મર્સર, જૉન (જ. 21 ફેબ્રુઆરી 1791, બ્લૅક બર્ન, લૅન્કેશાયર, વાયવ્ય ઇંગ્લૅન્ડ, યુ.કે.; અ. 30 નવેમ્બર 1866) : કાપડ-છપાઈના આંગ્લ નિષ્ણાત અને સ્વયંશિક્ષણ પામેલા રસાયણવિદ. તેમણે 1850માં ‘મર્સ-રાઇઝેશન’ નામની પ્રક્રિયાની પેટન્ટ લીધી હતી; આ પ્રક્રિયાને પરિણામે સુતરાઉ કાપડના પોતમાં ઘણો ફેરફાર થઈ શક્યો; કાપડના પોતની મજબૂતી વધી તથા તેમાં રેશમ જેવી કુમાશ અને ચમક આવ્યાં. કાપડને રંગવાની પ્રક્રિયાના અભ્યાસ દરમિયાન તેમણે આ પ્રક્રિયાની શોધ કરી. તેમના અવલોકનમાં તેમને એવું જોવા મળ્યું કે સૂતર કે કાપડ તાણેલું હોય ત્યારે તેની ઉપર કૉસ્ટિક સોડા(સોડિયમ હાઇડ્રૉક્સાઇડ)નું દ્રાવણ લગાડવામાં આવે તો તેની મજબૂતી તથા કુમાશમાં વધારો થતો હતો. વળી તેનાથી કાપડ પર રંગ લાગવાની ક્ષમતા, સાનુકૂળતા પણ વધી જતી હતી.

કૉસ્ટિક સોડા ખર્ચાળ હોવાથી તથા તેમાં કાપડ સંકોચાઈ જતું હોવાથી, શરૂઆતમાં આ પ્રક્રિયા વેપારી ધોરણે નિષ્ફળ નીવડી હતી, પરંતુ પાછળથી તેમાં સુધારા-વધારા કરવામાં આવ્યા અને આ પ્રક્રિયા આજે પણ પ્રચલિત છે. મર્સરે રસાયણપ્રક્રિયાને લગતી બીજી પણ ઘણી શોધો કરી. તેમાંની મોટાભાગની કાપડ-રંગાઈને લગતી હતી.

મહેશ ચોકસી