રાષ્ટ્રીય ગ્રંથાલય – ભારત : ભારતનું સૌથી મોટું અને વિશાળ રાષ્ટ્રીય ગ્રંથાલય. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા એનું સંચાલન થાય છે. કોલકાતાના બેલવેડેર એસ્ટેટની 30 એકર ભૂમિમાં આવેલું આ રાષ્ટ્રીય ગ્રંથાલય મુદ્રણ અને પુસ્તક-નોંધણી અધિનિયમના કાયદા હેઠળ દેશમાં પ્રકાશિત થતી તમામ મુદ્રિત સામગ્રી પ્રાપ્ત કરવાને હકદાર છે. આ ગ્રંથાલય સંગ્રહ અને સંરક્ષણની સાથે સાથે જ્ઞાન અને માહિતીના પ્રસારણની કામગીરી, વાઙ્મયસૂચિસેવા અને પ્રલેખનસેવા આયોજિત કરે છે. વળી આંતરરાષ્ટ્રીય પુસ્તક-વિનિમયના કેન્દ્ર તરીકે તે કાર્ય કરે છે. ભારતના આ રાષ્ટ્રીય ગ્રંથાલયના વિકાસના ત્રણ તબક્કા છે.

સ્થાપના : કોલકાતા પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના 21મી માર્ચ, 1836ના રોજ કોલકાતાના હિંદી અને અંગ્રેજ પ્રતિષ્ઠિત નાગરિકો દ્વારા કરવામાં આવી હતી. કોલકાતાનો કોઈ પણ શહેરી રૂ. 300નો શૅરફાળો આપીને આ ગ્રંથાલયનું સભ્યપદ મેળવી શકતો. રાજકુંવર દ્વારકાનાથ ઠાકુર એના પ્રથમ માલિક સભ્ય બન્યા. કોલકાતાના ‘ઇંગ્લિશમૅન’ના સંપાદક જે. એચ. સ્ટૉકવેલરને કોલકાતાના ઉચ્ચવર્ગના લોકોને માટે સારું લવાજમી સાર્વજનિક ગ્રંથાલય સ્થાપવાનો વિચાર સૂઝ્યો હતો. આ વિચારને પોષવા માટે કોલકાતાના સિવિલ સર્જન ડૉ. એફ. પી. સ્ટ્રાગે પોતાના નિવાસ 13, અસ્પ્લેનો રોનો ભોંયતળિયાનો ભાગ ગ્રંથસંગ્રહ માટે ફાળવી આપ્યો. તે પછી બંગાળના ગવર્નર જનરલ લૉર્ડ મેટકાફે ફૉર્ટ વિલિયમ કૉલેજનાં 4,675 પુસ્તકો આ ગ્રંથાલયને માટે દાનમાં આપ્યાં. ઈ.સ. 1844માં મેટકાફ હૉલ ખાતે આ ગ્રંથાલયને ખસેડવામાં આવ્યું. ગ્રંથાલય માટે ભારતીય અને વિદેશી પુસ્તકો બ્રિટનમાંથી ખરીદવામાં આવ્યાં હતાં. 1850ના અહેવાલમાં દર્શાવ્યા પ્રમાણે, ગુજરાતી, મરાઠી, પાલી, સિલોની અને પંજાબી પુસ્તકો દાનમાં મળતાં હતાં. બંગાળ અને ઉત્તર પશ્ચિમ પ્રાંતો(પ્રૉવિન્સ)ની સરકાર દ્વારા નિયમિતપણે પુસ્તકો દાનમાં મળતાં હતાં. બંગાળી નવલકથાના પિતા તરીકે ઓળખાતા પેરીચંદ મિત્રે (1848-1863) ગ્રંથપાલનો હોદ્દો સંભાળ્યો હતો, 1890-1898 સુધી સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા શ્રી બિપિનચંદ્ર પાલે ગ્રંથપાલ તરીકે સેવા આપી હતી. કોલકાતા પબ્લિક લાઇબ્રેરીના દુર્લભ ગ્રંથો અને સામયિકોનો સંગ્રહ આ રાષ્ટ્રીય ગ્રંથાલયને પ્રાપ્ત થયો હતો.

ઇમ્પીરિયલ લાઇબ્રેરી : 1891માં સચિવાલયનાં ગ્રંથાલયોનું એકીકરણ કરીને ઇમ્પીરિયલ લાઇબ્રેરીની સ્થાપના થઈ. હિંદની વડી સરકારના ગૃહખાતાના ગ્રંથાલયના ગ્રંથસંગ્રહને તથા ઈસ્ટ ઇન્ડિયા કૉલેજ, ફૉર્ટ વિલિયમ તેમજ ઈસ્ટ ઇન્ડિયા બૉર્ડ ઑવ્ લંડનનાં ગ્રંથાલયોના સંગ્રહોને એક કરીને આ ગ્રંથાલય સ્થપાયું. આ ગ્રંથાલયનો ઉપયોગ હિંદની વડી સરકારના ઉચ્ચ અધિકારીઓ જ કરી શકતા હતા. જાહેર પ્રજા ગ્રંથાલયનો ઉપયોગ કરે તેવો વિચાર લૉર્ડ કર્ઝન ધરાવતા હતા. કોલકાતા પબ્લિક લાઇબ્રેરી અને ઇમ્પીરિયલ લાઇબ્રેરીમાંની સગવડોના અભાવ અને અંકુશોને લઈને ત્યાંના સમૃદ્ધ ગ્રંથસંગ્રહની જે દશા થયેલી તે જોઈને તેઓ ચિંતિત બન્યા. હિંદી સરકારે કોલકાતા પબ્લિક લાઇબ્રેરીનો 40 હજાર પુસ્તકો અને સામયિકોનો સંગ્રહ રૂ. 28,500/ ચૂકવીને પ્રાપ્ત કર્યો. ઇમ્પીરિયલ લાઇબ્રેરીના ગ્રંથસંગ્રહ સાથે આ સંગ્રહને ભેગો કર્યો. લૉર્ડ કર્ઝને ઇમ્પીરિયલ લાઇબ્રેરી ઍક્ટ (1902) પસાર કર્યો અને 30મી જાન્યુઆરી, 1903માં મેટકાફ હૉલ ખાતે ઇમ્પીરિયલ લાઇબ્રેરીનો આરંભ કર્યો. ઉદઘાટન પ્રસંગે બોલતાં લૉર્ડ કર્ઝને જણાવ્યું કે ‘આ એક સંદર્ભ-ગ્રંથાલય હશે, વિદ્યાર્થીઓ માટે અભ્યાસકેન્દ્ર અને હિંદના ભાવિ ઇતિહાસવિદો માટે મહત્ત્વપૂર્ણ સંગ્રહ ભંડાર બની રહેશે. હિંદને વિશે લખાયેલાં અને હિંદમાં પ્રકાશિત થતાં પુસ્તકોનો ભંડાર ગમે તે સમયે જોઈ, વાંચી શકાશે. કોલકાતામાં એક સારું અને નામાંકિત ગ્રંથાલય ન હોય એ વાત ભુલાઈ જશે. આ ગ્રંથાલય પ્રથમ કક્ષાની સુવ્યવસ્થિત સંસ્થારૂપે વિકસશે.’ હિંદની વડી સરકારે ઇમ્પીરિયલ લાઇબ્રેરીના સંચાલન માટે કાઉન્સિલની રચના કરી અને તેના મંત્રી તરીકેની જવાબદારી ગ્રંથપાલને સુપરત કરી. આ ગ્રંથાલયના ઉપયોગ માટેની બધી સુવિધાઓ અને ખર્ચની જવાબદારી હિંદની વડી સરકારને હસ્તક રહી. સરકારે બ્રિટિશ મ્યુઝિયમના મદદનીશ ગ્રંથપાલ જૉન મેકફર્લૅનને ઇમ્પીરિયલ લાઇબ્રેરીના મુખ્ય ગ્રંથપાલપદે નીમ્યા. તેમણે આ ગ્રંથાલયના ગ્રંથસંગ્રહનું વર્ગીકરણ અને સૂચીકરણનું પાયાનું કાર્ય ઉપાડ્યું. તેમના પછી 1907થી 1911 સુધી વિદ્વાન ભાષાવિદ હરિનાથ ડેએ ગ્રંથપાલ તરીકે સેવા આપી. 1911થી 1930 સુધીના સમયગાળામાં જૉન ઍલેક્ઝાંડર ચૅપમૅને આ ગ્રંથાલયના ગ્રંથસંગ્રહની સુરક્ષા પ્રત્યે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1930 પછી ખાનબહાદુર કે. એમ. અસદુલ્લાહ ગ્રંથપાલ તરીકે 1947 સુધી રહ્યા.

રાષ્ટ્રીય ગ્રંથાલય : સ્વાતંત્ર્યપ્રાપ્તિ બાદ 1948થી ઇમ્પીરિયલ લાઇબ્રેરી ઍક્ટ અન્વયે ઇમ્પીરિયલ લાઇબ્રેરીનું નવું નામ ‘નૅશનલ લાઇબ્રેરી ઑવ્ ઇન્ડિયા’ રાખવામાં આવ્યું. ગવર્નર જનરલ સી. રાજગોપાલાચારીની પ્રેરણા, પંડિત જવાહરલાલની દૃષ્ટિ અને કલ્પના અને શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદનું સક્રિય પ્રોત્સાહન મળવાથી રાષ્ટ્રીય ગ્રંથાલય બેલવેડોરના ભવ્ય ભવનમાં ખસેડવામાં આવ્યું. 1લી ફેબ્રુઆરી, 1953ના રોજ ભારતનું રાષ્ટ્રીય ગ્રંથાલય દેશને સુપરત થયું. આ ગ્રંથાલયના પ્રથમ ગ્રંથપાલ તરીકે શ્રી એસ. કેશવની નિમણૂક કરવામાં આવી. બે દાયકાના કાર્યકાળ (1948-1967, 1970-71) દરમિયાન ગ્રંથાલયના ગ્રંથસંગ્રહ અને સેવાઓનો વિકાસ કરવામાં તેમણે ભારે જહેમત ઉઠાવી. તેમના પ્રયત્નથી ભારત સરકારે 1954માં ડિલિવરી ઑવ્ બુક ઍક્ટ પસાર કર્યો અને તેમાં સુધારો કરી 1956માં આ કાયદા હેઠળ ભારતમાં પ્રકાશિત થતાં સમાચારપત્રો, સામયિકો અને પુસ્તકો રાષ્ટ્રીય ગ્રંથાલયમાં ફરજિયાત જમા કરાવવામાં આવે છે. આ અધિનિયમને પરિણામે ગ્રંથસંગ્રહ વધતો ગયો તેમ તેમ ભવનનો વિસ્તાર પણ વધતો ગયો. 1961-66 દરમિયાન ઍનેક્સી ભવન તૈયાર થયું, જેમાં નવી સેવાઓમાં પ્રત્યાલેખનસેવાનો આરંભ થયો. સામાન્ય વાચકોને, સંશોધકોને અને વિદ્વાનોને રાષ્ટ્રીય ગ્રંથાલયના સમૃદ્ધ અને વિશાળ ગ્રંથસંગ્રહનો ઉપયોગ કરવો સરળ પડે તે માટે પુનરાયોજિત કરી ગોઠવવામાં આવ્યો. દુર્લભ અને અપ્રકાશિત ગ્રંથોને જુદા પાડીને તેને ભેજમુક્ત અને અંકુશિત તાપમાનવાળા ખાસ ભંડારમાં ગોઠવવામાં આવ્યા. વાચનાલય-ખંડમાં સામયિકો, સમાચારપત્રો, ગેઝેટનો ઉપયોગ વાચકો કરી શકે તે માટે સુવ્યવસ્થિતપણે ગોઠવવામાં આવ્યાં.

મૂલ્યાંકનસમિતિ : રાષ્ટ્રીય ગ્રંથાલયની સ્થાપનાને દોઢ દાયકો થયો, તેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિદ્વાનો અને સંશોધકો, શૈક્ષણિક સમુદાય અને સામાન્ય વાચકોની અપેક્ષાઓ વધવા લાગી. ભારતનું આ રાષ્ટ્રીય ગ્રંથાલય બાલવિભાગ ચલાવવાનું અને પુસ્તકો આપ-લે કરવાનું કાર્ય કરતું હતું. પણ આ કાર્ય રાષ્ટ્રીય ગ્રંથાલયનું નથી. આથી 1968માં રાષ્ટ્રીય ગ્રંથાલયના કાર્યક્ષેત્રને વિસ્તારવા, એનાં કાર્યો અને સેવાઓ પ્રતિષ્ઠા અને ગૌરવ અપાવનાર બને એ માટે અને તેના ભાવિ-વિકાસની દિશા ચીંધવા ભારત સરકારે ડૉ. વી. એસ. ઝાની અધ્યક્ષતા હેઠળ સાત સભ્યોની ઉચ્ચ કક્ષાની એક સમિતિ નીમી. આ સમિતિના અહેવાલ મુજબ સરકારે 24 સભ્યોની એક સમિતિ રાષ્ટ્રીય ગ્રંથાલયનાં કાર્યો માટે નીમી અને રાષ્ટ્રીય ગ્રંથાલયનું સુકાન તેના નિયામકને સોંપવામાં આવ્યું. આ સમિતિએ રાષ્ટ્રીય ગ્રંથાલયનાં કાર્યોનો વ્યાપ વિસ્તારવા માટે તેનાં કાર્યો અને સેવાઓ અંગે સૂચનો કર્યાં. રાષ્ટ્રીય ગ્રંથસૂચિ અંગે પણ અભિપ્રાય આપ્યો. રાષ્ટ્રીય ગ્રંથાલયના સેન્ટ્રલ રેફરન્સ લાઇબ્રેરી(બેલવેડેર)માંના આ વિભાગ દ્વારા રાષ્ટ્રીય ગ્રંથસૂચિ પ્રકાશિત થાય છે.

સંચાલન : રાષ્ટ્રીય ગ્રંથાલય ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ હેઠળ કાર્ય બજાવે છે. રાષ્ટ્રીય ગ્રંથાલયના નિયામકના હાથ નીચે બે પ્રમુખ ગ્રંથાલય અને માહિતી અધિકારીઓ (ગ્રંથપાલો), પાંચ ગ્રંથાલય અને માહિતી-અધિકારીઓ (નાયબ ગ્રંથપાલો) અને 30 મદદનીશ ગ્રંથાલય અને માહિતી-અધિકારીઓ તથા બહુ મોટી સંખ્યામાં ગ્રંથાલય અને માહિતી-મદદનીશો કામ કરે છે. રાષ્ટ્રીય ગ્રંથાલયના ગ્રંથસંગ્રહની સુરક્ષા માટેનો એક ખાસ વિભાગ છે  જેમાં સુરક્ષા-વિભાગ, પ્રત્યાલેખન-વિભાગ અને પ્રયોગશાળા-વિભાગ કાર્ય કરે છે. વડા દરજ્જાના વહીવટી અધિકારી  હસ્તક રાષ્ટ્રીય ગ્રંથાલયનો વહીવટી અને હિસાબવિભાગ છે. આ બેઉ વિભાગ માટે એક અધિકારીના હાથ નીચે અનેક સહાયકો કાર્ય કરે છે. સમગ્ર ગ્રંથાલયની દેખરેખ અને સુરક્ષાની જવાબદારી સુરક્ષા-અધિકારી સંભાળે છે. સુરક્ષા-અધિકારી મુખ્ય ગ્રંથાલય અને માહિતી-અધિકારીની દોરવણી પ્રમાણે કાર્ય કરે છે. રાષ્ટ્રીય ગ્રંથાલયનાં વિવિધ ભવનોના પરિસરમાં આવેલ બગીચાની દેખરેખ, માવજત અને સજાવટ માટે ગાર્ડન-સુપરિન્ટેન્ડન્ટ કામ કરે છે અને ઘણા માળીઓ આ કાર્ય સાથે સંકળાયેલા છે.

ગ્રંથસંગ્રહવિકાસ : રાષ્ટ્રીય ગ્રંથાલયના ગ્રંથસંગ્રહના વિકાસ માટે ડિલિવરી ઑવ્ બુક્સ ઍક્ટ, ખરીદી અને ભેટ તથા વિનિમયકાર્યનો આશ્રય લેવાય છે. ભારતમાં ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થતાં પુસ્તકો, સામયિકો, સમાચારપત્રો અને નકશાઓ કાયદાની રૂએ જમા કરાવવામાં આવે છે. યુનાઇટેટ નેશન્સ (રાષ્ટ્રસંઘ) અને તેની તમામ એજન્સીઓનાં પ્રકાશનોનું આ જમાકેન્દ્ર છે. યુ.એસ., કૅનેડા, યુરોપિયન ઇકૉનૉમિક કમ્યૂનિટી, એશિયન ડેવલપમેન્ટ બૅંક અને એવી અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સરકારી અને અધિકૃત દસ્તાવેજો તે પ્રાપ્ત કરે છે. ભારત સરકારના સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમ હેઠળ તે વાચનસામગ્રીઓના વિનિમય કાર્યક્રમનો અમલ કરે છે. આ વિનિમય યોજના હેઠળ ભારત વિશે વિદેશમાં વિદેશી ભાષાઓમાં પ્રકાશિત થતી સંશોધનક્ષમ સામગ્રીમાંથી 81 દેશોમાંની 205 સંસ્થાઓની પ્રકાશિત સામગ્રી તે પ્રાપ્ત કરે છે. મહત્ત્વના વિદ્વાનો, નામાંકિત વ્યક્તિઓ અને રાષ્ટ્રીય નેતાઓ તરફથી દુર્લભ અને કીમતી ગ્રંથોનો વિશિષ્ટ સંગ્રહ સમયાંતરે તેને ભેટરૂપે પ્રાપ્ત થતો રહે છે. વિશ્વના અનેક દેશોની સરકારો દ્વારા પ્રકાશિત થતાં મહત્ત્વનાં પ્રકાશનો તે ભેટ રૂપે સ્વીકારે છે. આ ગ્રંથસંગ્રહમાંની ઊણપ અને ખામીઓ ઓછી કરવા માટે વિવિધ સ્રોતોની માઇક્રોફિલ્મ નકલો પણ તે ખરીદે છે. 16મી સદીથી પ્રકાશિત થયેલ પુસ્તકો આ ગ્રંથાલયમાં સુરક્ષિત છે અને તે સાથે મુદ્રિત નકશાઓ, ઍટલાસ અને હસ્તપ્રતોનો વિશાળ સંગ્રહ છે.

