સૂર્યવર્ણાલેખક (spectroheliograph)

January, 2008

સૂર્યવર્ણાલેખક (spectroheliograph) : પૂર્વનિર્ધારિત ઉત્સર્જનરેખામાં પ્રકાશમાં સૂર્યના સંપૂર્ણ બિંબનું એકતરંગીય (monochromatic) પ્રતિબિંબ મેળવતું ઉપકરણ. સામાન્ય રીતે આવાં પ્રતિબિંબ સૂર્યના વર્ણપટની ફ્રૉનહોફર (fraunhofer) રેખાઓના પ્રકાશમાં મેળવવામાં આવે છે અને તે સૂર્યવર્ણાલેખક કહેવાય છે.

સૂર્યવર્ણાલેખકની રેખાકૃતિ

20મી સદીની શરૂઆતમાં સૂર્યના વિશિષ્ટ અભ્યાસ માટે ખાસ સૌર ટેલિસ્કોપ રચવાની શરૂઆત થઈ અને જ્યૉર્જ એલરી હેલ (George Ellery Hale) નામના યુ.એસ.ના એક નામાંકિત ખગોળવિજ્ઞાનીએ ઉપર દર્શાવેલ પ્રકારના ઉપકરણને વિકસાવ્યું અને સૌર ટેલિસ્કોપના કેન્દ્રસ્થાને તેને પ્રયોજીને સૂર્યના એકતરંગીય (monochromatic) પ્રતિબિંબોના અભ્યાસને વિકસાવ્યો. આ પ્રકારનો અભ્યાસ સૂર્ય પર સર્જાતી સૌરકલંકો જેવી ઘટના, સૂર્યના ચુંબકીય ક્ષેત્રની ઉત્ક્રાંતિ અને તે સાથે સંકળાયેલ ઘટનાઓનો અભ્યાસ, સૂર્યની સપાટી પર જણાતા તાપમાનના ફેરફાર, ઇત્યાદિ વિગતોની ભૌતિક સમજણ મેળવવા માટે ઘણો મહત્ત્વનો છે. આકૃતિમાં સૂર્યવર્ણાલેખકની રચના દર્શાવેલ છે. ઉપર જણાવ્યા અનુસારનાં સૌર દૂરબીન, સામાન્ય દૂરબીનની જેમ અવકાશી પદાર્થના આકાશી ગોલક પરના સ્થાનાંતર સાથે ઘૂમતાં હોતાં નથી, કારણ કે સૂર્યનું વિસ્તૃત પ્રતિબિંબ મેળવવા માટે તેનો વસ્તુકાચ (objective) ઘણી મોટી કેન્દ્રલંબાઈ(focal-length)નો હોય છે. આથી સૂર્યના પ્રકાશનો Heliostat નામે ઓળખાતા ઉપકરણ દ્વારા ટેલિસ્કોપમાં પ્રક્ષેપ કરાય છે અને ટેલિસ્કોપના કેન્દ્રસ્થાને સૂર્યનું સ્થિર પ્રતિબિંબ મળે છે. રંધ્ર ‘S1’ (entrance slit) આ સ્થાને આવે છે. આ રંધ્રમાંથી નીકળતા પ્રકાશને ત્યારબાદ એક Collimator તરીકે ઓળખાતા લેન્સ દ્વારા ‘સમાંતર’ કરવામાં આવે છે અને આ સમાંતર કરેલો પ્રકાશ, શ્વેત પ્રકાશનું વર્ણપટમાં વિભાજન કરતા સાધન ત્રિપાર્શ્ર્વ (prism) અથવા વિવર્તન ગ્રેટિંગ (diffraction grating) પર આપાત થાય છે અને તેનું વર્ણપટ-સ્વરૂપે વિભાજન થાય છે. ત્યારબાદ આ વર્ણપટને કૅમેરા-લેન્સ દ્વારા એકત્રિત કરીને ઉદ્ગમ રંધ્ર (exit slit) ‘S2’ પર કેન્દ્રિત કરાય છે. આમ ‘S2’ના સમતલમાં વર્ણપટની વિવિધ તરંગલંબાઈઓ અલગ પડતાં ‘S2’ના સ્થાનને અનુરૂપ નિર્ધારિત તરંગલંબાઈના પ્રકાશની તીવ્રતા, ઉદ્ગમ રંધ્ર ‘S2’ની પાછળ રાખેલ દીપ્તિમાપક (photometer) દ્વારા મપાય છે. સામાન્ય રીતે સૂર્યનું એકતરંગીય પ્રતિબિંબ મેળવવા માટે દીપ્તિમાપકના સ્થાને ફોટોગ્રાફિક ફિલ્મ વપરાય છે. આધુનિક ઉપકરણોમાં ફોટોગ્રાફિક ફિલ્મનું સ્થાન CCD (Charge Coupled Device) વાપરતા ઉપકરણે લીધેલ છે. સમગ્ર સૂર્યની સપાટીનું પ્રતિબિંબ મેળવવા માટે સૂર્યવર્ણાલેખક સાધનનું તીરની દિશામાં યોગ્ય પ્રકારે સ્થાનાંતર કરાય છે અને આ રીતે રંધ્ર ‘S2’ના સ્થાનને અનુરૂપ તરંગલંબાઈના પ્રકાશમાં સૂર્યના બિંબની તસવીર મેળવાય છે; જે આ તરંગલંબાઈ પર લેવાયેલ ‘spectroheliogram’ કહેવાય.

સૂર્યના રંગાવરણ (chromosphere) દ્વારા ઉત્સર્જિત પ્રકાશમાં, આ વિસ્તારમાં ઉદભવતી કેટલીક મહત્ત્વની ફ્રૉનહોફર રેખાઓ સર્જાય છે અને રંગાવરણમાં બનતી સૌર ઘટનાઓના અભ્યાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ રેખાઓમાં હાઇડ્રોજન વાયુ દ્વારા ઉત્સર્જિત 6563Å તરંગલંબાઈ પરની બામર (balmer) α તરીકે ઓળખાતી તેમજ 3633Å તરંગલંબાઈ પરની વીજાણુમય કૅલ્શિયમ (ionized calcium) રેખાઓ મહત્ત્વની છે અને રંગાવરણની ક્રિયાશીલતાના અભ્યાસ માટે આ તરંગલંબાઈ પર લેવાતા spectroheliogram પણ મહત્ત્વના છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