મલ્લિકાર્જુન

January, 2002

મલ્લિકાર્જુન : ઉત્તર કોંકણના શિલાહાર વંશનો સત્તરમો રાજા. એ અતિપ્રતાપી હતો ને પોતાને ‘રાજ-પિતામહ’ (રાજાઓનો પિતામહ) કહેવડાવતો હતો. ગુજરાતના સોલંકી વંશની રાજસત્તા દક્ષિણે લાટદેશ પર્યંત પ્રસરતાં, એને લાટની દક્ષિણે આવેલા આ શિલાહાર રાજ્ય સાથે સંઘર્ષ થયો. મલ્લિકાર્જુનના મદને તોડવા સોલંકી રાજવી કુમારપાળે મંત્રી ઉદયન મહેતાના પુત્ર આંબડ(આમ્રભટ)ને સૈન્ય લઈ એના રાજ્ય પર આક્રમણ કરવા મોકલ્યો. ચીખલી અને વલસાડ પાસે વહેતી નદી ઓળંગી એના સૈન્યે સામા કાંઠે પડાવ નાખ્યો. ત્યાં મલ્લિકાર્જુનના સૈન્યે ઓચિંતા આવી ભારે હુમલો કર્યો. ગુજરાતના સૈન્યને પરાજય આપી ત્યાંથી પાછું કાઢ્યું. આંબડે શરમથી પોતાનાં વસ્ત્રાલંકાર કાળાં કર્યાં.

રાજા કુમારપાળે સેનાપતિ આંબડને વધુ પ્રબળ સૈન્ય આપી ફરી આક્રમણ કરવા રવાના કર્યો. એ જ દક્ષિણ લાટની નદીને સામે કાંઠે. બંને સૈન્યો વચ્ચે ભીષણ યુદ્ધ ખેલાયું. એમાં આબુના પરમાર રાજા ધારાવર્ષ તથા શાકંભરીના ચાહમાન રાજા સોમેશ્વર (જે સિદ્ધરાજ જયસિંહનો દૌહિત્ર થતો હતો.) પણ સોલંકી સૈન્યની સક્રિય મદદે આવેલા. આખરે મલ્લિકાર્જુન હાથી પરથી પડી જતાં આંબડ સોમેશ્વર વગેરે એના ઉપર તૂટી પડ્યા ને એનો શિરચ્છેદ કર્યો. આ યાદગાર યુદ્ધ ઈ. સ. 1216 અને 1218ની વચ્ચે ખેલાયું હતું. વિજયી આંબડે ચાર દંતશૂળવાળો શ્વેત હસ્તી, શત્રુ મલ્લિકાર્જુનનું સુવર્ણ લપેટેલું પુસ્તક, શૃંગારકોડી, માણેકપછેડો, પાપક્ષય હાર, 32 હેમકુંભ, 6 મુડા મોતી, 120 સુંદરીઓ અને સાડાચૌદ કરોડની ખંડણી લઈ પાટણમાં ગૌરવભેર પ્રવેશ કર્યો ને સર્વ ભેટસોગાદ રાજા કુમારપાળને ચરણે ધરી.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી