વલ્લભ મેવાડો (ઈ.સ. અઢારમી સદીના પૂર્વાર્ધમાં હયાત) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જાણીતા ગરબાકવિ. કવિનાં જન્મવર્ષ ઈ. 1640 (સં. 1696, આસો સુદ 8) કે ઈ. 1700 અને અવસાનવર્ષ ઈ. 1751 બતાવવામાં આવે છે, પરંતુ તે માટે કોઈ ચોક્કસ આધાર નથી. કવિની એક રચનાની ર. ઈ. 1736 મળે છે. એટલે તેઓ ઈ. અઢારમી સદી પૂર્વાર્ધમાં હયાત હતા એ નિશ્ચિત છે. અમદાવાદ પાસેના નવાપુરાના તેઓ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ હતા. હરિ ભટ્ટ તેમના પિતાનું નામ હતું કે ભાઈનું તે સ્પષ્ટ થતું નથી. માતાનું નામ ફૂલકોર. એમણે સલખનપુરીની અનેક વાર યાત્રા કરેલી. માતાનાં મંદિરોમાં વલ્લભની સાથે જ જેનું નામ બોલાય છે તે ધોળા એમના ભાઈ અને કવિ હતા. વલ્લભ પોતે વૈષ્ણવ હતા અને પછીથી માતાના ભક્ત બનેલા એવી કિંવદંતી છે. તેઓ મુખ્યત્વે ગરબાકવિ હતા. કવિના લાંબા વર્ણનાત્મક ગરબા મુદ્રિત મળે છે. વિવિધ રાગઢાળમાં ને સહજ પ્રાસાદિક વાણીમાં જુદા જુદા વિષયના અનેક ગરબા એમણે રચ્યા છે. એમાં 61 કડીનો ‘અંબાજીના શણગારનો ગરબો’, 118 કડીનો ‘આનંદનો ગરબો’, 157 કડીનો ‘ધનુષધારીનો ગરબો’ (ર. ઈ. 1736/સં. 1792, અષાડ વદ 11), 73/75 કડીનો ‘મહાકાળીનો ગરબો’, 40 કડીનો ‘ગાગરનો ગરબો’ (મુ.) જેવા ગરબાઓમાં અંબા, બહુચર અને મહાકાળીનું મહિમાગાન છે. શક્તિ-ઉપાસનાના આ ગરબા એમાંના અલંકારવૈભવ, સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, પ્રાસઅનુપ્રાસની ગૂંથણી, નાટ્યાત્મક પ્રસંગનિરૂપણ, એમાં ગૂંથાયેલી શક્તિની ઉત્પત્તિ, શક્તિના અવતારો, દેવીના પૂજન-અર્ચનની વિગતો વગેરે તત્વોને લીધે જનસમાજમાં વિશેષ ધ્યાનાર્હ છે.

કવિએ 84 કડીનો ‘આંખમીંચામણાનો ગરબો/રાધિકાજીનો ગરબો’, 55 કડીનો ‘વ્રજવિયોગનો ગરબો / ઓધવજીને અરજ’, 43 કડીનો ‘સત્યભામાનો ગરબો’ વગેરે કૃષ્ણભક્તિવિષયક અને એ સિવાય 29 કડીનો ‘કજોડાનો/ગોરમાનો ગરબો’, 58 કડીનો ‘કળિકાળનો ગરબો’ જેવા ઐતિહાસિક-સામાજિક વિષયના ગરબાઓ પણ એમણે રચ્યા છે.

ગરબાઓ ઉપરાંત ‘રંગમાં રંગતાળી’, ‘રંગે રમે, આનંદે રમે’ જેવી લોકપ્રિય ગરબીઓ, મહિના, વાર, હોરી આરતી સ્વરૂપની કૃતિઓ તથા વિવિધ રાગનિર્દેશવાળાં શક્તિ અને કૃષ્ણભક્તિનાં ઘણાં પદો એમણે રચ્યાં છે. એમની કવિતા ‘વલ્લભભટ્ટની વાણી’(સંપા. મંજુલાલ મજમુદાર)માં સંગૃહીત થઈ છે.

કીર્તિદા શાહ