રૅસીન, ઝ્યાં (બાપ્તિસ્મા વિધિ)

January, 2004

રૅસીન, ઝ્યાં (બાપ્તિસ્મા વિધિ) : 22 ડિસેમ્બર 1639, લા ફર્તે-મિલૉન, ફ્રાન્સ; અ. 21 એપ્રિલ 1699, પૅરિસ) : ફ્રેન્ચ નાટ્યકાર. ‘બ્રિટાનિક્સ’ (1669), ‘બૅરૅનિસ’ (1670), ‘બજાઝેત’ (1672) અને ‘ફૅદ્રે’ (1677) જેવી મહાન શિષ્ટ કરુણાંતિકાઓના સર્જક. એક વર્ષની ઉંમરે માતાનું અવસાન અને ત્રણ વર્ષના માંડ હતા ત્યારે પિતાનું મૃત્યુ. પિતા સ્થાનિક કરવેરાના કાર્યાલયમાં નોકરી કરતા હતા. દાદીએ ઉછેર્યા. દાદી પોતે વિધવા થયાં એટલે પૅરિસ નજીક પૉર્ત-રૉયલ દે ચેમ્પ્સમાં સાધ્વી બન્યાં અને રૅસીનને પોતાની સાથે લઈને રહ્યાં. તેમની સંસ્થામાં શિક્ષણ લેવાની સગવડ રૅસીનને પ્રાપ્ત થઈ. તેઓ અહીં લૅટિન અને ગ્રીક ભાષા-સાહિત્ય ભણ્યા. ધર્મ વિષેનું જ્ઞાન પણ મેળવ્યું. પછી કૉલેજનું શિક્ષણ બુવૅમાં. પૉર્ત-રૉયલ નજીકના ઉદ્યાનમાં એકાન્ત સેવી ગ્રીક વાંચતા. ‘પ્રૉમેનેદસ દ પૉર્ત-રૉયલ’ તેમની શરૂઆતની અપરિપક્વ કાવ્યરચનાઓનો સંગ્રહ છે.

ઝ્યાં રૅસીન

1658માં પૅરિસમાં કાયદાશાસ્ત્રનું શિક્ષણ લીધું. જોકે આ સમયે નાટકને હલકી કક્ષાનું માધ્યમ ગણવામાં આવતું, તોપણ રૅસીને નાટકની પ્રવૃત્તિને સ્વીકાર્યા પછી તેમને પૉર્ત-રૉયલ સાથેનો નાતો તોડવાનું ફરમાન થયું.

રાજાના લગ્ન નિમિત્તે 1660માં તેમણે ‘ઓડ’ પ્રકારનું કાવ્ય લખ્યું હતું. રાજ્યકુટુંબમાં ઓરીના ઉપદ્રવ સંબંધી તેમણે અન્ય ‘ઓડ’ પણ લખ્યું હતું. તેમની ‘લા થૅબેઇદ ઉ લે ફ્રૅર્સ એનિમિઝ’ (ધી એનિમી બ્રધર્સ) કરુણાંતિકા 1664માં ભજવાઈ હતી. ત્યારપછીના વર્ષમાં ‘ઍલેક્ઝાન્દ્રે’ લખ્યું, પણ તેને ઝાઝી સફળતા મળી ન હતી, મૉલિયેરે ચીંધેલી નટશૈલીથી ખફા થઈ, પોતાના ‘ઍલેક્ઝાન્દ્રે’ નાટકને ‘ધી ઑતેલ દ બૂર્ગોન’ થિયેટરમાં લઈ ગયા. આના છ પ્રયોગો મૉલિયેરે કરેલા અને તેથી તેમણે અન્ય નાટકકંપની તે ભજવે તે સામે વાંધો ઉઠાવેલો. મૉલિયેરની માનીતી નટી દુ પોર્કે પણ રૅસીનને ટેકો આપ્યો. તેમના ‘એન્ડ્રોમેક’માં મુખ્ય નાયિકાનું પાત્ર પણ તેણે સફળતાપૂર્વક ભજવ્યું. ત્યારપછી રૅસીનની એકમાત્ર કૉમેડી ‘લે પ્લેદુર્સ’ (1668; ધ લિટિગન્ટ્સ) ભજવાઈ. પછી રોમ સંબંધી ‘બ્રિટાનિક્સ’ અને ‘બૅરૅનિસ’ ભજવાયાં. આમાંનું પહેલું નાટક જોઈને નાટ્યકાર કૉર્નેલે ભારે રોષ વ્યક્ત કરેલો. બીજું પણ, એ જ વસ્તુ ઉપર, કૉર્નેલે લખેલા નાટક જેવું હતું. એક જ શીર્ષક ધરાવતાં નાટકો એ વખતે જુદી જુદી રંગભૂમિ દ્વારા ભજવાતાં. આમાં બે લેખકો વચ્ચે વૈમનસ્ય પેદા થતું.

