શૈલોદ્ભવ વંશ : દક્ષિણ ઓરિસા અથવા કોંગોડા પર રાજ્ય કરતો વંશ. ઈ. સ. 619 સુધી આ વંશના રાજાઓએ શશાંકનું આધિપત્ય સ્વીકાર્યું હતું. ત્યારબાદ તેમનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું હતું. ઈસુની છઠ્ઠી સદીની છેલ્લી પચીસીમાં ઓરિસાના દક્ષિણ ભાગમાં શૈલોદ્ભવકુળ રાજ્ય કરતું હતું. તેમનું રાજ્ય કોંગોડા ઉત્તરમાં ચિલકા સરોવરથી ગંજમ જિલ્લામાં મહેન્દ્રગિરિ પર્વત સુધી હતું. આ વંશનો સ્થાપક રણભિત અથવા અરણભિત છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં થઈ ગયો અને ઘણુંખરું ગુપ્ત સામ્રાજ્યના વિઘટન પછીની અરાજકતાનો લાભ લઈને તેણે સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. તેના પછી ત્રણ રાજા થયા. તેનો પુત્ર સૈન્યભિત-I માધવરાજ; પૌત્ર અયશોભિત અને પ્રપૌત્ર સૈન્યભિત માધવરાજ II. છેલ્લો રાજા ઈ. સ. 619થી વહેલો ગાદીએ બેઠો. ગૌડના રાજા શશાંકે શૈલોદ્ભવોનું રાજ્ય કબજે કર્યું હતું. શશાંકે ક્યારે ચડાઈ કરી તેની માહિતી ઉપલબ્ધ થતી નથી; પરંતુ શૈલોદ્ભવ રાજા સૈન્યભિત-II માધવરાજ-IIનો ઈ. સ. 619નો નોંધેલો પુરાવો દર્શાવે છે કે તે શશાંકનો સામંત હતો. શશાંકના મૃત્યુ પછી શૈલોદ્ભવો સ્વતંત્ર થઈ ગયા અને પ્રદેશવિસ્તાર પણ કર્યો હતો. હર્ષના વિજય પછી પણ શૈલોદ્ભવો કોંગોડા પર રાજ્ય કરતા હતા. સાતમી સદીની શરૂઆતમાં પણ તેમનું રાજ્ય હતું.

અયશોભિત-II પછી માનભિત ધરમરાજ રાજા થયો. તેના શાસન દરમિયાન આંતરવિગ્રહ થયો. રાજકુટુંબના માધવ નામના યુવકે બળવો કરીને રાજગાદી મેળવી, પરંતુ ધરમરાજે તેને હરાવ્યો. પછી માધવે રાજા ત્રિવરા સાથે જોડાણ કર્યું, પરંત વિંધ્યની તળેટીમાં તેમને હરાવવામાં આવ્યા. શૈલોદ્ભવ અને સોમવંશી રાજાઓની સાલવારી અચોક્કસ હોવાથી રાજા ત્રિવરા વિશે વધુ માહિતી મળતી નથી. પરંતુ રાજા ધરમરાજે બળવો દબાવી દીધો અને વિંધ્યાચળ સુધી દુશ્મનોની પૂંઠ પકડી તે ઘટના તેને યશ અપાવે છે.

તેક્કડલીનો અભિલેખ ધરમરાજ પછીના ત્રણ રાજાનાં નામ જણાવે છે, પરંતુ વધુ વિગત પ્રાપ્ત થતી નથી. ધરમરાજનો પુત્ર મધ્યમરાજ II રણક્ષોભ; અલ્લવરાજ તેનો પિતરાઈ ભાઈ અને મધ્યમરાજ III  અલ્લવરાજનો પુત્ર. આ રાજાઓએ કેટલો સમય રાજ્ય કર્યું તે જાણવા મળતું નથી. આ પછીના રાજાઓએ ઈ. સ. 825થી 1000ની વચ્ચે રાજ્ય કર્યું હશે.

જયકુમાર ર. શુક્લ