સીતાયન (1974) : મૈથિલી કવિ વૈદ્યનાથ મલિક ‘વિધુ’(જ. 1912)- રચિત મહાકાવ્ય. આ કૃતિમાં 7 સર્ગો છે અને દરેકમાં 7 પેટાસર્ગો છે. આથી કવિએ તેને ‘પ્રથમ સપ્તસર્ગી સુમન’ તરીકે ઓળખાવ્યું છે.

પ્રથમ સર્ગમાં તેમણે મિથિલાનું તેમજ વર્ષની તમામ ઋતુઓ દરમિયાનના તેના અદભુત સૌંદર્યનું ચિત્રાત્મક વર્ણન કર્યું છે; સાથોસાથ મિથિલાની સામાજિક રૂઢિઓ તથા સમાજવ્યવસ્થાનું પણ ચિત્રણ કર્યું છે. ત્યારબાદ સર્ગવાર ‘રામાયણ’ના કથાપ્રસંગો આલેખાયા છે; પરંતુ આમાં સીતાનું પાત્ર રામના પાત્ર કરતાં વધુ ઉદાત્ત, પવિત્ર અને આદર્શ દર્શાવાયું છે. વસ્તુત: સીતાને મહામાયા અને આદ્યશક્તિ તરીકે ઉપસાવવામાં આવી છે.

સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યનાં જે લક્ષણો તારવી બતાવ્યાં છે તે તમામ ‘સીતાયન’માં સિદ્ધ થયાં છે. કાવ્યપંક્તિઓના સહજ રીતે વહેતા ભાષાપ્રવાહને કારણે તેમાં અનુપમ સુંદરતા ઉમેરાઈ છે.

આ મહાકાવ્યને કેન્દ્રીય સાહિત્ય એકૅડેમીનો 1976ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી