મેન્ડેસ, કાટ્યુલે (જ. 22 મે 1843, બૉરડૉક્સ, ફ્રાન્સ; અ. 9 ફેબ્રુઆરી 1909, પૅરિસ) : ફ્રાન્સના નામી કવિ, નાટ્યલેખક અને નવલકથાકાર. તેમના પિતા બૅન્કર હતા. મેન્ડેસે 1860માં ‘લ રિવ્યૂ ફેંતેઝિસ્ત’ નામની કૃતિ રચીને પૅરિસમાં કવિ તરીકે ખ્યાતિ મેળવી. તેમની આ કૃતિ પછીની અન્ય કૃતિઓ માટે માર્ગદર્શક બની.

કાટ્યુલે મેન્ડેસ

1866–76 સુધી તેમણે ‘લ પારનાસ કા તાં પૉરેં’નું સંપાદન-કાર્ય સંભાળ્યું. તેમણે અગત્યની સિમ્બલિસ્ટ  પ્રતીકવાદની ચળવળ શરૂ કરવા ઇચ્છતા ઊગતા કવિઓને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું. તેમની બીજી 2 કૃતિઓ બીજા કવિઓના અનુકરણ રૂપે લખાઈ છે : ‘પૉએઝી’ (1892) અને ‘પૉએઝી નુવેલ્ઝ’ (1893).

નાટ્યકૃતિઓમાં ‘લ મેર એન્મી’ 1882માં અને ‘લ ફૅમ દ તાબાર’ 1887માં પ્રગટ થઈ હતી અને તે વધુ સફળ નીવડી હતી.

તેમણે ઘણી નવલકથાઓ લખી છે, જેમાં ‘લ રુવિઍ વીએર્ઝ’ (1881) અને ‘લ ક્રિમ દ વીઅર્ બ્લૅઝ’ મુખ્ય છે. ‘પુર લીર ઓ બૅં’ જેવી વાર્તાઓ પણ તેમણે લખી છે. તેમની વિવેચનાત્મક કૃતિ ‘રાપો સિર લ મુવમૉં પોએતિક ફ્રાંસેં (1867–1902)’ હજુ પણ લોકપ્રિય છે.

બળદેવભાઈ કનીજિયા