ગ્રંથસમૃદ્ધિ : રાષ્ટ્રીય ગ્રંથાલયનો કુલ ગ્રંથસંગ્રહ 22,70,954 ગ્રંથોનો છે; જેમાં ભારતીય ભાષાવિભાગમાં 5,58,516 નકશા, 86,683 હસ્તપ્રતો, 3,227 કૉપીરાઇટ કાયદા હેઠળ પ્રાપ્ત કરેલાં અને ભારતમાં પ્રકાશિત થતાં તમામ ભારતીય ભાષાનાં પુસ્તકોનો સંગ્રહ 9,19,724ની સંખ્યા ધરાવે છે. 17,520 ચાલુ સામયિકો અને 902 દેશમાં પ્રકાશિત થતાં દૈનિક સમાચારપત્રો તેમજ 11,785  સમાચારપત્રોની બાંધેલી ફાઇલો ઉપલબ્ધ છે. ભારત સરકારના અધિકૃત પ્રલેખો 4,86,102 છે. તે ઉપરાંત 4,988 માઇક્રોફિલ્મો અને 95,206 માઇક્રોફીશ(microfische)નો સંગ્રહ તેની પાસે છે.

ભારતીય ભાષાના ગ્રંથસંગ્રહમાં ભારતમાં પ્રકાશિત થતાં અંગ્રેજી ભાષાનાં પુસ્તકો ઉપરાંત આસામી, બંગાળી, ગુજરાતી, હિંદી, કન્નડ, કાશ્મીરી, મલયાળી, મરાઠી, ઊડિયા, સંસ્કૃત, પાલી અને પ્રાકૃત, સિંધી, તમિળ, તેલુગુ અને ઉર્દૂ ભાષાનાં પુસ્તકોનો સમાવેશ કરેલ છે.

અંગ્રેજી અને વિદેશી ભાષાઓનો ગ્રંથસંગ્રહ : રાષ્ટ્રીય ગ્રંથાલયના ગ્રંથસંગ્રહમાં અંગ્રેજી ભાષાનાં પુસ્તકોનો મોટો ગ્રંથસંગ્રહ છે. આ સંગ્રહમાં કોલકાતા પબ્લિક લાઇબ્રેરી અને ઇમ્પીરિયલ લાઇબ્રેરીના કીમતી અને દુર્લભ ગ્રંથોનો સંગ્રહ છે,  જે રાષ્ટ્રીય ગ્રંથાલયનો ગૌરવવંતો વિભાગ બને છે. આ વિભાગમાં માનવવિદ્યાઓ, યુરોપની સંસ્કૃતિ અને કલાનો તેમજ બ્રિટિશ અને ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યનો કીમતી ગ્રંથસંગ્રહ છે. ભારત સંબંધી વિશ્વમાં ગમે તે ભાષામાં પ્રકાશિત થયેલ પુસ્તકો તે પ્રાપ્ત કરે છે. અરબી અને ફારસી ભાષાનાં પુસ્તકો સારી સંખ્યામાં ઉપલબ્ધ છે. 1985માં યુરોપિયન ભાષાવિભાગમાં પૂર્વ એશિયાની લૅટિન કુળની, સ્લેવૉનિક, પશ્ચિમ એશિયા અને આફ્રિકી ભાષાઓનાં પુસ્તકો છે. તેમાં જર્મન ભાષાવિભાગ પણ છે.

ભેટસંગ્રહ : રાષ્ટ્રીય ગ્રંથાલયના મહત્ત્વપૂર્ણ અને સંશોધકો માટે સવિશેષ ઉપયોગી એવા ભેટગ્રંથસંગ્રહમાં આશુતોષ મુખર્જીનો અનેક મહત્ત્વના વિષયોનો વ્યાપ ધરાવતો 84,000 પુસ્તકોનો સંગ્રહ છે. અન્ય મહત્ત્વપૂર્ણ ભેટસંગ્રહમાં રામદાસ સેન સંગ્રહ, અરબી અને ફારસી હસ્તપ્રતોવાળો બુહર સંગ્રહ ખૂબ જ મૂલ્યવાન છે. ભારતના મહાન ઇતિહાસવિદ સર જદુનાથ સરકારનો ગ્રંથસંગ્રહ, તેમના સમકાલીન વિદ્વાન ડૉ. સુરેન્દ્રનાથ સેન અને પ્રો. વૈયાપુરી પિલ્લાઈનો દ્રાવિડી ભાષાની હસ્તપ્રતોનો સંગ્રહ આ ગ્રંથાલયની બહુ કીમતી સંશોધનલક્ષી સામગ્રી છે. આ ઉપરાંત ત્રિપુરાના મહારાજાનો ઇતિહાસ, સાહિત્ય અને માનવ-વિદ્યાઓનાં પુસ્તકોનો ત્રિપુરા-સંગ્રહ, હિદાયત હુસેન સંગ્રહ, બારિદ બરન મુખર્જી સંગ્રહ, ઝકરિયા સંગ્રહ અને ઇમામબાડા-સંગ્રહ વિદ્વાનો અને સંશોધકોના ઉપયોગ માટે ઉપલબ્ધ છે. સર તેજબહાદુર સપ્રુનો પત્રવ્યવહાર અને દેશના મહત્ત્વપૂર્ણ નામાંકિત વ્યક્તિઓ અને પ્રસિદ્ધ સાહિત્યકારોનો અંગત પત્રવ્યવહાર રાષ્ટ્રીય ગ્રંથાલયનો આકર્ષક ખજાનો છે.

