ભૃગુઓ–ભૃગુક્ષેત્ર

January, 2001

ભૃગુઓ–ભૃગુક્ષેત્ર : એક અતિપ્રાચીન ઋષિકુળ. અથર્વવેદ, બ્રાહ્મણ ગ્રંથો, મહાભારત અને વિવિધ પુરાણોમાં તેમના વિશે માહિતી પ્રાપ્ય છે.

તેમના આદ્યપુરુષ ભૃગુ હતા અને તેમના નામે ભાર્ગવવંશ ઓળખાયો. બ્રહ્માના આઠ પુત્રોમાં ભૃગુ, અંગિરસ, મરીચિ, અત્રિ, વસિષ્ઠ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુનો ઉલ્લેખ છે. જ્યારે વિષ્ણુપુરાણના જણાવ્યા પ્રમાણે ભૃગુ બ્રહ્માના માનસપુત્ર હતા અને દસ પ્રજાપતિઓમાંના એક હતા.

ભૃગુને ધનુર્વિદ્યાના પ્રવર્તક માનવામાં આવે છે. એમને સપ્તર્ષિઓમાંના એક ગણવામાં આવ્યા છે. ગીતાનું महर्षीणाम् भृगुरहम् વિધાન ઋષિવર્ય ભૃગુએ મેળવેલ પ્રતિષ્ઠાનું સૂચક છે.

ભૃગુ દક્ષકન્યા ખ્યાતિને પરણ્યા હતા. એના થકી તેમને લક્ષ્મી નામે પુત્રી અને ધાતા તેમજ વિધાતા નામે પુત્રો પ્રાપ્ત થયા હતા. આ બંને ભાઈઓ મહાત્મા મેરુની આયતિ અને નિયતિ નામે પુત્રીઓને પરણ્યા હતા. તેમના થકી પ્રાણ અને મુકુણ્ડુ નામે પુત્રો થયા હતા. આ વંશ વિસ્તૃત થઈને ભાર્ગવ નામે પ્રસિદ્ધ થયો, જેમાં દશાવતારમાંના એક પરશુરામ પણ થયા હતા. ઋગ્વેદમાં ભૃગુઓ મુખ્યત્વે અગ્નિપૂજા સાથે સંકળાયેલા જણાય છે. આર્યોને અગ્નિપૂજાનો વારસો આપનાર ભૃગુઓ હતા. તેઓ અગ્નિ પ્રગટાવવાની કલામાં કુશળ હતા.

ભૃગુક્ષેત્ર : વેબરના મંતવ્ય મુજબ ભૃગુઓની ભૂમિ પશ્ચિમ ભારત છે અને ત્યાં અથર્વવેદનું સર્જન થયું હતું. કેટલીક જગ્યાએ ભૃગુના પિતા તરીકે વરુણનો નિર્દેશ છે. ભૃગુને બ્રહ્મવિદ્યા પણ વરુણ પાસેથી મળી હતી. ભૃગુઓ પશ્ચિમ ભારત સાથે સંકળાયેલા હતા. રેવા-નર્મદા અને સાગરના સંગમ પાસે આવેલ ભરુકચ્છ પ્રદેશમાં ભૃગુઓ વસ્યા ને ત્યાં એમનું વર્ચસ્ સ્થપાતાં ભરુકચ્છ નગર ‘ભૃગુકચ્છ’ તરીકે અને રેવાક્ષેત્ર ‘ભૃગુક્ષેત્ર’ તરીકે જાણીતું થયું. આમ ભૃગુક્ષેત્ર પ્રાચીન તીર્થ-ક્ષેત્ર બન્યું. પાશુપત મતના પ્રવર્તક ભગવાન લકુલીશનું તીર્થ કાયાવરોહણ પણ આ ક્ષેત્રમાં આવેલું છે. વળી પરશુરામના પિતા જમદગ્નિના નામ પરથી આ ક્ષેત્રના નદીસમુદ્રના સંગમને ‘જામદગ્ન્ય’ તરીકે ઓળખવામાં આવ્યો છે.

