંદ્રની સપાટી ઉપર આપેલા અનેક ધૂમકેતુઓનું નિરીક્ષણ કર્યું. ઝાં પિકાર્ડ અને ઝાં રાઇશે નામના વિજ્ઞાનીઓની સાથે રહીને સમગ્ર સૂર્યમાળાના માપક્રમને પ્રગટ કરતો મંગળના ગ્રહનો ર્દષ્ટિસ્થાનભેદ (parallax) નક્કી કર્યો.
પૅરિસની વેધશાળાનું ડિરેક્ટરપદ આશરે 125 વર્ષ (1669-1794) સુધી તેમની ચાર પેઢી પાસે રહ્યું હતું. કૅસીની કુળના છેલ્લા સભ્ય ઝાક ડૉમીનિક ગણિતશાસ્ત્રી તેમજ ભૂગોળવેત્તા પણ હતા. વેધશાળાના સંચાલકો સાથે ન ફાવવાથી 1794માં ખગોળશાસ્ત્રને તિલાંજલિ આપીને તેમણે નિવૃત્તિ લઈ લીધી.
વાસુદેવ યાજ્ઞિક