સોલના : સ્વીડનના મધ્ય-પૂર્વભાગમાં, સ્ટૉકહોમ પરગણામાં, સ્ટૉકહોમથી વાયવ્ય તરફ આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 22´ ઉ. અ. અને 18° 01´ પૂ. રે..

અહીં આઠમાથી દસમા સૈકાના, યુરોપના વેપારી-ચાંચિયાના કાળગાળાના પાષાણના અક્ષરો તથા ઘણાં દફનસ્થળો ધરાવતી પ્રાચીન વસાહત જોવા મળે છે. અહીંની જાણીતી ઇમારતોમાં બારમી સદીનું ચર્ચ, કાર્લબર્ગ મહેલ, અઢારમી સદીની લશ્કરી અકાદમી, ઉલરિક્સડૅલ મહેલ (જે ક્યારેક શાહી નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાય છે.) તથા અંદાજે 52,000 વ્યક્તિઓનો સમાવેશ કરતા રમતગમત માટેના સ્ટેડિયમનો સમાવેશ થાય છે. અગાઉ સોલના જે રાજ્યવહીવટનો પ્રાદેશિક એકમ હતો, તે 1948માં સિટી કાઉન્સિલના વહીવટ હેઠળનું શહેર બન્યું. 1960ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં સોલના મથકને સંયુક્ત રીતે વહીવટી, સાંસ્કૃતિક અને બજારુ ઉપયોગમાં લેવા તૈયાર કરવામાં આવ્યું.

આ શહેર રેલજંક્શન અને ઉત્પાદક મથક હોવા ઉપરાંત અહીં તબીબી કેન્દ્ર, બે મોટી હૉસ્પિટલો તેમજ તબીબી શિક્ષણ અને સંશોધનની સંસ્થાઓ આવેલી છે. 2000 મુજબ આ શહેરની વસ્તી 56,725 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા