હૅનોઈ : વિયેટનામનું પાટનગર અને હોચી મિન્હ શહેર પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : તે 21° 02´ ઉ. અ. અને 105° 51´ પૂ. રે. પર ‘રેડ રીવર’ના મુખત્રિકોણથી રચાયેલા ફળદ્રૂપ પ્રદેશના મથાળે આવેલું છે. તેનો વિસ્તાર 921 ચોકિમી. જેટલો છે.

હૅનોઈ એક મહત્વનું વ્યાપારી કેન્દ્ર અને નદીબંદર છે. ટોંકિનના અખાત પાસે, હૅનોઈથી આશરે 89 કિમી. દૂર આવેલું, ઊંડા જળની સુવિધા ધરાવતું, હાઇફાગ બંદર હૅનોઈને જરૂરી સેવાઓ પૂરી પાડે છે. હૅનોઈનો મુખ્ય ઉદ્યોગ ખાદ્યપ્રક્રમણનો છે. આ શહેરમાં સાઇકલો, સિગારેટ અને કૃષિયંત્રસામગ્રીનું ઉત્પાદન થાય છે.

હૅનોઈના પહોળા માર્ગોની ધારે ધારે વહીવટી કાર્યાલયો, દુકાનો અને આવાસો આવેલા છે. માર્ગો પર સાઇકલો, ટ્રામ અને ટ્રકોની અવરજવરથી ખૂબ ભીડ રહે છે. અહીં સરકારી અફસરો જ માત્ર મોટરગાડીઓનો ઉપયોગ કરે છે. ઉચ્ચ શિક્ષણ માટે ઉત્તર વિયેટનામમાં હૅનોઈ યુનિવર્સિટી આવેલી છે.

હૅનોઈ અગિયારમી સદીથી 1802 સુધી વિયેટનામનું પાટનગર રહેલું. 1802માં પાટનગરને હૅનોઈથી ખેસવીને દક્ષિણમાં આવેલા હુઈ (Hue) ખાતે લઈ જવાયેલું. 1873માં ફ્રેન્ચોએ તેનો કબજો મેળવેલો. 1887થી 1946 સુધી તે ફ્રેન્ચ ઇન્ડોચાઇનાનું પાટનગર રહેલું. 1954માં આંતરરાષ્ટ્રીય કરાર મુજબ વિયેટનામના બે ભાગલા પડતાં તે સામ્યવાદી ઉત્તર વિયેટનામનું પાટનગર બન્યું. 1980ના દશકાના મધ્યકાળમાં વિયેટનામના યુદ્ધ દરમિયાન યુ.એસ. દ્વારા થતા બૉંબમારાથી હૅનોઈના ઘણાખરા ઉદ્યોગોને બચાવી લેવાના આશયથી ગ્રામવિસ્તારોમાં લઈ જવાયા, તેમ છતાં બૉંબમારાથી ઔદ્યોગિક પરાંઓનો નાશ થયો; પરંતુ આ શહેર તેમાંથી બચી જવા પામેલું. 1975માં યુદ્ધનો અંત આવ્યો, ઉત્તર વિયેટનામે દક્ષિણ વિયેટનામનો કબજો મેળવ્યો, બંને જોડાયાં અને એક અખંડ વિયેટનામ બન્યું. હૅનોઈ જોડાયેલા અખંડિત વિયેટનામનું પાટનગર બન્યું.

1999 મુજબ હૅનોઈની વસ્તી 26,72,000 જેટલી છે. દુનિયાની વધુમાં વધુ વસ્તીગીચતા હૅનોઈમાં હોવાનું કહેવાય છે. અહીં પ્રત્યેક 1 ચોકિમી. દીઠ 1,30,000 માણસો રહે છે.

ગિરીશભાઈ પંડ્યા