મુલ્લા, ફીરોઝ (જ. 1757, ભરૂચ; અ. 8 ઑક્ટોબર, 1830) : ફારસી લેખક. તેમનું નામ દસ્તૂર મુલ્લા ફીરોઝ હતું. તેમના પિતાનું નામ દસ્તૂર કાવસ બિન રુસ્તમ હતું. તેઓ હિન્દુસ્તાનના પ્રાચીન ‘મુઆબ્બિદો’માંથી હતા. તેઓ મૂળ ઈરાનના સોહરાવર્દના વતની હતા. તેમના વડવાઓ ઈ. સ. 1267માં હિજરત કરીને હિન્દુસ્તાનમાં આવ્યા હતા.

મુલ્લા ફીરોઝને ઉર્દૂ, ફારસી, અરબી તથા ગુજરાતી ભાષાની સારી જાણકારી હતી. તેઓ જ્યોતિષનું પણ સારું જ્ઞાન ધરાવતા હતા. તેમની વિદ્વત્તાની કદર રૂપે અંગ્રેજ સરકાર તરફથી તેમને માસિક રૂ. 400 વેતન મળતું હતું.

મુલ્લા ફીરોઝ 8 વર્ષના હતા ત્યારે તેમનું કુટુંબ વેપાર અર્થે સૂરત આવ્યું હતું. અહીં તેમણે અવસ્તાનો અભ્યાસ પરિપૂર્ણ કર્યો અને પિતાની સાથે અસ્ફહાન ગયા; ત્યાં એમણે જ્યોતિષ, તત્વજ્ઞાન, તર્કશાસ્ત્ર વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. 3 વર્ષ બગદાદમાં રહ્યા અને ત્યાં અરબી તથા તુર્કી ભાષા શીખી, સૂરત પાછા ફર્યા. ત્યાંથી મુંબઈ આવીને ઠરીઠામ થયા. અહીં તેઓ પોતાના ધર્મ-પ્રચાર અને અભ્યાસમાં વ્યસ્ત બની ગયા અને તેના અનુસંધાનમાં ફારસીમાં ઘણી રચનાઓ કરી. તેમની રચનાઓમાં ‘પંદનામા’, ‘દસાતીર’ અને ‘જાર્જનામા’ મુખ્ય છે. તેમણે ફારસીમાં ગઝલો અને કાવ્યમય પત્રો પણ અનેક લખ્યાં છે.

મુલ્લા ફીરોઝે પોતાના જીવનકાળ દરમિયાન જ્ઞાન-વિજ્ઞાન અને કલાને લગતાં આશરે 800 હસ્તલિખિત પુસ્તકોનો સંગ્રહ કર્યો હતો, જે આજે પણ મુંબઈમાં મુલ્લા ફીરોઝ લાઇબ્રેરીમાં સુરક્ષિત છે.

નસીરમિયાં મહમૂદમિયાં કાઝી