વિંધ્ય હારમાળા : ભારતના મધ્ય ભાગમાં ઊંચાણવાળો પ્રદેશ રચતી તૂટક હારમાળા. તે ગુજરાતની પૂર્વ દિશાએથી શરૂ થઈ, મધ્યપ્રદેશને વીંધીને ઉત્તરપ્રદેશના વારાણસી નજીક ગંગાની ખીણ પાસે અટકે છે. આ રીતે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી આ હારમાળાની લંબાઈ આશરે 1,086 કિમી. જેટલી છે. પશ્ચિમ તરફ તે માળવાના ઉચ્ચપ્રદેશની દક્ષિણ ધાર રચે છે; ત્યાંથી તે બે ફાંટાઓમાં વહેંચાઈ જાય છે : ઉત્તર તરફનો ફાંટો શોણ નદીની ઉત્તરેથી આગળ વધી ઝારખંડ રાજ્યના પશ્ચિમ ભાગ સુધી જાય છે; દક્ષિણ તરફનો બીજો ફાંટો શોણ અને નર્મદાની ખીણોની વચ્ચેના ભાગમાંથી પસાર થાય છે; આ બીજો ફાંટો અમરકંટકના પર્વતીય ઉચ્ચપ્રદેશમાં સાતપુડા હારમાળાને જઈ મળે છે.

વિંધ્ય હારમાળા આશરે 450થી 1,100 મીટરની ઊંચાઈએથી ચંબલ, બેતવા, કેન અને ટોન્સ નદીઓને જન્મ આપે છે. આ નદીઓ વિંધ્યના ઉત્તર ઢોળાવો પરથી શરૂ થઈ ગંગા-યમુના નદીરચનાને જઈ મળે છે. ક્ષૈતિજ વલણ ધરાવતા રેતીખડકોથી બનેલી અહીંની ટેકરીઓ સપાટ શિરોભાગવાળી હોવાથી ઉચ્ચપ્રદેશ માટેનું વિશિષ્ટ લક્ષણ પૂરું પાડે છે. બીજી સદીમાં થઈ ગયેલા ગ્રીક ભૂગોળવેત્તા ટૉલેમીએ તેને ઉત્તર ભારત અને દ્વીપકલ્પીય ભારત વચ્ચેનો સીમાસ્તંભ ગણાવ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા