વિદુર : ‘મહાભારત’ મહાકાવ્યમાં કૌરવોના મંત્રીનું પાત્ર. મહાન નીતિવિદ ને ધર્માત્મા. કૌરવોના મંત્રી. વિચિત્રવીર્યની રાણી અંબિકાની દાસીથી જન્મેલા કૃષ્ણ દ્વૈપાયનના ઔરસ પુત્ર તથા ધૃતરાષ્ટ્ર અને પાંડુના નાના ભાઈ. માતા સત્યવતીની આજ્ઞાથી વ્યાસજીના અંબિકા અને અંબાલિકા સાથેના સંબંધથી જન્મેલ પુત્રો – અંધ ધૃતરાષ્ટ્ર અને રોગિષ્ઠ પાંડુ  રાજા થવા માટે અયોગ્ય હતા તેથી માતાએ અંબિકાને પુન:સંબંધ માટે વ્યાસ પાસે મોકલતાં, તેણે પોતાને સ્થાને દાસીને મોકલી, જેનાથી વિદુરનો જન્મ થયો હતો. તેઓ અત્યન્ત તેજસ્વી, વિદ્વાન, સુંદર અને બુદ્ધિમાન હતા. તેમના પ્રત્યે મોહવશ થયેલા વ્યાસજીએ શુકને પણ વિસારી દીધા હતા.

તેઓ ધર્મરાજ યમના અંશરૂપ હતા. નિર્દોષ એવા ઋષિ માંડવ્યને ભૂલથી શૂળી ઉપર ચઢાવ્યા હોઈ, તેમનાથી શાપિત એવા ધર્મરાજનો શૂદ્રયોનિમાં વિદુર રૂપે જન્મ થયો હતો. તત્કાલીન સમાજમાં માતૃપ્રધાન સમાજવ્યવસ્થા હોઈ અંબિકા, અંબાલિકા, કુન્તી વગેરેના પુત્રો  અનુક્રમે ધૃતરાષ્ટ્ર, પાંડુ, યુધિષ્ઠિર વગેરે  કુળવાન રાજપુત્રો તરીકેનું સમુચિત ગૌરવ પામ્યા; પરંતુ વિદુર એક દાસીપુત્ર હોઈને તે ગૌરવથી વંચિત રહ્યા. શૂદ્રયોનિમાં જન્મ હોવાથી તેમણે રાજ્ય મેળવવાનો અધિકાર પણ ગુમાવ્યો અને દાસીપુત્ર હોવાથી જ તેઓ ‘ક્ષત્તા’ તરીકે ઓળખાયા.

શૂદ્રયોનિમાં જન્મ પામ્યા છતાં તેમનું વલણ સદા ધર્મ તથા સત્ય તરફનું રહ્યું. તેઓ સાચા તત્વજ્ઞ ને શ્રેષ્ઠ રાજનીતિજ્ઞ હતા. સદાચરણ, નીતિ અને માનવતા દ્વારા સત્યની શોધ કરનાર તેઓ એક ધર્મપુરુષ હતા. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, યુધિષ્ઠિર વગેરેને અનેક પ્રસંગોએ તેમણે યોગ્ય સલાહસૂચનો કર્યાં છે. ધૃતરાષ્ટ્રને તેમણે સત્ય અને શાંતિના માર્ગનો બોધ કર્યો છે, જે ‘વિદુરનીતિ’ નામે પ્રસિદ્ધ છે. સત્ય પ્રતિ આગ્રહ અને ન્યાયપ્રિયતાની સાથે તેમનો વ્યવહાર સદૈવ સૌમ્ય રહ્યો છે ને તેથી જ ન ગમતી વાત કહેતા હોવા છતાં ધૃતરાષ્ટ્ર તેમના જીવનપર્યંત મિત્ર બની રહ્યા. રાજકાજના પ્રશ્ર્નોમાં ધૃતરાષ્ટ્ર હંમેશ વિદુરની સલાહ લેતા અને વિદુર પણ નીડર બની ધર્મ અને નીતિપૂર્ણ તથા સત્ય હોય તેવી જ સલાહ આપતા.

