સરહદી, ઝિયા (. 20 ફેબ્રુઆરી 1914, પેશાવર, હાલ પાકિસ્તાન) : ચલચિત્રસર્જક, લેખક, ગીતકાર. તેમણે કથા-પટકથા-સંવાદ અને ગીતો પણ લખ્યા. પોતાની કળા મારફત લોકોને અને સમાજને કંઈક આપતા રહેવાની, તેમનામાં જાગરૂકતા આણવાની ખેવના ધરાવતા ઝિયા સરહદી તેમની કારકિર્દીના મધ્યાહ્ને જ ભારત છોડીને પાકિસ્તાન જતા રહ્યા. તેમની ડાબેરી વિચારસરણીએ ભારતમાં તેમને અભિવ્યક્તિની મોકળાશ આપી, પણ તેણે જ પાકિસ્તાનમાં તેમના હાથપગમાં બેડીઓ નાખવાનું કામ કર્યું. પરિણામે ભારતમાં લોકપ્રિયતાને શિખરે બિરાજતા સરહદી માટે પાકિસ્તાનમાં સાવ ગુમનામ જિંદગી જીવવાનો વારો આવ્યો.

સંપન્ન વેપારી કુટુંબમાં જન્મેલા ઝિયા સરહદીને નાનપણથી જ ગરીબો અને શોષિતો પ્રત્યે હમદર્દી હતી. તેને કારણે સામંતશાહી વલણ અને શોષણવૃત્તિને ધરાવતા પોતાના કુટુંબથી તેઓ દૂર થતા ગયા. લેખનનો શોખ તેમને મુંબઈ ખેંચી લાવ્યો. 1940નો એ દાયકો હતો. ડાબેરી વિચારધારા ધરાવતા મેહબૂબખાન સાથે તેમને પરિચય થયો. તેમના કહેવાથી ઝિયાએ ચિત્રો માટે લખવું શરૂ કર્યું. મેહબૂબ માટે તેમણે ત્રણ ચિત્રો ‘મનમોહન’ (1936), ‘જાગીરદાર’ (1937) અને ‘એલાન’ (1947)ની કથાઓ લખી. આઝાદી પછી પણ ગરીબોની સ્થિતિ બદતર બનતી જતી જોઈને તેમણે ત્રણ ચિત્રો ‘હમલોગ’ (1951), ‘ફૂટપાથ’ (1953) અને ‘આવાઝ’(1956)નું સર્જન કર્યું. આ ત્રણેય ચિત્રો તેમાં સમસ્યાઓના કરાયેલા પ્રભાવક નિરૂપણને લઈને યાદગાર બની રહ્યાં અને આ ત્રણ ચિત્રો ‘સરહદી ત્રયી’ તરીકે ઓળખાયાં. 1951માં તેમણે ‘હમલોગ’ બનાવ્યું ત્યારે ભારતીય રજતપટ પર વાસ્તવવાદ રજૂ કરવાનો એ લગભગ પ્રથમ પ્રયાસ હતો. ઝિયા સરહદી ‘કળા ખાતર કળા’માં મુદ્દલ વિશ્વાસ ધરાવતા નહોતા એટલે ‘ઇપ્ટા’માં જોડાયા અને ત્યાં ખ્વાજા અહમદ અબ્બાસ, કૈફી આઝમી અને બલરાજ સાહની વગેરે સાથે મળીને એવા કથાનકની તલાશમાં રહ્યા, જેના દ્વારા લોકોમાં જાગરૂકતા આણી શકાય. 20 જેટલાં ચિત્રોની કથા-પટકથા, 10 ચિત્રોનું દિગ્દર્શન અને અનેક ગીતો લખનારા ઝિયા સરહદી દેશના ભાગલાના વિરોધી હતા. ભાગલા બાદ ઘણા કલાકારો પાકિસ્તાન જતા રહ્યા એ અંગે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી; પણ 1958માં તેમને પણ પાકિસ્તાન જવાનું થયું. પાકિસ્તાનમાં તેમની પ્રતિભાની કોઈ કદર ન થઈ. તેમની પ્રગતિશીલ વિચારસરણીને અનુકૂળ ન તો ત્યાં કોઈ વાતાવરણ હતું કે ન તો એ માટેની અભિવ્યક્તિને કોઈ મોકળાશ હતી. આ સ્થિતિમાં પણ તેમણે ‘રહગુજર’ નામનું એક ચિત્ર બનાવ્યું, પણ સેન્સર બોર્ડે આ ચિત્રની એવી ભૂંડી હાલત કરી નાંખી કે ચિત્ર છબીઘરોમાં દર્શાવાય કે ન દર્શાવાય એનું ઝિયા માટે કોઈ મહત્ત્વ ન રહ્યું. એ પછી તેમણે પોતે ચિત્રો બનાવવાને બદલે ‘બેટી’ (1965) અને ‘લાખોં મેં એક’ (1968) ચિત્રની કથાઓ લખી, પણ તેમની અંદર જે વિચારોનો લાવા ખદબદતો હતો તે કોઈ રીતે બહાર ન આવી શકવાને કારણે તેઓ ભારે ગૂંગળામણ અનુભવતા હતા. એવામાં બળવાખોર વિચારો ધરાવતી વ્યક્તિઓને પાકિસ્તાન સરકારે જેલમાં પૂરવાનું શરૂ કર્યું, તેમાં ઝિયા સરહદી પણ આવી ગયા. 1970માં કોઈ પણ કારણ આપ્યા વિના તેમની ધરપકડ કરાઈ અને કારાગૃહમાં તેમને અસહ્ય રિબામણીનો ભોગ બનવું પડ્યું. કારાગૃહમાંથી છૂટ્યા ત્યારે શારીરિક રીતે તેઓ ભાંગી ગયા હતા, પણ તેમની અંદરના વિચારો હજી અકબંધ રહ્યા હતા. 1980ના અરસામાં તેઓ ભારતના પ્રવાસે આવ્યા અને પાકિસ્તાન પરત જતા પહેલાં સ્પેનમાં થોડો સમય રહ્યા. તે પછી ‘સાંસ્કૃતિક રાજ્યાશ્રય’ આપવા બ્રિટિશ સરકારને તેમણે અરજી કરી. તે મંજૂર થઈ જતાં તેમણે જાતે સ્વીકારી લીધેલો દેશવટો ભોગવીને અંતિમ વર્ષો બ્રિટનમાં વિતાવ્યાં.

હરસુખ થાનકી