રૅસીને તુર્કસ્તાનના સમકાલીન કાવાદાવાના રાજકારણને આવરી લેતું ‘બજાઝેત’ નાટક લખ્યું. ‘મિથ્રિદેત’ (1673) એશિયાના વૃદ્ધ જુલ્મી શાસકનું નાટક છે. ‘ઇફિજીની’ (1674) યૂરિપિડીઝના મૂળ ગ્રીક નાટક ‘ઇફિજીનિયા ઍટ ઑલિસ’ પરથી લેવાયું છે. જોકે તે સુખાન્તમાં પૂરું થાય છે. 35 વર્ષની ઉંમરે રૅસીનને આ નાટકે યશ બક્ષ્યો. તેમને ‘અકાદમી ફ્રાન્કેસ’નું માનાર્હ સભ્યપદ એનાયત થયું. તેમની આર્થિક સ્થિતિ સુધરતી ગઈ. 1676માં તેમના સમસ્ત સર્જનનું પ્રકાશન થયું. આને લીધે તેઓ પંડિત-કવિ તરીકે પંકાયા.

‘ફેદ્રે’ મોટા ગજાની કરુણાંતિકા બની રહી. તે સાથે જ રૅસીનના જીવનમાં પણ કરુણગંભીર પલટો આવ્યો. તે ભજવાયા બાદ આઠ માસમાં જ તેમણે વ્યાવસાયિક રંગભૂમિને તિલાંજલિ આપી. તેમણે 24 વર્ષની ઉંમરની ધાર્મિક વૃત્તિવાળી એક ભલીભોળી યુવતી સાથે લગ્ન કર્યાં. હવે તેમણે ફ્રાન્સના મહાન વિવેચક બુવાલો સાથે ફ્રાન્સનાં રાજ્યકુટુંબોનો ઇતિહાસ લખવાનું નિમંત્રણ સ્વીકાર્યું.

રૅસીને ઓચિંતાં જ જીવનના પથને કેમ બદલી નાંખ્યો તેના મૂળમાં પ્રેયસી શૅમ્પમૅઝીની કૃતઘ્નતા, ‘ફેદ્રે’ નાટક સામેનું તહોમત, બુવાલો અને પોતાની સામે સૉનેટસંબંધી અશ્ર્લીલ આરોપો વગેરે હોઈ શકે, પરંતુ એ બધા તો ક્ષણિક અવરોધો હતા; પરંતુ પોતાનાં પાપ ધોવા માટેનો તે આખરી નિર્ણય હતો, તેવા રૅસીનના બયાનને પિતાનું જીવનચરિત્ર લખતાં તેમના પુત્રે કબૂલ રાખ્યું છે. વળી ‘ફેદ્રે’માં શેક્સપિયરે જેમ ‘ધ ટેમ્પેસ્ટ’માં તેમ – જે કંઈ જીવનના નિષ્કર્ષમાં કહેવાનું હતું તે કહી નાખ્યું હતું, એટલે હવે નિવૃત્ત થવું જ યોગ્ય હતું.

આખરે તો રૅસીનને સુરક્ષિત અને નિશ્ર્ચિંત જીવન ખપતું હતું. રાજાનાં માનીતાં માદામ દ મૉન્તેસ્પાને તેમને માનમરતબો અપાવી આર્થિક સુરક્ષાનું કવચ પૂરું પાડ્યું. વળી દિનપ્રતિદિન ધર્માંધ લોકો નાટ્યપ્રવૃત્તિની વિરુદ્ધ થતા જતા હતા. ‘ફેદ્રે’ના લખનાર પણ પોતાના જીવનની આથમતી સંધ્યાએ નાટકની વિરુદ્ધમાં પ્રહારો કરવાના હતા.

તેઓ હયાતી દરમિયાન જ પ્રશિષ્ટ સાહિત્ય(classics)ના સર્જક તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. પોતાનાં લખાણોને એ તપાસતા રહેતા હતા. રંગમંચ પર જે નાટક દોષપાત્ર ઠરતું હતું, તે જ નાટક સાહિત્યકૃતિ તરીકે પ્રતિષ્ઠા પામતું હતું.

તેમનાં સંતાનોમાં બે પુત્રો અને પાંચ પુત્રીઓ હતાં. તેમની બે પુત્રીઓ, એક તેમની હયાતીમાં અને બીજી તેમના મૃત્યુ બાદ, દેવળની સંન્યાસિનીઓ (nuns) બની ગઈ હતી.

શેષ જીવન રાજાના પ્રત્યક્ષ યુદ્ધજીવનનાં ઐતિહાસિક બયાનો લખવા માટે હતું. માદામ દ મૉન્તેસ્પાન અને રાણી માદામ દ મૉન્તૅનૉનને માટે તેઓ કલમ ચલાવતા. ઈર્ષાળુઓ તો તેમને દંભી કહેતા, પરંતુ તેમનો યશ દિવસે દિવસે વધતો ગયો. અવનવાં માન-ઇલકાબોથી તેમને નવાજવામાં આવ્યા. મૉન્તૅનૉનની આજ્ઞાથી તેમણે ‘એસ્તર’ (1689) અને ‘ઍથલી’ (1691) નાટકો લખ્યાં હતાં.

યકૃતમાં ગૂમડું – કદાચ કૅન્સર  થવાથી દોઢ વરસ સુધી પીડાઈને તેઓ મોતને ભેટ્યા. તેમની છેલ્લી ઇચ્છા મુજબ તેમને ‘પૉર્ત-રૉયલ’ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા. 1710માં શાહી હુકમથી તે સ્થળનો નાશ કરવામાં આવ્યો ત્યારે પણ તેમના મૃત શરીરના અવશેષોને સેંટ ઍતિન-દુ-મોન્તમાં માનભેર દફનાવવામાં આવ્યા હતા.

વિ. પ્ર. ત્રિવેદી