સ્વાઝલર, આર્થર (Schwatzler, Arthur) (જ. 15 મે 1862, વિયેના; અ. 21 ઑક્ટોબર 1931, વિયેના) : ઑસ્ટ્રિયન નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક. એમના યહૂદી પિતા પ્રા. જ્હૉન સ્વાઝલર જાણીતા ગળાચિકિત્સક હતા. પિતાની જેમ પોતે પણ શારીરિક ચિકિત્સક તરીકેનો વ્યવસાય સ્વીકારેલો. તેઓ માનસચિકિત્સક પણ હતા. સ્વાઝલરે કિશોરાવસ્થામાં જ કવિતા લખવાનું શરૂ કર્યું અને સાથે જ પિયાનોવાદકની કારકિર્દીની શરૂઆત કરી. કિશોરાવસ્થામાં એક વાર એમના પિતાએ તેમને વેશ્યાગૃહમાંથી પકડી પાડ્યા અને ત્યાર બાદ તેમને યૌનરોગ સંબંધી પુસ્તક વાંચવા આપ્યું. સ્વાઝલરના પિતાએ તેમને સાહિત્યકાર થવા માટે બહુ ઉત્તેજન આપ્યું નહિ. સ્વાઝલરને પોતાના પિતા માટે માન હતું. 1912માં પ્રસિદ્ધ થયેલ તેમની નાટ્યકૃતિ ‘પ્રોફેસર બર્નહાર્ડી’માં આવતું પાત્ર એ તેમના પિતાના પાત્ર ઉપર આધારિત છે એમ મનાય છે. આ નાટક 1918 સુધી દબાવી રાખવામાં આવ્યું હતું. એ નાટ્યકૃતિ પ્રસિદ્ધ થઈ ત્યારે યહૂદીઓના બિનસમાધાનકારી વલણ અંગેના નિરૂપણનો મોટો વિરોધ થયેલો.

આર્થર સ્વાઝલર

એમના પિતાના પગલે ચાલીને સ્વાઝલર વિયેનાની યુનિવર્સિટીમાં 1895માં દાક્તરી વિદ્યાશાખામાં દાખલ થયા, પણ એમનો મોટા ભાગનો સમય અભ્યાસ કરતાં વાર્તાલેખન અને નાટ્યલેખનમાં પસાર થતો. સિગ્મન્ડ ફ્રૉઇડના સંપર્કમાં આવવાને કારણે તેમનો રસ મનશ્ચિકિત્સામાં વધ્યો અને તેમણે એ અંગેનો થીસિસ પણ લખ્યો. એકત્રીસ વર્ષની ઉંમરે એમણે હૉસ્પિટલની નોકરી છોડી દીધી અને ત્યાર બાદ માત્ર થોડાક જ દર્દીઓ માટે પોતાની ખાનગી પ્રૅક્ટિસ ચાલુ રાખી. સ્વાઝલરનો મોટા ભાગનો સમય મિત્રો સાથે કૉફી હાઉસમાં વાતો કરવામાં વીતતો. એ જમાનામાં બધા જ જાણીતા વિદ્વાનો આવી જગ્યાએ ભેગા થતા. લેખકો, કવિઓ, અધ્યાપકો, કલાકારો વગેરે ભેગા થઈને ચર્ચાઓ કરતા અને એમ કૉફી પીતાં પીતાં નવા વિચારોનું સર્જન થતું.

સ્વાઝલરની સાહિત્યકાર તરીકેની પ્રારંભિક કારકિર્દીમાં તેમની નાટ્યકૃતિઓ દ્વારા તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ. એમની વાર્તાઓ, નાટકોમાં સ્ત્રીપુરુષ-સંબંધો તથા સ્ત્રીઓનાં પાત્રોનું વાસ્તવિક નિરૂપણ વાચકોમાં અત્યંત દિલચસ્પ બન્યું છે. સ્વાઝલરને અનેક સ્ત્રીઓ સાથે સંબંધો હતા, પણ 1894થી 1899 દરમિયાન મેરી રેનહાર્ડ સાથેના તેમના સંબંધોએ તેમની સાહિત્યકૃતિઓને પ્રભાવિત કરી છે. 1890ના દશકામાં એમણે ‘લોરિસ’ એ ઉપનામથી નાટકો લખવાની શરૂઆત કરી. એ નાટકો ‘પ્રાગ’ શહેરમાં ભજવાયાં. 1895 સુધીમાં સ્વાઝલર ઑસ્ટ્રેલિયા અને જર્મનીમાં નાટ્યકાર તરીકે ખ્યાતિ પામ્યા.

1900માં એમની ‘હૅન્ડસ અરાઉન્ડ’ નામની કૃતિ છપાઈ. આ કૃતિ તેમની શ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે. એ નાટકમાં વસ્તુગૂંથણી દસ સંવાદોમાં ખૂબ જ કુશળતાપૂર્વક કરવામાં આવી છે. આ કૃતિના પ્રારંભમાં એક સૈનિક ઉપર વેશ્યાએ ગુજારેલ અત્યાચારનું દૃશ્ય છે. પછીના દસ સંવાદોમાં એ જ પ્રકારનું ચક્ર ચાલ્યા કરે છે. એમાં દસમું પાત્ર ક્રાઉન છે. એ વેશ્યાના પ્રેમમાં પડે છે અને આ ઘટનાથી ચક્ર પૂર્ણ થાય છે. જર્મન રંગમંચના ઇતિહાસમાં આ નાટકે બહુ જ મોટો વિવાદ સર્જ્યો. બર્લિનમાં એને કારણે રમખાણો ફાટી નીકળેલાં. એની સામે અશ્ર્લીલ નાટકો લખવા બદલ છ દિવસ સુધી ખટલો પણ ચાલેલો, પણ છેવટે લેખક નિર્દોષ છૂટેલા; પરંતુ લેખકે યુરોપમાં આ નાટક પોતાના મૃત્યુ બાદ પણ નહિ ભજવવા માટે આદેશ આપ્યો હતો. 1920 સુધીમાં તે ક્યાંય પણ ભજવાયેલું નહિ.

1950માં મેક્સ ઓફલ્સ નામના નિર્દેશકે તેના ઉપરથી ‘લા-રોન્દે’ નામનું ચલચિત્ર બનાવ્યું. સ્વાઝલરની નવલકથાઓ એના નાટક કરતાં વધુ ગણનાપાત્ર છે. 1895માં ‘સ્ટરબન’ નામની કૃતિમાં મૃત્યુ પામતી વ્યક્તિની વ્યથા આલેખાયેલી છે. એમની નવલકથાઓમાં ‘સ્ટ્રીમ ઑવ્ કૉન્શસનેસ’ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે. જીવનના અંતિમ દિવસો એમણે વિયેનામાં પસાર કર્યા. બાકીનું જીવન એમણે લેખન-કાર્યમાં પસાર કર્યું. 1930માં તેમની પરિણીત પુત્રીએ આત્મહત્યા કરી. આ ઘટનાથી તેમને ખૂબ આઘાત લાગ્યો અને આઘાતમાંથી તેઓ બહાર આવી શક્યા નહોતા.

ધીમંત પંકજ સોની