સુકાતાં તેલ (drying oils)

January, 2008

સુકાતાં તેલ (drying oils) : હવામાં ખુલ્લાં રહેવાથી ઘટ્ટ અને કઠણ બની જતાં કુદરતી અથવા સંશ્લેષિત તેલો. આવાં તેલોની ખુલ્લી હવામાં સ્વયં ઉપચયન પામવાની તથા બહુલીકરણની સરળતા પ્રમાણે તેમનું ન સુકાય તેવાં (nondrying), અર્ધસુકાતાં (semidrying) અથવા સુકાતાં તેલો તરીકે વર્ગીકરણ કરવામાં આવે છે. જાણીતાં તેલો પૈકી કપાસિયાંનું તેલ સૌથી જૂનું સુકાતું તેલ ગણાવી શકાય. સુકાઈ જવાને પરિણામે આવા તેલની સપાટી ઉપર સખ્ત, સૂકી અને સ્થિતિસ્થાપક ફિલ્મ અથવા પડ બની જાય છે.

ઈ. સ.ના બીજા શતકમાં ગ્રીક ચિકિત્સક (physician) ગાલેને ભાંગના બીજના, શણના બીજના (hempseed) અને અળસીના તેલ જેવાં કાષ્ઠફળ-તેલોનાં સુકાતાં તેલ તરીકેનો ઉપયોગ જણાવ્યો છે. છઠ્ઠા શતકમાં અન્ય એક ચિકિત્સક ઇટિયસે કાષ્ઠફળ તેઓનો રક્ષણાત્મક (protective) આચ્છાદનો (coatings) તરીકે ઉપયોગ થઈ શકે તેમ નોંધ્યું છે. તે પછી તો આ હેતુસર સુકાતાં તેલોનો ઉપયોગ ઝડપથી વધી ગયો છે.

સુકાતાં તેલો ઊંચી અસંતૃપ્તતા ધરાવે છે. તેઓ લિનોલીક (linoleic) તથા લિનોલેનિક (linolenic) ઍસિડ જેવાં અસંતૃપ્ત ચરબીજ ઍસિડના ટ્રાઇગ્લિસરાઇડ છે. ઉત્તમ પ્રકારનાં આવાં તેલો તેમના પ્રત્યેક અણુદીઠ અનેક બિનસંયુગ્મી (non-conjugated) દ્વિબંધો ધરાવે છે. આવાં દ્વિબંધવાળાં ગ્લિસરાઇડ ઉપચયન થવાથી બહુલીકરણ પામે છે. સારી જાતનાં સુકાતાં તેલ ઊંચો આયોડિન આંક (લગભગ 130) ધરાવતાં હોવાં જોઈએે. જેમ આ આંક વધુ તેમ તેલની સુકાવાની ઝડપ વધુ. વળી તેઓનું જળવિભાજન થતાં ઓલિક (oleic), લિનોલીક, લિનોલેનિક, લિકાનિક (licanic), ઇલિયોસ્ટીયરિક (eleostearic) જેવાં અસંતૃપ્ત ઍસિડ લગભગ 65 % કરતાં વધુ જ્યારે પામિટિક અને સ્ટિયરિક ઍસિડ જેવા સંતૃપ્ત ઍસિડો ઓછી ટકાવારીમાં આવે તેવાં હોવાં જોઈએ. સારણી 1માં પ્રચલિત સુકાતાં તેલમાં સંતૃપ્ત અને અસંતૃપ્ત ગ્લિસરાઇડનું ટકાવાર પ્રમાણ આપ્યું છે.

સારણી 1 : સુકાતાં તેલોમાં ગ્લિસરાઇડની ટકાવારી

નામ સંતૃપ્ત ઓલિયેટ લિનો-

લિયેટ

લિનો-

લિનેટ

ઇલિયો-

સ્ટિયરેટ

કપાસિયાનું તેલ

(Cotton-seed oil)

25 40 35
સોયાતેલ (Soyabeen oil) 14 26 52 8
નિર્જલિત દિવેલ (Dehydrated castor oil) 5 10 85
અળસીનું તેલ (Linseed oil) 10 18 17 55
પોરિલા-તેલ (Porilla oil) 7 14 16 63
તુંગ-તેલ (Tung oil) 5 7 3 85

ઑઇટિસિકા તેલ (oiticica oil) 10 % સંતૃપ્ત; 6 % ઓલિયેટ; 10 % લિનોલિયેટ અને 74 % લિકાનેટ ધરાવે છે.

કાચાં અશુદ્ધ સુકાતાં તેલ પેઇન્ટ કે વાર્નિશ માટે વપરાતાં નથી, કારણ કે તેઓ ખૂબ ધીમે ધીમે બહુલીકરણ પામે છે. આ બહુલીકરણ પ્રવિધિ સુધારવા માટે અનેક રીતો પ્રચલિત છે. એક રીત મુજબ, અશુદ્ધ તેલમાં દ્રાવ્ય રેઝિન-ઍસિડનાં કોબાલ્ટ, મૅંગેનીઝ કે લેડના ક્ષારો નાખી તેને ખૂબ ઉકાળવામાં આવે છે. આ રીતે બનતું તેલ અશુદ્ધ તેલના મુકાબલે પાંચ ગણી ઝડપે સુકાઈ જાય છે. આવું તેલ પેઇન્ટ, વાર્નિશ તથા ઇનેમલ માટે વપરાય છે. તેલમાં ઉપર દર્શાવેલા ક્ષારો ઉમેરી તેમાં ઝડપથી (120° સે.) 120° સે. તાપમાને હવા પસાર કરવાથી તેનો આર્દ્રતા તથા પૃષ્ઠ-આચ્છાદન (surface covering) ગુણધર્મ ખૂબ સુધરી જાય છે. શુદ્ધ સુકાતાં તેલો ગંધ દૂર કરવા માટે (antifouling agent), છાપકામ માટેની શાહી, લિનોલિયમ, વાર્નિશ તથા ઇનેમલમાં વપરાય છે.

જ. પો. ત્રિવેદી