વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા (. 1883, ગઢડા, સૌરાષ્ટ્ર; . 16 ડિસેમ્બર 1956) : પ્રખ્યાત વૈદ્ય. સૌરાષ્ટ્રનાં નાનકડા ‘સ્વામીના ગઢડા’ ગામના પેઢી દર પેઢી જેમને ત્યાં વૈદું ઊતરી આવતું, તેવા વિપ્ર પરિવારના વૈદ્ય નાનભટ્ટ ગઢડાવાળાને ત્યાં પ્રભાશંકરનો જન્મ થયેલો.

પ્રભાશંકર ગઢડાવાળા વૈદ્ય

સમર્થ વૈદ્ય નાનભટ્ટના લાડલા પુત્ર પ્રભાશંકર 18 વર્ષની વય સુધી સાવ અભણ હતા. એક વાર ગઢડા ગામની એક ડોશીએ રસ્તે જતા પ્રભાશંકરને અટકાવી, હાથમાં એક ટપાલ આપી કહ્યું, ‘આ પત્ર વાંચી દે ને દીકરા !’ ત્યારે પ્રભાશંકરે કહ્યું, ‘મા ! મને વાંચતાં નથી આવડતું.’ ત્યારે ડોશીએ તેને ટોણો મારતાં કહ્યું, ‘હાય, હાય, નાનભટ્ટ જેવા પંડિતનો આવડો મોટો દીકરો, કાગળેય વાંચી શકતો નથી ?’ તે ટકોરે વિદ્યાભ્યાસ માટેની અજબની લગની પ્રભાશંકરમાં જગાડી. તે પછી અભ્યાસ શરૂ કરીને આયુર્વેદના ક્ષેત્રમાં તેઓ પંડિત બન્યા. તે જમાનામાં તેઓ 14 ભાષાઓના જાણકાર થયા. તેમના ગઢડાના નિવાસસ્થાનમાં 14 ભાષાનાં 18 જેટલાં કબાટો ભરીને પુસ્તકો વસાવેલાં. આયુર્વેદ ઉપરાંત બીજી અનેક ચિકિત્સાપદ્ધતિઓથી ઍલૉપથી, હકીમી (યુનાની) અને હોમિયોપથીનો પણ ઊંડો અભ્યાસ કરેલો. જે સમયે 1 રૂ.માં 500 ગ્રામ ચોખ્ખું ઘી મળતું, તે સમયે તેમણે માત્ર વેદાન્ત અને વૈદકનાં બંગાળી ભાષામાં છપાયેલ 1 લાખ રૂપિયાનાં પુસ્તકો ખરીદેલાં. વૈદક ઉપરાંત તેઓ પોતાના કાકા ઇચ્છાશંકર તથા જગજીવનરામ બધેકા પાસેથી જ્યોતિષવિદ્યા શીખેલા અને વૈદકીય પ્રૅક્ટિસમાં તેનો ઉપયોગ કરતાં. ગઢડાની એક મસ્જિદના કાજી પાસેથી ઉર્દૂ અને ફારસી ભાષા શીખેલા અને એક ડૉક્ટર પાસેથી અંગ્રેજી ભાષા તથા એલૉપથી શીખેલા. તેઓ કાયમ રાતના 10થી સવારના 4 સુધી વિવિધ પુસ્તકો વાંચી, અભ્યાસ કરતા. તેમણે અધ્યાત્મ, ધાર્મિક ગ્રંથો તથા યોગવિદ્યાના ગ્રંથોનો અભ્યાસ કરી તે વિદ્યા પણ મેળવેલી. તેમને આયુર્વેદ અને જ્યોતિષવિદ્યા પર પૂર્ણ પ્રેમ અને શ્રદ્ધા હતા.

