વિલ્કિન્સ ચાર્લ્સ (. . 1798, ન્યૂયૉર્ક, યુ. એસ.; . 1877) : અમેરિકન નૌકા-અધિકારી અને પ્રસિદ્ધ દરિયાઈ પુરાવિદ. ચાર્લ્સે અભ્યાસ પૂર્ણ કરી અમેરિકાના નૌકાખાતામાં સામાન્ય અધિકારી તરીકે (1818) કારકિર્દીની શરૂઆત કરી. ક્રમશ: બઢતી મેળવતા જતાં ઈ. સ. 1830માં નવી શરૂ કરાયેલ દરિયાઈ વેધશાળાના પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ અમેરિકન સરકાર દ્વારા અપાયેલ સૂચના મુજબ 1839-42 દરમિયાન અમેરિકાના ઉત્તર-પશ્ચિમ દરિયાઈ તટ અને એન્ટાર્ક્ટિકાના કાંઠા(જે પછીથી Wilkes Land તરીકે ઓળખાય છે)નું નિરીક્ષણ-સંશોધન કરી લગભગ 300 જેટલાં પૅસિફિક ટાપુઓનાં માનચિત્રો (charts) તૈયાર કર્યાં. આ પછીથી એમણે જહાજ દ્વારા પૃથ્વીની પરિક્રમા કરી; પાછા ફરી પાંચ ખંડમાં ‘Narrative of the United States Exploring Expendition’ (A. D. 1844) પ્રસિદ્ધ કર્યું, જે એમની આ ક્ષેત્રની મહત્વની કૃતિ મનાય છે. આ ઉપરાંત એમણે ઘણાબધા દરિયાઈ વૈજ્ઞાનિક-સંશોધન-ગ્રંથોનાં સંપાદન પણ કરેલાં. ઈ. સ. 1864માં રિયર ઍડ્મિરલ-પદેથી નિવૃત્ત થઈ શેષ જીવન અમેરિકન દરિયાઈ-કિનારા વિશેના અધ્યયન-સંશોધનમાં પસાર કર્યું.

હસમુખ વ્યાસ