મૌલાના મુફતી મેહદી હસન

March, 2002

મૌલાના મુફતી મેહદી હસન (જ. 1883; અ. 28 એપ્રિલ 1976, શાહજહાંપુર) : ધર્મ-શિક્ષક તથા હદીસ વિષયના વિદ્વાન. મૌલાના મેહદી હસનનું વતન શાહજહાંપુર (ઉ. પ્ર.) હતું. તેમણે દિલ્હીના પ્રખ્યાત મદ્રસએ અમીનિયામાં શિક્ષણ લીધું હતું. હિંદના પ્રખર વિદ્વાન મૌલાના મુફતી કિફાયતુલ્લાના તેઓ શિષ્ય હતા. દારુલ ઉલૂમ દેવબંદમાં 1910માં તેમને પદવી અર્પણ કરવામાં આવી હતી. તેમના શિક્ષક મુફતી કિફાયતુલ્લાએ તેમને રાંદેર(જિ. સૂરત)ના મદ્રસએ અશરફિયામાં મોકલ્યા હતા, જ્યાં તેમણે 1948 સુધી શિક્ષણ આપેલું. ગુજરાતના લોકો ઉપર તેમનો ઘણો ઉપકાર છે. હનફી ફિકહ(કાયદાશાસ્ત્ર)માં પ્રવીણ હોવા ઉપરાંત હદીસશાસ્ત્રની મહત્વની શાખા અસ્મા ઉર રિજાલ(હદીસ વર્ણવનાર વ્યક્તિઓના જીવનપ્રસંગો)ની પણ તેઓ ઊંડી સમજ ધરાવતા હતા. 1948માં દેવબંદના દારુલ ઉલૂમમાં તેમને મુખ્ય મુફતી બનાવવામાં આવ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ 1,75,324 ફતવા (ધાર્મિક ચુકાદાઓ) બહાર પાડ્યા હતા. તેઓ માંદગી તથા શારીરિક અશક્તિને લઈને 1967માં નિવૃત્તિ લઈ પોતાના વતન શાહજહાંપુર ચાલ્યા ગયા હતા. મુફતી મેહદી હસન ઉદાર વૃત્તિના અને પરહેજગાર માણસ હતા. તેઓ નીડરતાપૂર્વક સાચી વાત અને સાચાં મંતવ્યો જણાવતા હતા. તેમને શાયરીનો પણ શોખ હતો અને તેમનું ઉપનામ ‘આઝાદ’ હતું. તેઓ કેટલાંક મહત્વનાં પુસ્તકોના લેખક તથા સંપાદક તરીકે પણ નામના ધરાવે છે. તેમણે હદીસ વિષયના તહાવીના પુસ્તક ‘મઆની-ઉલ-આસાર’ની સમજૂતી ‘ક્લાઇદ-ઉલ-અઝહાર’ નામે અરબી ભાષામાં 6 ભાગોમાં લખી હતી. ઇસ્લામી કાયદાશાસ્ત્ર(ફિકહ)ના મધ્યયુગના પ્રખ્યાત ઇમામ મુહમ્મદનું ‘અલહુજ્જ’ નામનું પુસ્તક અપ્રગટ હતું અને તેની એકમાત્ર હસ્તપ્રત ઇસ્તંબુલ(તુર્કી)માં હતી. મુફતી મેહદી હસને તેનું સંપાદન કરીને તે 2 ગ્રંથોમાં છપાવી. હનફી કાયદાનો આ પાયાનો સંદર્ભગ્રંથ મનાય છે. મુફતીસાહેબે તેની પાછળ સતત 20 વર્ષ કામ કર્યું હતું; તેમનું એક પુસ્તક ‘અલ-સૈફ-અલ મુજલ્લી’ પણ પ્રગટ થયું છે. તેમની ‘નખ્બતુલ ફિક્ર’ નામની કૃતિ અપ્રકાશિત રહી છે. તેમણે ઉર્દૂ ભાષામાં પણ નિબંધો લખ્યા છે. આમ ઇસ્લામી વિદ્યા અને અભ્યાસની તેમણે લાંબી સેવા કરી હતી.

અબ્દુર્રહીમ અબ્દુલસત્તાર સૈયદ

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી