સોવેટો : દક્ષિણ આફ્રિકામાં આવેલો અશ્વેત લોકોની વસ્તી ધરાવતો વિશાળ નિવાસી વિસ્તાર. ભૌગોલિક સ્થાન : 26° 15´ દ. અ. અને 27° 52´ પૂ. રે.. આ વિસ્તારમાં આશરે 10.73 લાખ (ઈ. સ. 2000) લોકો વસે છે, તે પૈકીના ઘણાખરા તો નજીકના જોહાનિસબર્ગમાં કામધંધાર્થે અવરજવર કરે છે.

29 પરાં ધરાવતો સોવેટોનો મ્યુનિસિપલ વિસ્તાર આશરે 8,000 હેક્ટર જેટલો છે. મ્યુનિસિપલ વિસ્તારમાં એક લાખથી વધુ આવાસો આવેલા છે. વિવિધ પ્રકારના આવાસો તદ્દન નાનાં ઝૂંપડાં(આશરે 40,000થી વધુ)થી માંડીને મોટાં ભવનો જેવડાં છે; તેમ છતાં કેટલાક લોકો ઘરવિહીન પણ છે. નવાં વિકસેલાં પરાંમાં આધુનિક ઢબનાં મકાનો પણ જોવા મળે છે.

1930–1940ના ગાળામાં આ સ્થળે નવી ટાઉનશિપનો વિકાસ શરૂ થયો. 1940ના દાયકામાં રંગભેદની નીતિના એક ભાગરૂપ જોહાનિસબર્ગમાંથી જ્યારે અશ્વેતોને હાંકી કાઢ્યા ત્યારે તેઓ નવી ટાઉનશિપમાં આવીને વસ્યા. ત્યારથી આ વિસ્તાર South Western Township તરીકે ઓળખાયો. આ ત્રણ શબ્દોના પ્રથમ બે બે અક્ષરો પરથી 1960ના દાયકામાં તેનું નામ SOWETO રાખવામાં આવ્યું.

1976 સુધી આ વસાહતની વસ્તી વધી ન હતી. જોહાનિસબર્ગનો શ્રમિકવર્ગ અહીં રહેતો હતો. જોહાનિસબર્ગની શાળાઓમાં માત્ર અંગ્રેજી માધ્યમથી શિક્ષણ અપાતું હતું; અશ્વેતોએ અંગ્રેજી માધ્યમની સાથે સ્થાનિક આફ્રિકી ભાષાને પણ શિક્ષણનું માધ્યમ રાખવા માગણી મૂકી, પણ એ માગણી માન્ય ન રખાતાં મોટા પાયા પર હુલ્લડો થયાં. અંગ્રેજ સત્તાએ આ હુલ્લડો બળપૂર્વક દબાવી દીધાં; એટલું જ નહિ, વિદ્યાર્થીઓ પર પણ ગોળીબાર થયેલા. તેમાં સેંકડો માણસો મરાયા. તે પછીથી થોડાઘણા ફેરફારો થયા ખરા. 1984–1985માં ફરીથી હુલ્લડો થયાં, જે 1994ના એપ્રિલમાં બહુજાતીય (multi-racial) ચૂંટણીઓ થઈ ત્યાં સુધી ચાલુ રહેલાં.

જાહનવી ભટ્ટ