વૈદ્ય પ્રભાશંકરભાઈ ગઢડા તથા અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પ્રૅક્ટિસ કરતા અને તે સાથે આયુર્વેદની પાઠશાળા ચલાવી અનેક વિદ્યાર્થીઓને ઘેર રાખી વિદ્યાભ્યાસ કરાવતા. સૌરાષ્ટ્રનાં અનેક રાજા-રજવાડાંમાં તેઓ માન-પ્રેમથી ચિકિત્સા માટે જતા. જે સમયે નાના રાજાઓ પાસે પણ મોટરકાર નહોતી તે સમયે તેમને ત્યાં નવીનકોર મોટરકાર રહેતી. તેઓ રાજાશાહી ઠાઠમાઠથી રહેતા. માથે દેશી વૈદ્યને યોગ્ય સાફો બાંધતા અને ધોતી-કફની-લંબકોટ પહેરતા. તેમનો દેખાવ ખૂબ પ્રતિભાશાળી હતો. તેમણે અષ્ટાંગ આયુર્વેદનો પાકો અભ્યાસ કરેલો. તેમાં શલ્ય-શાલાક્ય (સર્જરી) તેમનો પ્રિય વિષય રહેલો. તેમણે ચિકિત્સાનો ખૂબ જ બહોળો અનુભવ પ્રાપ્ત કરેલો. જે જમાનામાં વાહનવ્યવહારનાં સાધનો આટલાં ઉપલબ્ધ નહોતાં, એ સમયે તેમણે આંખના મોતિયાનાં ‘કાઉચિંગ પદ્ધતિ’થી 1 લાખ જેટલાં સફળ ઑપરેશનો કરેલાં. પોતાનું આ જ્ઞાન તેમણે પોતાના અને પિતાના શિષ્યો(જેવા કે શેખ પીપરિયાવાળા, મણિભાઈ વૈદ્ય વગેરે)ને આપેલું. તેઓ પણ તેમની જ પદ્ધતિથી મોતિયો ઉતારતા અને પ્રભાશંકરભાઈની જેમ જ સામ-નિરામ અવસ્થાને સમજી આંખના અન્ય રોગોની પણ સારવાર ઔષધ તથા ઑપરેશન દ્વારા કરતા. વૈદ્યરાજ પ્રભાશંકરભાઈ બૉન ફ્રેક્ચર(અસ્થિભગ્ન)માં પણ નિષ્ણાત હતા. તેઓ જાતે તૂટેલાં હાડકાં બેસાડી દેતા અને દર્દીને પછી માત્ર તેમનો પાટો બાંધીને, અન્ય દવાઓ આપી, તૂટેલું હાડકું સાંધી દેતા. જે સમયે ગામડાં અને શહેરોમાં આયુર્વેદનું કશું જોર નહોતું  પ્રસાર નહોતો એવા સમયે તેમણે પિતા નાનભટ્ટની નીતિ અપનાવી શુદ્ધ આયુર્વેદની પોતાની વિદ્યા, જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરી એવી હવા ઊભી કરી કે લોકો તેમના નામથી અંજાઈ જતાં. તેમણે માંદાને લાંઘણ (ઉપવાસ), સાજાને શિવા (હરડે) અને રોગી માટે સામ-નિરામ અવસ્થા જોઈ ચિકિત્સા કરવાનો સિદ્ધાંત સ્થાપી, આયુર્વેદની નાડ પરખી અનેક વૈદ્યો પેદા કરી, ગુજરાતમાં આયુર્વેદના પ્રસાર-પ્રચાર અને પ્રતિષ્ઠાનું સંગીન કાર્ય કર્યું. હર્નિયા, ભગંદર, હરસ જેવાં દર્દોમાં તેઓ જાતે સર્જરી કરી રોગ મટાડતા. તેથી પ્રભાવિત થઈ મહારાષ્ટ્રના રાષ્ટ્રીય નેતા બાળગંગાધર લોકમાન્ય ટિળકે પુણેમાં ભરીસભામાં તેમનું સન્માન કરતાં ‘અભિનવ-સુશ્રુત’નું બિરુદ આપેલું.

અમદાવાદ અને ગઢડામાં તેઓ પોતાની પાઠશાળા ચલાવી આયુર્વેદના શિષ્યો તૈયાર કરતા. જે સમયે ગુજરાતમાં એક પણ આયુર્વેદ કૉલેજ નહોતી એ સમયે ઝંડુ ભટ્ટજી, પ્રભાશંકર વૈદ્ય તથા એવા અન્ય સમર્થ વૈદ્યો પોતાની ગુરુપરંપરાગત પાઠશાળા ચલાવી, વૈદ્યો તૈયાર કરી આયુર્વેદને જીવંત રાખતા. આ પાઠશાળામાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે ‘યોગશતક’, ‘વૈદ્યજીવન’, ‘મદનપાલ નિઘંટુ’; બીજા વર્ષે લઘુત્રયી (‘માધવનિદાન’, ‘શારંગધર’ ને ‘ભાવપ્રકાશ’); ત્રીજા વર્ષે ‘ભૈષજ્યરત્નાવલી’, ‘ચક્રદત્ત’ ને ‘હરિતસંહિતા’; ચોથા વર્ષે ‘વાગ્ભટ્ટ’, ‘સુશ્રુત’ અને ‘ચરકસંહિતા’ અને પાંચમા વર્ષે ‘બૃ. નિઘંટુરત્નાકર’ (1થી 8 ભાગ), ‘રસરત્ન સમુચ્ચય’, ‘અમૃતસાગર’, ‘પથ્યાપથ્ય’ તથા ‘યોગશતક’ ગ્રંથપ્રણાલીથી શીખવાતા. વિદ્યા અને વિદ્યાર્થીઓ પ્રત્યે તેમને અપૂર્વ પ્રેમ હતો. તેઓ વિદ્યાર્થી પાસેથી શિક્ષણ-ફી કદીય ન લેતા અને શિષ્યને પોતાના ઘેર રાખતા અને જમાડતા. ‘ભાઈ ! તારે પાંચ (વૈદ્ય) વિદ્યાર્થીને તૈયાર કરવાના. દીવે દીવો ચેતવવો.’ ગુરુ અને શિષ્ય વચ્ચે પિતા અને પુત્ર જેવો તેઓ સ્નેહાળ સંબંધ રાખતા.

તેઓ એક ઉત્તમ શિક્ષક કે ગુરુ હતા. વિદ્યાર્થીઓ અને દર્દીઓ પ્રત્યે તેમનું વાત્સલ્ય સદા ઊભરાતું. ભણાવતી વખતે તેઓ ખૂબ જ એકાગ્ર થઈ જઈ શબ્દોનાં અર્થ અને મર્મ વિદ્યાર્થીને સમજાવતા. એક વાર જામનગરની આયુર્વેદ કૉલેજના ડૉ. પ્રાણજીવન મહેતાના ખાસ આગ્રહથી તેઓ વૈદ્યોના છ માસના (રિફ્રેશર કૉર્સ) અભ્યાસક્રમમાં શિક્ષક તરીકે પોતાના જ્ઞાનનો લાભ વૈદ્યોને આપવા ગયેલા. એ જૂના જમાનામાં જ્યારે 1 રૂપિયામાં એક દિવસનો ખાવાનો ઘરખર્ચ નીકળી જતો, તેવા સમયે પ્રભાશંકરજી પોતાની સાથે 5થી 6 શિષ્યો રાખીને રૂ. 750નો પ્રવાસ-ખર્ચ કરીને જામનગર ગયેલા. ત્યાં તેમણે પોતાના જમવાનો ખર્ચ જાતે જ ઉપાડેલો અને મુસાફરી ભાડાના પૈસા પણ સંસ્થા પાસેથી નહિ લીધેલા. તેઓ 12 દિવસ સુધી જામનગરમાં રહેલા અને વૈદ્યોને આયુર્વેદનું જ્ઞાન દરરોજ બપોરે 3થી સાંજના 6 સુધી કે રાતે 9થી 11 સુધી આપતા. પાછા ફરતી વખતે તેમણે ભણવા આવેલા બધા વિદ્યાર્થીઓને પોતાના ખર્ચે જમાડેલા અને પછી દરેક વિદ્યાર્થીને ‘ચિકિત્સાકલિકા’નું પુસ્તક ભેટ આપેલું. ડૉ. પ્રાણજીવન મહેતા જેવા આયુર્વેદ કૉલેજના અધિષ્ઠાતા દરરોજ સાંજે તેમની પાસે આવી સત્સંગ કરતા અને તેમના જ્ઞાનનો લાભ લેતા.

