સિંહનાદ ગૂગળ : આયુર્વેદનું એક ઔષધ. આયુર્વેદવિજ્ઞાનમાં વિવિધ જાતનાં દર્દો માટે વિવિધ સ્વરૂપની દવાઓની યોજના છે. તેમાંની કેટલીક દવાઓ ‘ગૂગળ’ને મુખ્ય રાખીને બને છે. આ ગૂગળ આયુર્વેદના મતે વાત-કફદોષ તથા વૃદ્ધાવસ્થાનાશક ઉત્તમ રસાયન-ઔષધિ છે. તે ખાંસી, કૃમિ, વાતોદર, પ્લીહા (બરોળ) જેવા વાયુ કે કફપ્રધાન દર્દો, સોજા અને હરસનો નાશ કરનાર છે. ગૂગળ ગુણમાં ગરમ અને રસમાં કડવો છે, પણ તેનો ખાસ ગુણ યોગવાહી (જેની સાથે ભેળવો, તેની સાથે ભળી જવાનો ગુણ) છે. પ્રાય: ગૂગળને મુખ્ય રાખી તેમાં અન્ય રસ, ભસ્મો કે કાષ્ઠાદિ ઔષધિઓ મેળવીને રોગના પ્રકાર મુજબ તેને અનુરૂપ ગૂગળની ગોળીઓ બનાવાય છે. આમવાત તથા સંધિવાના દર્દમાં ‘સિંહનાદ ગૂગળ’ ખૂબ વપરાય છે.

સિંહનાદ ગૂગળનો પાઠવિધિ (સંદર્ભ : ભા. ભૈ. 2; ભૈ. 2 : ભા. પ્ર.) : લોખંડની કડાઈમાં 1 ભાગ દિવેલ નાંખી, તેમાં 1 ભાગ શુદ્ધ ગૂગળ નાંખી, ગરમ કરી, તેને તેલમાં ઓગાળી લેવાયા પછી, તેમાં ત્રિફલાનું ચૂર્ણ 3 ભાગ મેળવીને, ચાટણ જેવું જાડું પકાવીને નીચે ઉતારી લઈ, તેમાં શુદ્ધ ગંધકનું ચૂર્ણ 1 ભાગ મેળવીને તેની વટાણા જેવડી ગોળીઓ વાળી લેવાય છે.

માત્રા : 2થી 8 (વય તથા દર્દના જોર મુજબ) ગોળીઓ ગરમ પાણી કે મહારાસ્નાદિ ક્વાથના અનુપાન સાથે લેવાય છે.

ગુણધર્મ : આ ઔષધિ ખાસ આમવાતનાશક, રક્તશોધક, ત્વચાદોષનાશક, વાત-પિત્ત અને કફદોષનાશક, સહજ રેચક, અગ્નિવર્ધક, પૌષ્ટિક અને ખાંસી, શ્વાસ, શૂળ, આમવાત (‘રુમેટિઝમ’), કોઢ, વાતરક્ત (ગાઉટ), લંગડાપણું, પાંચ જાતની ઉધરસ, ગોળો, ઉદરશૂળ જેવાં અનેક દર્દો મટાડનાર છે. આ ઔષધિનું લાંબો સમય સેવન કરવાથી વૃદ્ધાવસ્થાના ચિહનરૂપ સફેદ વાળ અને દેહની ત્વચા પરની કરચલીઓનો નાશ થઈ દેહ સ્વસ્થ અને સુદૃઢ બની રહે છે.

પરેજી : આ ઔષધિના સેવન સાથે દર્દીએ ઘી, તેલ અને ચરબીયુક્ત પદાર્થો સાથે સાઠી ને શાલી ચોખાનો ભાત ખાસ ખાવાનું જણાવાય છે. વળી આમવાતમાં ભારે, ઠંડો, ચીકણો, ખાટો, મધુર ખોરાક બંધ કરી હળવો ખોરાક લેવાની હિમાયત કરવામાં આવે છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા