અર્દશ્ય ખગોળશાસ્ત્ર

January, 2001

અદૃશ્ય ખગોળશાસ્ત્ર (invisible astronomy) : માનવીની આંખ પારખી કે જોઈ ન શકે એવા વિદ્યુતચુંબકીય તરંગો તેમજ સિન્ક્રોટ્રોન વિકિરણો, ન્યૂટ્રીનો, કૉસ્મિક કિરણો વગેરેની મદદથી ખગોલીય પદાર્થો તેમજ ઘટનાઓનાં અવલોકનો અને અભ્યાસ રજૂ કરતું શાસ્ત્ર. દૃશ્ય પ્રકાશ જેને માનવીની આંખ પારખી શકે છે તેમાં જાંબલી પ્રકાશ(તરંગલંબાઈ, 3,800 Å)થી માંડીને ઘેરા લાલ પ્રકાશ (7,800 Å) સુધીની તરંગાવલિઓ રહેલી છે. સમગ્ર વિદ્યુતચુંબકીય તરંગપટનો આ એક ખૂબ નાનો ભાગ છે. ખગોલીય પદાર્થોમાંથી ઉત્સર્જિત થતાં વિકિરણોનો ફલક 1022 ગણો અતિવિશાળ છે. 105 Å જેવડી અતિસૂક્ષ્મ તરંગલંબાઈવાળાં ગામાકિરણોથી માંડીને 1,00,000 મીટર તરંગલંબાઈ ધરાવતાં રેડિયો-મોજાંઓના વ્યાપની સરખામણીમાં દૃશ્ય પ્રકાશપટ સાચે જ ખૂબ નાનો છે.

પૃથ્વીનું વાતાવરણ બધી તરંગલંબાઈનાં વિકિરણો માટે એકસરખું પારદર્શક નથી. Ar, O, O2, N, N2, O3, CO2, H2O, OH વગેરે ઘટકોને કારણે આપણું વાતાવરણ વિદ્યુતચુંબકીય તરંગપટના મોટા ભાગ માટે લગભગ સંપૂર્ણપણે અપારદર્શક છે. આમાં અપવાદરૂપ બે પારદર્શક વાતાવરણીય બારીઓ (atmospheric windows) છે; 3,000થી 30,000 Å તરંગલંબાઈ ધરાવતાં વિકિરણોને પૃથ્વીપટ સુધી પહોંચવા દેતી દૃશ્ય બારી (visible window) અને 2 મિમી.થી 20 મીટર તરંગલંબાઈનાં વિકિરણોને પસાર થવા દેતી રેડિયો-બારી મારફતે જ આપણે બાહ્ય જગતને જોઈ–પારખી શકીએ છીએ. એટલે પૃથ્વી-વાતાવરણને ભેદીને અવકાશ સુધી જતાં સાઉન્ડિંગ રૉકેટ, અંતરીક્ષયાન તેમજ અંતરીક્ષમાં વિચરતી સ્કાયલૅબ જેવી પ્રયોગશાળાઓની મદદથી અલ્ટ્રાવાયોલેટ (UV), ક્ષ તેમજ ગામા-કિરણોમાં ખગોલીય અવલોકનો છેલ્લા કેટલાક દાયકાઓથી જ શક્ય બન્યાં છે. તેવી જ રીતે છેલ્લાં 50-60 વર્ષ દરમિયાન રેડિયો-ખગોળશાસ્ત્રમાં પણ અકલ્પ્ય પ્રગતિ થઈ છે. કૉસ્મિક કિરણો તેમજ ન્યૂટ્રીનો જેવા અતિશક્તિશાળી અવપરમાણ્વિક (sub-atomic) કણોનાં અવલોકનો લઈ શકવાની ક્ષમતાવૃદ્ધિને કારણે અદૃશ્ય ખગોળશાસ્ત્રનો બહુમુખી વિકાસ થયો છે.

પ્ર. દી. અંગ્રેજી