શાહ, મનુભાઈ દલસુખભાઈ

January, 2006

શાહ, મનુભાઈ દલસુખભાઈ (. 25 ઑગસ્ટ 1930, વઢવાણ સિટી) : કાપડ-ઉદ્યોગના વ્યવસ્થાપનક્ષેત્રે કીર્તિ પ્રાપ્ત કરનાર નિષ્ણાત તથા ગ્રાહક સુરક્ષાના ભેખધારી. પિતા દલસુખભાઈ અમદાવાદમાં કાપડનો વ્યાપાર કરતા હતા. માતાનું નામ દીપુબહેન. વર્ષ 1948માં અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલ શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા  પછી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે 1948માં દાખલ થયા અને વર્ષ 1950માં લેવાયેલી ઇન્ટર આર્ટ્સની પરીક્ષામાં સરકારની ઉચ્ચ  ગુણવત્તા શિષ્યવૃત્તિ (merit scholarship) પ્રાપ્ત કરી. 1952માં તેમણે કાયદાશાસ્ત્રની સ્નાતક પદવી ઉચ્ચ ગુણવત્તા સાથે પાસ કરી તથા છગનલાલ એચ. લૉ પારિતોષિક અને ફલ્ટન લૉ પારિતોષિક પ્રાપ્ત કર્યાં. તે પૂર્વે પ્રથમ વર્ષની કાયદાના સ્નાતક કક્ષાની પરીક્ષામાં સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શૈક્ષણિક કારકિર્દી દરમિયાન શાળા તથા કૉલેજ સ્તરે યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધાઓમાં પારિતોષિકો પ્રાપ્ત કરતા રહ્યા. કાયદાની સ્નાતક પદવી મેળવ્યા પછી તરત જ 1952માં અમદાવાદની જાણીતી અરવિંદ મિલમાં પ્રૉવિડંડ ફંડ વિભાગમાં અધિકારીપદે જોડાયા; જ્યાં તે પછીનાં સળંગ 26 વર્ષ દરમિયાન (1952-78) બઢતી મેળવતાં મેળવતાં અરવિંદ મિલના જનરલ મૅનેજરના પદ સુધી પહોંચ્યા.

મનુભાઈ ડી. શાહ

આ પદ ઉપરથી નવેમ્બર 1982ના અંતમાં ગ્રાહક સુરક્ષાના કાર્યમાં પૂર્ણ સમય ફાળવવાના હેતુથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. દરમિયાન 1962-69ના ગાળામાં અમદાવાદની અશોક મિલના જનરલ મૅનેજરપદે પણ કામ કર્યું હતું, જ્યાં 1960-62ના ગાળામાં ફૅક્ટરી મૅનેજરનો હોદ્દો, 1956-60ના ગાળામાં અરવિંદ મિલના લીગલ ઑફિસરનો હોદ્દો તથા 1955-56 દરમિયાન તે જ મિલમાં લેબર ઑફિસરનો હોદ્દો ગ્રહણ કર્યો હતો. આમ 1952-82ના ત્રણ દાયકામાં અમદાવાદની કાપડ-મિલોના સંચાલનનો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. તેમણે અત્યાર સુધી(2005)માં 19 જેટલી કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની કે સામાજિક સંસ્થાઓની વિવિધ સમિતિઓ પર સભ્ય તરીકે સક્રિય કામ કર્યું છે. આ ઉપરાંત, તેમણે પાંચ જેટલી સંસ્થાઓનાં સંચાલકમંડળોમાં ગવર્નર/ડિરેક્ટર તરીકે પણ કામ કરી અવેતન સેવા આપવાનો ઉત્તમ નમૂનો પ્રસ્તુત કર્યો છે. આ પાંચ સંસ્થાઓમાં અમદાવાદ ખાતેની વિશ્વવિખ્યાત કન્ઝ્યૂમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ (CERC) સંસ્થાના ચૅરમેન ઇમેરિટસ, શ્રમજીવી ફાઉન્ડેશનના ટ્રસ્ટી, અમદાવાદની જાણીતી ‘ટૉર્ચ’ (ટેસ્ટિંગ ઑર્ગેનાઇઝેશન ફૉર રિસર્ચ ઇન કેમિકલ્સ ઍન્ડ હેલ્થ હૅઝર્ડ્ઝ)ના ટ્રસ્ટી, અરવલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, જોધપુરના સંચાલક મંડળના સભ્ય તથા પબ્લિક અફેર્સ, બૅંગાલુરુના નિયામક મંડળના સભ્યપદનો સમાવેશ થાય છે. તે પૂર્વે તેમણે નવ જેટલી સંસ્થાઓ તથા સંગઠનોના વિવિધ હોદ્દાઓ પર સેવાઓ આપેલી, જેમાં બૉર્ડ ઑવ્ જનરલ ઇન્સ્યૂરન્સ કૉર્પોરેશન ઑવ્ ઇન્ડિયા, મુંબઈ; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ; અમદાવાદ (IIMA), અમદાવાદ સ્ટૉક એક્સચેન્જ; ભારત સરકાર હેઠળના નૅશનલ ડિપૉઝિટરી સિસ્ટિમનું વર્કિંગ ગ્રૂપ; કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઍક્ટમાં સુધારા-વધારા સૂચવવા માટે રચાયેલ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલ; મિનિસ્ટ્રી ઑવ્ કન્ઝ્યૂમર અફેર્સની સલાહકાર સમિતિ તથા ભારત સરકારની 1991માં દાખલ કરવામાં આવેલ ઉદારીકરણની નીતિના સંદર્ભમાં કાપડઉદ્યોગને લગતા કાયદાઓમાં સુધારા સૂચવવા માટે રચાયેલી સલાહકાર સમિતિનો સમાવેશ થાય છે.

