શાહી પસંદગી (imperial preference)

January, 2006

શાહી પસંદગી (imperial preference) : ઓગણીસમી સદીનાં અંતિમ વર્ષોથી શરૂ કરીને વીસમી સદીના પ્રથમ ચાર દસકા દરમિયાન ઇંગ્લૅન્ડના સામ્રાજ્યના દેશોએ સામ્રાજ્યના વેપારને વિસ્તારવા માટે અપનાવેલી વેપારનીતિ. બ્રિટિશ સામ્રાજ્યના દેશો વચ્ચેના વેપારને વિસ્તારવાની અને સુદૃઢ કરવાની દિશામાં 1897થી પગલાં ભરવાની શરૂઆત થયેલી. એ વર્ષે કૅનેડાએ ઇંગ્લૅન્ડથી થતી આયાતો પરની જકાતમાં ઘટાડો કર્યો હતો. તેના બીજા વર્ષે કૅનેડાએ તેમાં વિશેષ ઘટાડો કર્યો અને ઇંગ્લૅન્ડમાંથી થતી આયાતો પરની જકાત ચોથા ભાગની કરી નાખી. કૅનેડાનું આ એકતરફી પગલું હતું, એટલે કે ઇંગ્લૅન્ડે તેના જવાબ રૂપે કૅનેડામાંથી થતી આયાતો પરની જકાતોમાં કોઈ ઘટાડો કર્યો ન હતો. બ્રિટિશ સામ્રાજ્યના અન્ય દેશોને કૅનેડાએ જકાતઘટાડાનો શરતી લાભ આપ્યો હતો, એટલે કે અન્ય જે દેશ કૅનેડામાંથી થતી આયાતો પરની જકાત ઘટાડે તેને કૅનેડા જકાત-ઘટાડાનો લાભ આપતું.

1902માં મળેલી કૉલોનિયલ કૉન્ફરન્સમાં બ્રિટિશ સામ્રાજ્યના બધા દેશો શાહી પસંદગીની નીતિ અપનાવે એવો ઠરાવ કરવામાં આવ્યો. એ ઠરાવ પ્રમાણે ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકાએ 1903માં અને ઑસ્ટ્રેલિયાએ 1907માં ઇંગ્લૅન્ડમાંથી થતી આયાતો પરની જકાતોમાં ઘટાડો કર્યો. આ દેશોને એવી અપેક્ષા હતી કે ઇંગ્લૅન્ડ પણ તેમને એવો જ વળતો લાભ આપશે; પરંતુ એ સમયે ઇંગ્લૅન્ડ મુક્ત વેપારની નીતિને વરેલું હતું અને તે એ નીતિનો ત્યાગ કરવા તૈયાર ન હતું. તેને સસ્તામાં સસ્તા બજારમાંથી અનાજ અને કાચો માલ ખરીદવામાં રસ હતો. સામ્રાજ્યના દેશોને લાભ આપવા માટે તેણે અન્ય દેશોમાંથી થતી એ ચીજોની આયાતો પર જકાત નાખવી પડે (અથવા કોઈક દાખલામાં આયાતજકાત વધારવી પડે.). ઇંગ્લૅન્ડે તેની નીતિનો ત્યાગ ન કર્યો, છતાં બ્રિટનના સાંસ્થાનિક સ્વરાજ ભોગવતા દેશોએ (dominions) તથા સંસ્થાનોએ (colonies) તેમની નીતિ ચાલુ રાખીને ઇંગ્લૅન્ડને લાભ આપવાનું જારી રાખ્યું. 1922માં એ શાહી પસંદગી સામ્રાજ્યના 26 દેશોમાં ચાલુ હતી. કેટલાક દાખલામાં એ લાભ ભારત તથા અન્ય દેશોને પણ આપવામાં આવ્યો હતો; તેમ છતાં શાહી પસંદગીનો લાભ મહદંશે ઇંગ્લૅન્ડને મળ્યો હતો. 1915 પછી સામ્રાજ્યના દેશોમાંથી આયાત થતી ચીજો પૈકી જૂજ ચીજોને ઇંગ્લૅન્ડે જકાતઘટાડાનો લાભ આપ્યો હતો. ઇંગ્લૅન્ડે 1932માં થયેલા ઓટાવા કરાર નીચે તેની મુક્ત વેપારની નીતિનો ત્યાગ કર્યો હતો.

ભારત શાહી પસંદગીમાં સામેલ થવા રાજી ન હતું. એનું એક કારણ રાજકીય અને એક આર્થિક હતું. વેપારની વૃદ્ધિ દ્વારા બ્રિટિશ સામ્રાજ્ય બળવાન બને તેમાં તેને રસ ન હતો; કેમ કે, સામ્રાજ્યના ગોરા દેશોમાં રંગભેદ ચાલુ જ હતો. આર્થિક રીતે તે ભારત માટે લાભદાયી ન હતું. 1903માં તે વખતની ભારત સરકારે એને અંગે આ મત વ્યક્ત કર્યો હતો : આર્થિક ષ્ટિએ ભારતે સામ્રાજ્યને ઝાઝું કંઈ આપવાનું નથી અને તેના બદલામાં તેને અલ્પ લાભ થાય ખરો, પરંતુ તેને ગુમાવવાનું ઝાઝું હતું. ભારત માટે અન્ય દેશોનાં બજારો વધારે મહત્વનાં હતાં. આ સ્થિતિમાં ભારત જો આયાતજકાતના ઘટાડાનો લાભ ઇંગ્લૅન્ડને આપે અને સામ્રાજ્ય બહારના અન્ય દેશોને એ લાભ ન આપે તો અન્ય દેશો ભારતમાંથી થતી આયાતો પર જકાત વધારવાનું વળતું પગલું ભરે એવું જોખમ ઘણું વધારે હતું.

ઓટાવા કરાર (Ottawa Agreement) : 1932ના જુલાઈ ઑગસ્ટમાં ઓટાવા ખાતે ઇમ્પીરિયલ ઈકૉનૉમિક કૉન્ફરન્સ મળી હતી. આ પરિષદમાં સામ્રાજ્યના દેશો વચ્ચે સંખ્યાબંધ વેપારી કરારો થયા. આ કરારો દ્વારા સામ્રાજ્યના દેશોએ પારસ્પરિક ધોરણે આયાતજકાતમાં ઘટાડો કર્યો. ભારતને શાહી પસંદગીની આ વ્યાપક યોજનામાં સામેલ થવું પડ્યું, જેના માટે તે ઉદાસીન રહ્યું હતું. ઓટાવા કરારનો અમલ કરવા માટે ભારતે 1932ના ડિસેમ્બરમાં જરૂરી કાયદો કર્યો અને 1933ના જાન્યુઆરીથી તેનો અમલ કર્યો. આ કાયદા દ્વારા ભારતે ઇંગ્લૅન્ડ સાથે થયેલી વેપાર સમજૂતીનો અમલ કર્યો.

રમેશ શાહ