ભૃગુના પુત્ર ચ્યવનનો આશ્રમ આ ક્ષેત્રમાં આવેલો હતો. ભૃગુના બીજા પુત્ર ચ્યવન પુરાણપ્રસિદ્ધ છે. તેમના જન્મ તેમજ નામ વિશે વિવિધ પુરાણો અને મહાભારત રસિક વૃત્તાંતો આલેખે છે. એવી જ રસિક બાબત તેમના સુકન્યા સાથેના લગ્ન અંગેની છે. શતપથ બ્રાહ્મણમાં જણાવ્યા પ્રમાણે, મનુના પુત્ર શર્યાતિના પુત્રોએ ચ્યવનને હેરાન કર્યા અને ચ્યવનઋષિએ શાર્યાતોમાં વિગ્રહ પ્રવર્તાવ્યો. આથી શર્યાતિ રાજાએ પોતાની સુકન્યા નામે યુવાન પુત્રી વૃદ્ધ ચ્યવનને આપી ઋષિને પ્રસન્ન કર્યા. ત્યારબાદ અશ્વિની દેવોની કૃપાથી વૃદ્ધ ચ્યવન પુન:યૌવન પામ્યા.

ચ્યવન અને સુકન્યાના પુત્ર દધીચ હતા. વૈદિક સાહિત્યમાં એમનો ઉલ્લેખ અનેક વાર થયો છે. મહાભારતમાં દધીચના આશ્રમને સરસ્વતીની પશ્ચિમે આવેલો કહ્યો છે. પદ્મપુરાણમાં ચંદ્રભાગા અને સાબરમતીના સંગમસ્થાનનો તેમના તપ:સ્થાન તરીકે ઉલ્લેખ થયો છે, જેને સ્થાનિક અનુશ્રુતિેઓ ટેકો આપે છે. આમ દધીચ ભૃગુક્ષેત્રને બદલે સહેજ ઉત્તરમાં વસ્યા હતા.

વૃત્રાસુરનો સંહાર કરવા માટે આત્મવિલોપન કરી દધીચે પોતાનાં અસ્થિ ઇન્દ્રને આપ્યાં એ કથા ભાગવતપુરાણ, પદ્મપુરાણ અને ઋગ્વેદમાં પણ છે.

અન્ય ઋષિકુલોની માફક ભૃગુઓની વંશાવળી જળવાઈ નથી.

જમદગ્નિના પુત્ર રામ–જામદગ્ન્ય થયા. પરશુ એમનું શસ્ત્ર હતું; તેથી એ પરશુરામ કહેવાયા. એ કાલમાં ગુજરાત હૈહય સમ્રાટ અર્જુન કાર્તવીર્યના સામ્રાજ્યનો એક ભાગ હતું. કાર્તવીર્યે જમદગ્નિના આશ્રમનો નાશ કર્યો હતો તેથી તેમના પુત્ર પરશુરામે સમ્રાટના આ અપકૃત્યનો બદલો લેવા એને મારી નાખ્યો. પરિણામે કાર્તવીર્યના પુત્રોએ જમદગ્નિનો વધ કર્યો. પિતાના મૃત્યુનું વેર લેવા પરશુરામે ક્ષત્રિયોનું એકવીસ વાર નિકંદન કાઢ્યું હોવાનું કહેવાય છે.

પાપના પ્રાયશ્ચિત્ત અર્થે પરશુરામે અશ્વમેધ યજ્ઞ કર્યો અને એની દક્ષિણામાં કશ્યપને પૃથ્વીનું દાન કર્યું. કશ્યપે એમને દક્ષિણમાં સમુદ્ર-તીરે જવાનો આદેશ કર્યો; પરિણામે પરશુરામે સમુદ્રમાંથી શૂર્પારક(સુપારા)નું નિર્માણ કરી ત્યાં આશ્રય લીધો. આમ ભૃગુઓ ભૃગુક્ષેત્ર ત્યજીને અપરાન્ત અર્થાત્ કોંકણ ચાલ્યા ગયા.

ઈશ્વરલાલ ઓઝા