વર્ષ 2005માં તેઓ ઉચ્ચ કક્ષાની ચાર શૈક્ષણિક સંસ્થાઓમાં મુલાકાતી પ્રાધ્યાપકના પદ પર અધ્યાપન કરી રહ્યા છે; જેમાં અરવલ્લી ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, જોધપુર; ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદ, લાલબહાદુર શાસ્ત્રી નૅશનલ અકાદમી ઑવ્ પબ્લિક એડ્મિન્સ્ટ્રેશન, મસૂરી (ઉ.પ્ર.) તથા હૈદરાબાદ ખાતેની સુપ્રતિષ્ઠિત એડ્મિનિસ્ટ્રેટિવ સ્ટાફ કૉલેજ ઑવ્ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

તેમણે વિશ્વના 37 જેટલા દેશોનો પ્રવાસ ખેડ્યો છે; જેમાં યુરોપ ખંડના લગભગ બધા જ મહત્વના દેશો ઉપરાંત અમેરિકા, કૅનેડા, જાપાન, ઑસ્ટ્રેલિયા, રશિયા, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ન્યૂઝીલૅન્ડ અને ઇજિપ્તનો સમાવેશ થાય છે.

મનુભાઈ શાહને વર્ષ 2005 સુધી વ્યક્તિગત પાંચ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડો એનાયત થયા છે. તેમાં ચેન્નાઈ રોટરી ક્લબનો પૉલ હૅરિસ ઍવૉર્ડ; ઑલ ઇન્ડિયા કૉન્ફરન્સ ઑવ્ ઇંટલેક્ચ્યુઅલ્સનો ‘ધ ગ્રેટ સન ઑવ્ ધ સૉઇલ’ ઍવૉર્ડ; કન્ઝ્યૂમર કો-ઑર્ડિનેશન કાઉન્સિલ, નવી દિલ્હી દ્વારા લાઇફ ટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ; રોટરી ક્લબ ઑવ્ અમદાવાદ દ્વારા કન્ઝ્યૂમર ઍક્ટિવિટી ક્ષેત્રમાં અત્યંત નોંધપાત્ર કામગીરી બદલનો પ્રશંસા ઍવૉર્ડ તથા ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑવ્ એજ્યુકેટર્સ ફૉર વર્લ્ડ-પીસ (IAEWP), અમેરિકા; કૉમનવેલ્થ ઍસોસિયેશન ફૉર ધ ઍસોસિયેશન ઍન્ડ ટ્રેનિંગ ઑવ્ ઍડલ્ટ્સ (CAETA), યુનાઇટેડ કિંગ્ડમ; ધ ગ્લોબલ ઓપન યુનિવર્સિટી, મિલાન તથા ભારતની કેટલીક સંસ્થાઓ દ્વારા એનાયત થયેલ જ્હૉન એફ. કૅનડી ઍવૉર્ડનો પણ સમાવેશ થાય છે.

મનુભાઈ શાહને ઉપર દર્શાવેલ વ્યક્તિગત ઍવૉર્ડ મળવા ઉપરાંત તેમની પહેલ અને માર્ગદર્શન દ્વારા અમદાવાદમાં ઑગસ્ટ 1978માં સ્થાપવામાં આવેલ અને અત્યાર સુધી (2005) કામ કરી રહેલ વિશ્વખ્યાત કન્ઝ્યૂમર એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરને ગ્રાહક સુરક્ષાના ક્ષેત્રમાં શકવર્તી યોગદાન માટે ભારત સરકાર તરફથી પચાસ હજાર રૂપિયાનું પ્રથમ પારિતોષિક તથા તેવા જ કાર્ય માટે પ્રવીણચંદ્ર ગાંધી ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયેલ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે