વિશ્વનાથ રેડી, કેતુ (. 10 જુલાઈ 1939, રંગસાંઈપુરમ્, જિ. કડપ્પા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર. શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાંથી એમ.એ., પીએચ.ડી. અધ્યાપનની કારકિર્દી પછી ડૉ. બી. આર. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી તેલુગુ સ્ટડીઝના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત. હાલ લેખનની સ્વતંત્ર કારકિર્દી.

તેઓ એ. પી. પ્રોગ્રેસિવ રાઇટર્સ યુનિયનના અધ્યક્ષ (1996); તેલુગુ અકાદમીના સંપાદક મંડળના સભ્ય (1987-89); નવલકથાના ત્રૈમાસિક ‘રચના’ના સલાહકાર તંત્રી (1995) તરીકે રહ્યા.

તેમને ‘આંધ્ર પત્રિકા’ (સાપ્તાહિક) ઍવૉર્ડ (1971), ‘સ્વાતિ’ (માસિક) ઍવૉર્ડ (1978), તેલુગુ યુનિવર્સિટી ઍવૉર્ડ (1994), ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ તથા કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1996) વગેરે ઍવૉર્ડ મળેલા છે.

તેમનાં પ્રકાશનોમાં ‘જપ્તુ’ (1974), ‘કેતુ વિશ્વનાથ રેડી કથાલુ’ (1991), ‘ઇચ્છાગ્નિ’ (1996) એ વાર્તાસંગ્રહો, ‘વેર્લુ’ (1994), ‘બોધિ’ (1994) એ બે નવલકથાઓ; ‘યડુવુ’ (1994) એ વાર્તાસંપાદન મુખ્ય છે. ‘કુટુમ્બરાવ સાહિત્યમ્’ના 13 ગ્રંથો તથા ટૂંકી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો તેમજ વિવિધ યુનિવર્સિટીઓ માટે શૈક્ષણિક સામગ્રીના અનેક ગ્રંથોનું તેમણે સંપાદન કર્યું છે. વળી અંગ્રેજીમાંથી અનેક કૃતિઓનું તેમણે તેલુગુમાં ભાષાંતર કર્યું.

મહેશ ચોકસી