હવાના ખતપત્ર

February, 2009

હવાના ખતપત્ર : 1948માં ક્યુબાના હવાના ખાતે ટેરિફ અને ટ્રેડ અંગેનું ખતપત્ર રજૂ થયું તે ઘટના. 1948–1994 અંગેનો બહુદેશીય કરાર આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન દ્વારા રજૂ થયો હતો. તે ‘ગૅટ’ (General Agreement on Tariffs and Trade – GATT) નામથી પણ જાણીતો છે. તેનો મુખ્ય આશય રાષ્ટ્રો વચ્ચેનો મુક્ત વ્યાપાર વધે તે હતો. 1947માં સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા ખાતે 23 દેશોના પ્રતિનિધિઓની બેઠક યોજાયેલી જેમાં ટેરિફ અને ટ્રેડ અંગે મંત્રણાઓ થઈ હતી. તેને અંતે ગેટ કરાર થયો જે 1 જાન્યુઆરી, 1948થી અમલમાં મૂકવામાં આવ્યો હતો. તેમાં 45,000 ટેરિફ છૂટછાટો હતી.

તેના મુખ્ય સભ્યો અમેરિકા, બ્રિટન અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન (ITO) હતાં. જિનીવા અને અને લંડન ખાતેની પરિષદો બાદ ક્યુબાના હવાના ખાતે ‘ગૅટ’ની બેઠક બોલાવવામાં આવી હતી. 1948માં 54 દેશોના પ્રતિનિધિઓએ હવાના ખતપત્ર પર દસ્તખત કર્યા જે ITO ખતપત્ર તરીકે પણ જાણીતું બન્યું હતું. અમેરિકા જેવા ઔદ્યોગિક દેશોને અન્ય સંગઠનોમાં રસ હોવાથી તેણે 1950માં હવાના ખતપત્રને અભરાઈએ ચઢાવી દીધો હતો. પરિણામે આ ખતપત્રમાં અન્ય દેશોની સંમતિ છતાં તેના અમલનો પ્રશ્ન ઉદભવ્યો જ નહિ. અંતે આ કરાર છોડી દેવામાં આવ્યો હતો.

રક્ષા મ. વ્યાસ