રોશનકુમારી : ભારતનાં નૃત્યાંગના. અંબાલાનાં મશહૂર પાર્શ્વગાયિકા ઝોહરાબેગમ તથા તબલા અને પખવાજ-વાદક ફકીર અહમદનાં પુત્રી રોશનકુમારીને કથક નૃત્ય શીખવા માટે બાળપણથી પ્રોત્સાહન મળ્યું. શરૂઆતમાં તેમને કે. એસ. મોરે અને પછી જયપુર ઘરાણાના પંડિત હનૂમાનપ્રસાદ અને ગુરુ સુંદરપ્રસાદ હેઠળ તાલીમ મળી. તે પછી પતિયાલાના ગુલામહુસેનખાંએ પણ તેમને પ્રશિક્ષણ આપ્યું.

કથક સાથે રાજરાજેશ્વરીના વિદ્વાન ગુરુઓ ગોવિંદરાજ પિલ્લૈ અને શ્રી મહાલિંગમ્ પિલ્લૈ પાસેથી રોશનકુમારીએ ભરતનાટ્યમની તાલીમ લીધી, પણ કથક પ્રત્યે વધુ લગાવ હોવાથી, ભરતનાટ્યમમાં સારી નિપુણતા મેળવી હોવા છતાં, કથકનો રિયાજ ચાલુ રાખ્યો.

1960–70 દરમિયાન તેમના પદન્યાસનાં ચોમેર વખાણ થવા લાગ્યાં અને દરેક સંગીત-નૃત્ય અધિવેશનમાં તેમને આમંત્રણ મળવા લાગ્યું. કોલકાતાની તાનસેન મ્યૂઝિક કૉન્ફરન્સ, ચેન્નઈ મ્યૂઝિક અકાદમી, અલ્લાહાબાદની પ્રયાગ સંગીત સમિતિ, ઇંદોરનો અભિનય કલાસમાજ, મથુરાનું સ્વામી હરિદાસ સંમેલન, હૈદરાબાદની ગવર્નમેન્ટકૉલેજ ઑવ્ મ્યૂઝિક ઍન્ડ ડાન્સ, દિલ્હીની ઇન્ડિયન કલ્ચર સોસાયટી જેવી કેટલીક અગ્રણી સંસ્થાઓમાં તેઓ નૃત્ય રજૂ કરી ખ્યાતિ પામ્યાં. 1960માં દેશના સાંસ્કૃતિક પ્રતિનિધિ તરીકે તેમને અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યાં હતાં. તેમના નૃત્યમાં તોડા ટુકડા ને પઢંત ઉપરાંત પંચમ-સવારી, આનંદ-તાંડવ અને કાલી-તાંડવને વિશેષ પ્રશંસા મળી.

1963ના અખિલ ભારતીય સંગીત સંમેલનમાં પ્રયાગ સંગીત સમિતિ દ્વારા તેમને ‘નૃત્યશિરોમણિ’ પુરસ્કાર આપવામાં આવ્યો. 1971માં તેમણે નૃત્યકલા અકાદમીની મુંબઈ ખાતે સ્થાપના કરી. 1976માં કેન્દ્રીય સંગીત નાટક અકાદમી દ્વારા તેમને પુરસ્કાર મળ્યો હતો અને સુરસિંગાર સંસદ દ્વારા 1977માં ‘નૃત્યવિલાસ’ની પદવી મળી. ભારત સરકાર દ્વારા ‘પદ્મશ્રી’થી પણ તેઓ પુરસ્કૃત છે.

પ્રકૃતિ કાશ્યપ