ન્યાયપરાયણ અને સત્યવાદી વિદુર સ્વાભાવિક રીતે જ પાંડવોના પક્ષકાર હતા. તેમના પ્રત્યેના અસીમ સ્નેહથી તેઓ સદૈવ તેમના હિતચિંતક બની રહ્યા. અનેક વખત તેઓ પાંડવોને સહાયભૂત થયા. લાક્ષાગૃહમાં પાંડવોને જીવતા બાળી નાખવાની દુર્યોધનની યોજના વિદુરની અગમચેતી અને સાવધતાને લીધે જ નિષ્ફળ ગઈ ને પાંડવો રક્ષાયા. દ્યૂતક્રીડાની યોજનાસમયે તેનાં દુષ્પરિણામોથી તેમણે ધૃતરાષ્ટ્રને સચેત કર્યા તથા તીવ્ર વિરોધ પણ કર્યો. દ્રૌપદીવસ્ત્રાહરણપ્રસંગે પ્રહલાદ-સુધન્વાનું આખ્યાન કહી, દ્રૌપદીના પ્રશ્ર્નોનો વિવેકપૂર્વક જવાબ આપવા ભીષ્મને પણ વીનવ્યા, પરંતુ દુર્યોધનની જીદ અને ધૃતરાષ્ટ્રની મોહવશ દુર્બળતાને લીધે તેમનો પ્રયાસ કારગત ન નીવડ્યો. પાંડવોના વનવાસ પછી પણ તેમને રાજ્યભાગ આપવા તથા રાજતૃષ્ણાનો અતિરેક ને કૌટુંબિક કલહ રાજકુળના નાશને નોંતરશે એ અંગે તેમણે ધૃતરાષ્ટ્રને સમજાવ્યા. શ્રીકૃષ્ણના દૂતકર્મપ્રસંગે તેમને કેદ કરવાની દુ:સાહસપૂર્ણ યોજનાને પણ તેમણે વખોડી. કૌરવ-પાંડવયુદ્ધ નિવારવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છતાં તેમાં નિષ્ફળ જતાં અતિ ઉદ્વિગ્ન થઈ, યુદ્ધથી વિમુખ બની તીર્થયાત્રા માટે નીકળી પડ્યા.

પ્રભાસક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ અંગે સમાચાર જાણ્યા ને ત્યાંથી યમુનાતટે જતાં ઉદ્ધવ દ્વારા શ્રીકૃષ્ણના મહાનિર્વાણ અંગેના સમાચાર પામ્યા. મૃત્યુ પહેલાં શ્રીકૃષ્ણે કહેલી ઉદ્ધવગીતા ગંગાદ્વારમાં મૈત્રેય પાસે તેમણે વારંવાર સાંભળી. આ મૈત્રેય-વિદુર-સંવાદ તત્વજ્ઞાનથી ભરપૂર છે.

યુદ્ધને અંતે યુધિષ્ઠિરે હસ્તિનાપુરની ગાદી પર બેઠા પછી રાજ્યવ્યવસ્થા ને મંત્રણાનિર્ણય અર્થે વિદુરને નિયુક્ત કર્યા હતા. પાંડવો સાથે તેઓ પંદર વર્ષ રહ્યા. ત્યારબાદ ધૃતરાષ્ટ્ર, ગાંધારી તથા કુંતીએ વનગમન કર્યું ત્યારે તેઓ તેમની સેવામાં રહ્યા હતા. ધૃતરાષ્ટ્રે તેમનો અંતિમ સમય ગંગાતટે તપશ્ચર્યામાં વિતાવ્યો. તે જોઈને વિદુરને સમગ્ર જીવન દરમિયાન પોતે કરેલ ઉપદેશ ચરિતાર્થ થતો જણાયો.

વિદુર પોતે પણ જીવનના અંતિમ તબક્કામાં ઘોર તપશ્ચર્યામાં રત રહેતા. જેમને મન તેઓ ગુરુ, માતા, પિતા, પાલક સર્વ કંઈ હતા, તે યુધિષ્ઠિર જ્યારે તેમને વનમાં મળવા ગયા ત્યારે તેઓ મોંમાં પથ્થરનો ટુકડો રાખીને રહેલા, જટાધારી, કૃશકાય, દિગંબર અવસ્થામાં ધૂળથી ખરડાયેલ શરીરવાળા હતા. અંતે વિદુરે યુધિષ્ઠિરની આંખોમાં આંખો પરોવી, પોતાનાં પ્રાણ ને ઇન્દ્રિયો યુધિષ્ઠિરનાં પ્રાણ અને ઇન્દ્રિયોમાં સ્થાપિત કર્યાં ને યોગબલથી તેઓ યુધિષ્ઠિરના દેહમાં સમાઈ ગયા.

માંડવ્ય ઋષિના શાપ અનુસાર સો વર્ષ પૂર્ણ થતાં જ તેમણે દેહત્યાગ કર્યો.

યુધિષ્ઠિર તેમના દાહસંસ્કાર કરવા જતા હતા ત્યારે આકાશવાણી થઈ કે, ‘વિદુર નામનું શરીર દાહસંસ્કારને યોગ્ય નથી. તેઓ સંન્યસ્ત ધર્મ પાળતા હતા. તેમને સાંતતિક લોકની પ્રાપ્તિ થશે.’

વિદુરે કહ્યું હતું કે, ‘જે રીતે પ્રજ્ઞાવાન મુનિનાં કોઈ પદચિહ્ન ભૂમિ પર નથી હોતાં એ જ પ્રકારના મૃત્યુની કામના હું મનમાં રાખું છું’. દાસીપુત્ર વિદુરે મેળવેલી આ સિદ્ધિ તેમનું ગૌરવ વધારનારી છે.

જાગૃતિ પંડ્યા