વિવિયન રિચાર્ડ્ઝ (. 7 માર્ચ 1952, સેંટ જૉન્સ ઍન્ટિગુઆ, વેસ્ટ ઇંડિઝ) : ઍન્ટિગુઆના ક્રિકેટ-ખેલાડી. તેઓ શક્તિશાળી અને ભયપ્રેરક બૅટધર હતા; 1970 અને 1980ના દાયકાઓમાં વર્ષો સુધી વિશ્વના ઉત્તમ ખેલાડી બની રહ્યા. તેઓ ઉપયોગી મીડિયમ-પેસ તથા ઑવ્ બ્રેક ગોલંદાજ પણ હતા.

ડિસેમ્બર 1974માં ભારત સામેની બીજી ટેસ્ટમાં 192 (અણનમ) રન નોંધાવી તેમણે ટેસ્ટ ક્રિકેટમાં જોરદાર પ્રવેશ કર્યો. 1976માં એક જ કૅલેન્ડર વર્ષમાં 1,710 રન નોંધાવી (સરેરાશ 90.00) તેમણે વિશ્વવિક્રમ સ્થાપ્યો; તેમાં ઇંગ્લૅન્ડ સામેની 4 ટેસ્ટમાં 118.42ની સરેરાશથી નોંધાવેલા 829 રનનો સમાવેશ થાય છે. તેમણે વેસ્ટ ઇંડિઝની અત્યંત શક્તિશાળી ટીમનું નેતૃત્વ કરીને 50 ટેસ્ટમાં 27 વખત વિજય અપાવ્યો (1980થી 1991) અને અનેક વાર ઝમકદાર અને આક્રમક રમત પણ દેખાડી.

1979ની વિશ્વકપની અંતિમ સ્પર્ધામાં તેમણે 138 (અણનમ)  રન નોંધાવી મૅચમાં જીત અપાવી. 1984માં ઓલ્ડ ટ્રૅફૉર્ડ ખાતે, તેમણે 189 (અણનમ) રન નોંધાવ્યા અને એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચમાં આ એક સર્વોચ્ચ જુમલો બની રહ્યો. આ હકીકત એટલા માટે વિશેષ નોંધપાત્ર છે કે એક તબક્કે 102 રનમાં 7 વિકેટ ગુમાવીને વેસ્ટ ઇંડિઝ હારના પંથે હતું. 1986માં ઍન્ટિગુઆમાં ઇંગ્લૅન્ડ સામે સનસનાટી મચાવીને 110 (અણનમ) રન નોંધાવ્યા, જેમાં કેવળ 56 દડામાં તેમણે 100 રન નોંધાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં આ સૌથી ઝડપી રન બની રહ્યા. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે વેસ્ટ ઇંડિઝ માટે વિક્રમજનક સંખ્યામાં રન નોંધાવ્યા અને એક સમયે તેઓ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચોના અગ્રેસર રન-સ્કોરર હતા.

તેમનો કારકિર્દી-આલેખ નીચે પ્રમાણે છે :

(1) 1974-91 : 121 ટેસ્ટ; 50.23ની સરેરાશથી 8,540 રન; 24 સદી; સૌથી વધુ જુમલો 291; 61.37ની સરેરાશથી 32 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 2-17; 122 કૅચ.

(2) 187 એકદિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ : 47.00ની સરેરાશથી 6,721 રન; 11 સદી; સૌથી વધુ જુમલો 189 (અણનમ); 35.83ની સરેરાશથી 118 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 6-41; 101 કૅચ.

(3) પ્રથમ કક્ષાની મૅચ 1972-92 : 49.40ની સરેરાશથી 34,977 રન; 112 સદી; સૌથી વધુ જુમલો 322; 44.90ની સરેરાશથી 219 વિકેટ; ઉત્તમ ગોલંદાજી 5-88; 447 કૅચ; 1 સ્ટમ્પિંગ.

મહેશ ચોકસી