દુર્લભ ગ્રંથસંગ્રહ વિભાગ : ભેટસંગ્રહોમાંનાં દુર્લભ ગ્રંથો અને હસ્તપ્રતો ધૂળ, ભેજ, પાણી અને આગથી સુરક્ષિત રહે એવા એક ખાસ ખંડમાં ગોઠવેલ છે. આ વિભાગની સમગ્ર વાચનસામગ્રી માઇક્રોફિલ્મરૂપે સુલભ બનાવવામાં આવી છે.

વર્ગીકરણ અને સૂચીકરણ : રાષ્ટ્રીય ગ્રંથાલયના વિવિધ ગ્રંથસંગ્રહ માટે જુદી જુદી વર્ગીકરણપદ્ધતિઓ પ્રયોજી છે. અંગ્રેજી અને યુરોપિયન ભાષાના ઇમ્પીરિયલ લાઇબ્રેરીનાં પુસ્તકોનું વર્ગીકરણ બ્રિટિશ મ્યુઝિયમ પદ્ધતિ પ્રમાણે થયેલું છે. વાચનાલય ખંડમાંના ગ્રંથસંગ્રહને નિશ્ચિત સ્થાને જ રાખવામાં આવે છે. ભારતીય ભાષાનાં પુસ્તકો- (1850 પછી પ્રકાશિત થયેલ)ને સ્કોલફીલ્ડની યોજના પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં વિષય-અંતર્ગત કદ પ્રમાણે a.b.c. વર્ગમાં વિભક્ત કરી ગોઠવવામાં આવે છે; પરંતુ 1956 પછી રાષ્ટ્રીય ગ્રંથાલયમાં આવતાં તમામ પુસ્તકોને ડ્યૂઈની દશાંશ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે વર્ગીકૃત કરી ગોઠવવામાં આવે છે.

રાષ્ટ્રીય ગ્રંથાલયના ગ્રંથસંગ્રહની સૂચિ પત્રક(કાર્ડ)સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. કર્તા, ગ્રંથનામ અને વિષયની કાર્ડ-સૂચિ બનાવી અલગ અલગ સૂચિ-ખાના-પેટીમાં ગોઠવવામાં આવે છે. ભારતીય ભાષાનાં બધાં જ પુસ્તકોનું સૂચીકરણ-કાર્ય રોમન લિપિમાં કરવામાં આવે છે. 1987થી આ ગ્રંથાલયના ગ્રંથસંગ્રહનું સૂચીકરણ-કાર્ય ઍંગ્લોઅમેરિકન કૅટલૉગિંગ રુલ્સ-II પ્રમાણે કરવામાં આવે છે. લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ સબ્જેક્ટ હેડિંગ્ઝ લિસ્ટને આધારે વિષયસૂચિ અપાય છે.

સુરક્ષાવિભાગ : ગ્રંથાલય-સેવાઓના આધુનિકીકરણ અને સંગ્રહવિકાસના કાર્યની સાથે તેની સામગ્રીની સુરક્ષા જરૂરી બની રહે છે. આ ગ્રંથાલયમાં સુરક્ષા વિભાગમાં સુરક્ષા ઉપરાંત પ્રયોગશાળા-વિભાગ અને પ્રત્યાલેખનની કામગીરી પણ ચાલે છે. આ વિભાગની મુખ્ય કામગીરીમાં પુસ્તકની મરામત તેમજ સામયિકોના છૂટા અંકોની બંધામણીનું, જર્જરિત થયેલાં પુસ્તકોને આમ્લતાવિમુખ કરવાનું અને મૂળસ્થિતિમાં સાચવવાનું વૈજ્ઞાનિક અને પદ્ધતિસરનું કાર્ય થાય છે. આ ગ્રંથોને માઇક્રોફિલ્મિંગ દ્વારા સુરક્ષાકવચ પૂરું પાડવાનું કાર્ય આ વિભાગમાં થાય છે.

રાષ્ટ્રીય ગ્રંથાલયનું આધુનિકીકરણ : રાષ્ટ્રીય ગ્રંથાલયમાં 1987થી કમ્પ્યૂટર-કેન્દ્રનો આરંભ થયો છે. મિનિકમ્પ્યૂટર એચપી. 3,000 મિનાયસિસ/આરડીએનએલ સિસ્ટમ છે, SUN E 450 ડેટા સ્ટોરેજ થાય છે. રાષ્ટ્રીય ગ્રંથાલયનો દરેક આંતરિક વિભાગ 98 એચપી. પેન્ટિયમ III PCને નોડથી નેટવર્કિંગથી જોડેલ છે. ગ્રંથાલયનું વાઙ્મયનિયંત્રણકાર્ય સ્વયંસંચાલિત છે અને સીડીએસ/આઇએસઆઇએસ દ્વારા વિશિષ્ટ વિષયના ક્ષેત્રે નાના કદના ડેટાબેઝિઝ તૈયાર કરે છે. 1900 પહેલાં પ્રકાશિત થયેલાં અંગ્રેજી પુસ્તકો અને 1920 પૂર્વે પ્રકાશિત થયેલ ભારતીય ભાષાનાં પ્રકાશનોને સીડીમાં સમાવેલ છે. 548 સીડીમાં 6,600 પુસ્તકો સ્કૅન કરીને તેમનું 25 લાખ પૃષ્ઠોમાં ડિજિટલાઇઝેશન કરેલ છે.

વાચકસેવાઓ : રાષ્ટ્રીય ગ્રંથાલયમાં વાચનાલય-સેવા, ગ્રંથ-આપલે સેવા અને વાઙ્મયસૂચિ-સેવાઓ પ્રાપ્ત છે. રાષ્ટ્રીય ગ્રંથાલયમાં ત્રણ વાચનાલય-ખંડો છે. આ ત્રણેય વાચનખંડોમાં 564 વાચકોને માટેની બેઠક-વ્યવસ્થા છે. મુખ્ય વાચનાલય-ખંડ રાષ્ટ્રીય ગ્રંથાલયના બેલવેડેર ભવનમાં છે અને બીજાં બે વાચનાલયો ઍનેક્સી અને પ્રશાસન ભવનમાં આવેલ છે. 362 દિવસ આ ગ્રંથાલય અને તેના વાચનાલય વિભાગો સવારે 9-00થી રાતના 8-00 વાગ્યા સુધી ખુલ્લાં રહે છે. શનિ, રવિ અને જાહેર રજાના દિવસોમાં સવારે 9-30થી સાંજના

6-00 કલાક સુધી તે ખુલ્લાં રહે છે. વાચનાલય-ખંડમાં કોઈ પણ વ્યક્તિ વાચનાલય-સભ્યપદ-પત્રક મેળવીને પ્રવેશી શકે છે.

ગ્રંથ આપલે : પુસ્તક આપ-લે કરવાનું કાર્ય રાષ્ટ્રીય ગ્રંથાલયનું નથી, પરંતુ રાષ્ટ્રીય ગ્રંથાલયની ઐતિહાસિક ભૂમિકા સાર્વજનિક ગ્રંથાલયની હોઈને કોઈ પણ પ્રકારની ફી અથવા લવાજમ લીધા વિના મફત વાચનસેવા અપાય છે. જામીનગીરી સાથે અરજીપત્રક અને રૂ. 50/ અનામતની રકમ આપી કોઈ પણ ભારતીય નાગરિક તેનું સભ્યપદ મેળવી શકે છે. ત્યારબાદ તે સભાસદ બે સપ્તાહ માટે બે પુસ્તકો મેળવી શકે છે. સભાસદ વ્યક્તિને ફક્ત દેય વિભાગમાંથી જ પુસ્તકની લેવડ-દેવડનો લાભ મળે છે. વળી ટપાલ દ્વારા પણ વાચકો પુસ્તક દેય કરાવી શકે છે. દેય કરાવનાર સભ્યે બેય તરફનું ટપાલ-રવાનગીખર્ચ ભોગવવાનું રહે છે.

વાઙ્મયસૂચિ સેવાઓ : દેશ અને વિદેશમાં રહેતી વ્યક્તિઓ અને સંસ્થાઓ તરફથી માંગણી થતાં જે તે વિષય ઉપરની વાઙ્મયસૂચિઓ અને વાચનયાદીઓ સંપાદિત કરીને આપવામાં આવે છે. ભારતમાં પ્રકાશિત થયેલી સૂચિઓ અને અનૂદિત થયેલી રચનાઓની યાદી યુનેસ્કોને મોકલી અપાય છે. આ પ્રકારની યાદીઓ યુનેસ્કો તેના પ્રકાશન ‘ઇન્ડેક્સ ટુ ટ્રાન્સલેશન’ અને ‘ઇન્ડેક્સ બિબ્લિયૉગ્રાફી’માં સામેલ કરે છે. આ સેવાના ભાગરૂપે વિદ્વત્તાપૂર્ણ સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોની નિર્દેશિકા ‘ઇન્ડેક્સ ઇન્ડિયાના’ નામે પ્રસિદ્ધ થાય છે. વળી વિદ્વાનો અને સંસ્થાઓના ઉપયોગ માટે આંતરરાષ્ટ્રીય નિયમાનુસાર પ્રત્યાલેખનસેવા આપવામાં આવે છે. બાલવિભાગ, વિજ્ઞાન અને તાંત્રિક વિભાગ, વાચનાલયખંડ, દુર્લભ ગ્રંથવિભાગ, આશુતોષ સંગ્રહ વિભાગ અને ભારતીય અને વિદેશી ભાષાઓના વિભાગમાં આવનારા વિશિષ્ટ વાચકોને માટે વિશેષ સેવાઓ સુલભ છે.

પ્રકાશન-પ્રવૃત્તિ : વિશિષ્ટ ગ્રંથસંગ્રહની સૂચિઓ અને વાઙ્મયસૂચિઓ રાષ્ટ્રીય ગ્રંથાલયે તૈયાર કરીને પ્રકાશિત કરેલ છે. જે પરિષદો અને પરિસંવાદો આ ગ્રંથાલયમાં આયોજિત થયાં હતાં તેમની કાર્યવહીઓ પ્રકાશિત થયેલ છે. આવાં 36 પ્રકાશનો વેચાણમાં સુલભ છે.

પરિસંવાદો અને પરિષદો : આ ગ્રંથાલય ખાતે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પરિસંવાદો અને પરિષદો યોજવામાં આવે છે. આ કાર્ય માટે ઇફલા અને યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અને બ્રિટિશ કાઉન્સિલનો સહયોગ મળતો રહે છે.

તજ્જ્ઞસલાહ સેવા : રાષ્ટ્રીય ગ્રંથાલયના અનુભવી અને તજ્જ્ઞ અધિકારીઓ અન્ય ગ્રંથાલયોને જરૂર પડ્યે નિષ્ણાતસલાહસેવા પૂરી પાડે છે. આ સેવાના ભાગરૂપે કર્મચારી-પસંદગી, ગ્રંથાલય-વ્યવસ્થા અને સંચાલન સંબંધી સેવાસુધારણા બાબતે; લાઇબ્રેરી ઑટોમેશન અંગે; દુર્લભ ગ્રંથોની સુરક્ષા અંગે – એમ અનેક બાબતો અંગે સલાહ આપવાનું કાર્ય થાય છે.

ભારતનું રાષ્ટ્રીય ગ્રંથાલય બેલવેડેરની ગૉથિક શૈલીની ભવ્ય અને સુંદર ઇમારતમાં વસેલું છે. આ પરિસર ચાર ભવનોમાં ફેલાયેલું છે. એનાં ભવનો અને સુંદર બગીચાઓ 30 એકર જમીનમાં પથરાયેલ છે. બેલવેડેર ભવન મુખ્ય ભવન છે. તેના ઈશાન ખૂણે ઍનેક્સી- ભવન, પશ્ચિમમાં પ્રશાસન ભવન અને મુખ્ય ભવનની પૂર્વ દિશામાં રાષ્ટ્રીય ગ્રંથાલયની પ્રયોગશાળાનું મકાન છે. આ ભવનની સામે ભાષાભવનનું નિર્માણ થઈ રહ્યું છે. મુખ્ય ભવનમાં આ ગ્રંથાલયના 21 વિભાગો છે, ઍનેક્સીભવનમાં ભેટસંગ્રહો, ભારતીય ભાષાઓના વિભાગો, અંગ્રેજી અને વિદેશી ભાષાવિભાગ – એમ 20 વિભાગો કામ કરે છે, અને પ્રશાસનવિભાગના મકાનમાં આઠ વિભાગોનું કામ ચાલે છે. આ ગ્રંથાલયનાં પુસ્તકોની છાજલીઓની લંબાઈ 45 કિલોમીટર છે; જેમાં 22.70 લાખ પુસ્તકોનો સમૃદ્ધ ગ્રંથસંગ્રહ એ ભારતની ભાવિ પેઢી માટેનો સુરક્ષિત અમૂલ્ય જ્ઞાનભંડાર છે. આ ગ્રંથાલયના નિયામક પદે શ્યામલકાંતિ ચક્રવર્તી છે અને ડૉ. આર. રામચંદ્ર એના ગ્રંથપાલ છે.

કિરીટ ભાવસાર