સાધુ સિંગ ‘હમદર્દ’

January, 2008

સાધુ સિંગ ‘હમદર્દ’ (જ. 1918, પડ્ડી, મોટ્ટવાલી જિ. જાલંધર, પંજાબ) : પંજાબી કવિ, પત્રકાર, નવલકથાકાર અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., એલએલ.બી. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પછી અકાલી રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લીધો અને પત્રકારત્વક્ષેત્રે પ્રવેશ કર્યો. ‘વિહાર’, ‘સુધાર’, ‘ખાલસા અને ખાલસા’, ‘ઍડવૉકેટ’ (અઠવાડિક) તથા દૈનિક ‘અજિત’ના સહસંપાદક નિમાયા. આઝાદી પછી ‘અજિત’ના સંપાદક બન્યા.

તેઓ કેન્દ્રીય પંજાબી લેખકસભાના પ્રમુખ અને પંજાબ સરકારના ભાષાવિભાગના સલાહકાર બોર્ડના સભ્ય તથા સાહિત્ય અકાદમીના કાર્યકારી બૉર્ડના સભ્ય રહેલા.

પત્રકાર તરીકેની તેમની સેવાની કદર રૂપે તેમને 1967માં પંજાબ સરકાર તરફથી શિરોમણિ પત્રકાર ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1982માં પંજાબ સાહિત્ય સમીક્ષા બોર્ડ તરફથી ‘શિરોમણિ ખોજકાર’નો ખિતાબ અને ત્યારબાદ 1983માં તેમને પદ્મશ્રી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

તેમની ઉલ્લેખનીય કૃતિઓમાં કાવ્યોમાં ‘ગઝલ’ (1963) છે, જેને પંજાબ સરકારનો ઍવૉર્ડ તથા ડૉ. ત્રિલોકસિંધ ટ્રસ્ટ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. અન્ય કાવ્યગ્રંથોમાં ‘ગઝલ દે રંગ’ (1974); ‘રંગ સુગંધ’, ‘મૉડર્ન ગઝલ’, ‘વાસ સુવાસ’ અને ‘કોકટેલ’નો સમાવેશ થાય છે. નવલકથાઓમાં ‘આંખ’ (1976); ‘ઝીનત ભાગેલ સિંઘ’, ‘ટક્કર’, ‘મેક-અપ’ અને ‘ગાંધર્વ વિવાહ’ તથા ટૂંકી વાર્તાઓમાં ‘ભારત મચ્દા રહા’, ‘કિન્ના બદલ ગયા ઇન્સાન’ એ ગ્રંથો તેમજ નિબંધસંગ્રહોમાં ‘તક્સિમ પંજાબ’, પ્રવાસકથામાં ‘અકિન દિઠા રૂસ’ (1971) અને વિવેચનમાં ‘કાવ નિર્ણય’ (1975)  એ ગ્રંથોનો સમાવેશ થાય છે.

બળદેવભાઈ કનીજિયા