આયુર્વેદ અને વિદ્યાની તેમની લગની અદ્ભુત હતી. સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ ભિક્ષુ અખંડાનંદજી તેમના જ્ઞાનથી ખૂબ પ્રભાવિત થયેલા. તેમના દ્વારા તેમણે ‘સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય’ દ્વારા આયુર્વેદના અનેક સસ્તા ગ્રંથો ગુજરાતી ભાષામાં છપાવડાવેલા, જેથી ગુજરાતમાં આયુર્વેદને ઘણું પ્રોત્સાહન તથા પીઠબળ મળેલું. એક વાર તેમને ગંભીર રોગ થયેલો, ત્યારે રોગ શમન માટે તેમણે 28 ઉપવાસ (લંઘન) કરેલા. 28મા દિવસે તેમણે ‘સસ્તું સાહિત્ય વર્ધક’માંથી પોતે જેને ખૂબ મહત્વની ઉપયોગી પુસ્તિકા ગણતા તે ‘જ્ઞાનભૈષજ્યમંજરી’ તથા ‘બાલબોધોદય’ પુસ્તકોની 500-500 નકલો મંગાવી પોતાના શિષ્યો અને પરિચિતોમાં મફત વહેંચેલી. તે સમયે તેમણે કહેલું, ‘કદાચ હું મરી જાઉં, તો આ પુસ્તકમાં આપેલા સિદ્ધ પ્રયોગો વૈદ્યો સમાજમાં કરશે, તોયે તેઓ રળી ખાશે અને તેમને વ્યવસાયમાં કશી મુશ્કેલી નહિ પડે.’

તેઓ નાના-મોટા દરેક વૈદ્યને એકસરખી રીતે ચાહતા અને વૈદ્ય માત્ર માટે ગૌરવ અનુભવતા. દરેક વૈદ્યને પોતાનો ગણી, જો તે ભીડમાં હોય તો તેની વહારે ધાતા. તેઓ કહેતા : ‘મારા વૈદ્યને દુ:ખ ન પડવું જોઈએ.’

વૈદ્યશ્રી પ્રભાશંકરને ભગવાન શંકર તથા આદિ શંકરાચાર્ય ઉપર ઘણી પ્રીતિ અને શ્રદ્ધા હતી. તેમણે પોતે શ્રીમદ્ભાગવત તથા યોગવિદ્યાનો અભ્યાસ કરેલો. તેઓ માનતા કે વૈદ્યે એક નહિ; જ્યોતિષ, ન્યાય, દર્શન, ધર્મ જેવા અન્ય વિષયોનું જ્ઞાન પણ મેળવવું જોઈએ.

સને 1940થી 1956 દરમિયાન તેમણે ઘણા સમર્થ વૈદ્યોની ગુજરાતને ભેટ આપી છે. તેમના અંતેવાસી શિષ્ય થઈ વૈદ્ય બનેલાઓમાં મુખ્ય હતા : અમદાવાદના વૈદ્ય રસિકભાઈ પરીખ. તે ઉપરાંત ડૉ. રંગનાથ ધારેખાન, કાળુભાઈ વૈદ્ય, સોમાભાઈ ઈશ્વરભાઈ પટેલ (અમદાવાદ), વૈદ્ય મનસુખભાઈ, વૈદ્ય હીરાભાઈ, દયાશંકરભાઈ, ભગુભાઈ, વૈદ્ય શાંતિભાઈ (લુણાવાડા), વૈદ્ય બિહારીલાલ શર્મા (નવસારી-મુંબઈ), વૈદ્ય ત્ર્યંબકભાઈ જોશી (ભરૂચ), વૈદ્ય પ્રભાશંકર નરોત્તમ રાવળ (નડિયાદ), વૈદ્ય પ્રાણશંકર જગજીવનરામ બધેકા (ભાવનગર), વૈદ્ય પ્રજારામભાઈ રાવળ (વઢવાણ-ભાવનગર), ‘ગુરુ ચરણે’ માસિકવાળા વૈદ્ય મનુભાઈ તેમજ આયુર્વેદના અનેક ગ્રંથોના અનુવાદક વિજયશંકર ધનશંકર મુનશી – આ બધા આયુર્વેદના પ્રખર સમર્થકો તરીકે પ્રસિદ્ધ થયેલા.

ગુજરાતમાં શુદ્ધ આયુર્વેદના યુગપ્રવર્તક રાજવૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા 73 વર્ષની વયે પોતાની પાછળ કનુભાઈ નામે પુત્ર મૂકીને અવસાન પામેલા. શુદ્ધ આયુર્વેદના સમર્થ ઉપાસક આ ગુરુએ તૈયાર કરેલા શિષ્ય વૈદ્યોની આજે બીજીત્રીજી પેઢી તેમની પદ્ધતિએ આયુર્વેદની સેવા કરી રહી છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા