મૈસૂર વિગ્રહો

February, 2002

મૈસૂર વિગ્રહો (1766–1799) : અંગ્રેજો અને મૈસૂરના મુસ્લિમ શાસકો વચ્ચે થયેલા વિગ્રહો. મૈસૂરના હિંદુ રાજાનો સિપાઈ, હૈદરઅલી, આપબળે ક્રમશ: સેનાપતિ અને ત્યારબાદ રાજાને ઉથલાવીને મૈસૂરનો શાસક બની ગયો હતો. 1766માં હૈદરાબાદના નિઝામ, મરાઠા અને અંગ્રેજોએ હૈદરઅલી વિરુદ્ધ જોડાણ કરીને તેના રાજ્ય પર હુમલો કર્યો, ત્યારે પ્રથમ મૈસૂર વિગ્રહ શરૂ થયો. તેમાં હૈદરનો 1767માં પરાજય થયો. તે પછી હૈદર કર્ણાટક જીતી ચેન્નાઈ નજીક પહોંચી ગયો. તેથી ચેન્નાઈની અંગ્રેજ સરકારે 1769માં હૈદર સાથે સંધિ કરી. તે મુજબ બંને પક્ષો જીતેલા પ્રદેશો પાછા આપવા અને સંરક્ષણ માટે પરસ્પર સહાય કરવા કબૂલ થયા.

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને માહે અને ભારતમાંની કેટલીક ફ્રેન્ચ વસાહતો કબજે કરી ત્યારે હૈદરઅલીએ તેનો વિરોધ કર્યો; પરંતુ બ્રિટિશ કંપનીએ તેની અવગણના કરી. વળી અગાઉના પરાજયનો ડંખ તેના મનમાં રહી ગયો હતો. તેથી તેણે અંગ્રેજો સામે લડાઈ જાહેર કરીને દ્વિતીય મૈસૂર વિગ્રહ શરૂ કર્યો. તેણે કર્ણાટકના ઘણા પ્રદેશો જીતી લીધા. તેણે કર્નલ બેઇલીની સૈન્યટુકડીને ઘેરી લઈ, શરણાગતિ સ્વીકારવાની ફરજ પાડી. 1780માં તેણે આર્કટ કબજે કર્યું. સર આયર કૂટે પૉર્ટોનોવોમાં 1781માં હૈદરને હરાવ્યો. કમનસીબે 1782માં હૈદર મરણ પામ્યો. તેના પુત્ર ટિપુ સુલતાને લડાઈ ચાલુ રાખી. આખરે 1784માં મૅંગલોરની સંધિથી બંને પક્ષ એકબીજાના જીતેલા મુલકો પાછા આપી દેવા કબૂલ થયા.

ટિપુ હૈદર કરતાં વધારે ઉતાવળિયો અને મહત્વાકાંક્ષી હતો. તે અંગ્રેજોનો કટ્ટો દુશ્મન હતો. તેથી અંગ્રેજ ગવર્નર જનરલ કૉર્નવૉલિસે નિઝામ તથા મરાઠા સાથે મિત્રાચારીની સંધિ કરી તેની વિરુદ્ધ સંઘ રચ્યો. તેથી ટિપુ ઉશ્કેરાયો અને તેણે અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કર્યું. તેણે ત્રાવણકોર પર હુમલો કરીને યુદ્ધ શરૂ કર્યું. કૉર્નવૉલિસે જાતે સેનાપતિપદ સંભાળીને ટિપુના કેટલાક ગઢ જીતી લીધા. મરાઠાઓએ મૈસૂરના મુલકોમાં વિનાશ વેર્યો. તેથી ટિપુએ સંધિ કરવા માગણી કરી. 1792માં શ્રીરંગપટ્ટમમાં તેણે નામોશીભરી સંધિ સ્વીકારવી પડી. તે મુજબ તેણે સાડા ત્રણ કરોડ રૂપિયા દંડ પેટે આપવા કબૂલ્યું. દંડની રકમ ચૂકવાય ત્યાં સુધી તેના બે પુત્રોને તેણે જામીન પેટે આપવા પડ્યા તથા પોતાના રાજ્યમાંથી આશરે અર્ધો પ્રદેશ પણ આપી દેવો પડ્યો. આમ, બ્રિટિશ કંપનીના પ્રદેશ તથા પ્રભાવક્ષેત્રમાં વધારો થયો.

ઉપર્યુક્ત નામોશીભરી સંધિનો ડંખ ટિપુ સુલતાન ભૂલ્યો નહોતો. અંગ્રેજો સામે વેર વાળવાનો તેણે ર્દઢ નિર્ધાર કર્યો. તેણે અંગ્રેજો સામે સહાય મેળવવા પોતાના દૂતો કાબુલ, ઇસ્તંબુલ, અરબસ્તાન તથા મૉરિશિયસ મોકલ્યા. શ્રીરંગપટ્ટમમાં તેણે સ્વતંત્રતાનો છોડ વાવ્યો અને ફ્રાંસના નેપોલિયન બોનાપાર્ટ સાથે પત્રવહેવારનો પ્રયાસ કર્યો. તેના લશ્કરને તાલીમ આપવા ફ્રેન્ચ સેનાપતિઓ નીમ્યા. આ પરિસ્થિતિ અંગ્રેજો માટે ગંભીર હોવાથી ગવર્નર જનરલ વેલેસ્લીએ ટિપુ સામે કડક હાથે કામ લેવા માંડ્યું. સપ્ટેમ્બર, 1798માં નિઝામ સાથે તેણે સહાયકારી સંધિ કરીને ટિપુને શરણાગતિ સ્વીકારવા જણાવ્યું. ટિપુએ તેનો અસ્વીકાર કરતાં યુદ્ધ જાહેર કરવામાં આવ્યું. ટિપુ વીરતાપૂર્વક લડ્યો અને લડાઈમાં 4 મે, 1799ના રોજ વીરગતિ પામ્યો. વેલેસ્લીએ તેના રાજ્યનો વિશાળ પ્રદેશ પડાવી લીધો અને બાકીના નાના પ્રદેશમાં મૈસૂરના જ ભૂતપૂર્વ હિંદુ રાજવંશના બાળકને ગાદીએ બેસાડી તેને સહાયકારી યોજનામાં સામેલ કર્યો.

જિગીશ પંડ્યા