રેમૉસ-હૉટો જોસ (જ. 1950) : (અગ્નિ ઇન્ડોનેશિયા) પૂર્વ ટિમૉરના રાજકીય આંદોલનકાર. પૂર્વ ટિમૉરમાં સ્વાતંત્ર્ય-આંદોલનને ટેકો આપવા બદલ પૉર્ટુગીઝ સરકારે તેમને દેશનિકાલ કર્યા હતા. 1972–75 દરમિયાનના આંતરયુદ્ધમાં ભાગ લેવા તેઓ દેશ પાછા આવ્યા અને ફ્રૅટલિનના ગેરીલા-સભ્ય બન્યા. 1975માં ઇન્ડોનેશિયા તરફથી આક્રમણ થતાં તેઓ ઑસ્ટ્રેલિયા ચાલ્યા ગયા. તેમણે પૂર્વ ટિમૉરના વિદેશ મંત્રી તરીકે કામગીરી કરી તથા પોતાના દેશ માટેના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા બની રહ્યા. પૉર્ટુગલમાં રહીને પોતાના દેશની આઝાદી માટેના શાંતિપૂર્ણ ઉકેલ લાવવા તેઓ સતત આંતરરાષ્ટ્રીય ટેકો મેળવવા મથામણ કરી રહ્યા છે.

તેમને 1996માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અપાયો હતો.

મહેશ ચોકસી