શાહ, અબ્દુલ કરીમ (. 1536, મટિયારી, સિંધ; . 1624) : કાઝી કદાન પછીના સિંધીના બીજા જાણીતા મુખ્ય સંત કવિ. તેઓ જાણીતા સૈયદ હૈદરના સાતમા વંશજ હતા. તેઓ બાળપણથી સમા(સંગીત જલસા)માં ખૂબ રસ લેતા, જ્યાં સૂફી ગીતો સાદા ગામઠી સંગીત સાથે ગવાતાં. તે ગીતોની તેમના વિચારો અને લાગણીઓ પર ઊંડી અસર પડી. સમય જતાં સમા પ્રત્યેનું તેમનું આકર્ષણ વધતું ગયું.

તેમના મોટાભાઈ સૈયદ જલાલ શાહ કરીમ તેમનો અભ્યાસ પૂરો કરે તેમ ઇચ્છતા હતા. તેથી એક વાર જલસામાંથી ઉઠાડી ઘેર લાવ્યા અને સખત શિક્ષા કરી તે દિવસથી શાહ કરીમ કાવ્યરચના તરફ વળ્યા. તેમણે સિંધી કાવ્યપરંપરાના વિકાસ માટે 92 બેતો રચી, જે હાલ ‘કરીમ જો કલામ’ના નામે ઉપલબ્ધ છે. તે સિંધી સાહિત્યનો અમૂલ્ય વારસો ગણાય છે.

પીર-ફકીરોની સોબતમાં રહ્યા બાદ મજહૂમ નોખઅલી અલરહેમ પાસેથી તેમણે સંગીતની પ્રેરણા લીધી અને સૈયદ ઇબ્રાહીમ શાહ બિહારી પાસેથી આધ્યાત્મિક જ્ઞાન મેળવ્યું. તેમની સમગ્ર કાવ્યરચનાઓ રહસ્યવાદી વિચારધારાથી સમૃદ્ધ છે. તેમાં ઇરાકના સૂફી કવિઓ બાયજેદ બસ્તામી અને જુનીદ બગદાદીનો પ્રભાવ વરતાય છે. શરૂઆતમાં તેમાં ઇસ્લામી સૂફીવાદની અસર જોવા મળી પણ પાછળથી ભારતીય છંદ:શાસ્ત્ર પર આધારિત હિંદી ભક્તિકાલીન કાવ્યધારાનો ઘેરો પ્રભાવ તેમાં વ્યક્ત થાય છે. તેમણે નિજ સિંધી દેશજ કથાઓને પોતાનાં કાવ્યોમાં સુંદર રીતે વણી લીધી છે તથા આધ્યાત્મિક વળાંક આપ્યો છે. શાહ કરીમે દોહા અને સોરઠામાં અદ્વૈતવાદનું સમર્થન કર્યું હતું. તેમની કેટલીક સૂફી રચનાઓ પર સંત કબીર અને દાદુ દયાલનો પ્રભાવ જોવા મળે છે.

તેઓ રોજિંદા કાર્ય દરમિયાન ઈશ્વરસ્મરણ કર્યા કરતા. તેમની કાવ્યરચના દ્વારા થતી જૂજ આવક્ધો કારણે ગુજરાનનો પ્રશ્ર્ન સતાવતો હતો. છતાં તેમના અર્ધભૂખ્યા પરિવારે સંયમપૂર્વક સંતોષ અને સુખથી સ્વમાનપૂર્વક ‘ફકીરી’ અપનાવી હતી. આમ, તેમના બેતોમાં તેમણે ભક્તિ અને કર્મનો સંદેશ આપ્યો છે.

જયંત રેલવાણી